Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ગીતાની બીજી જરૂરી વિચારણા

 

 

માનવે સુખી થવું હોય, શાંતિની ઝંખનામાં સફળ બનવું હોય, તો સંપ ને સચ્ચાઈ તથા પરસ્પર પ્રેમના મંત્રને તેણે અપનાવવો જોઈશે.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

શરૂઆતની આટલી વિચારણા પછી હવે ગીતાની બીજી જરૂરી વિચારણા પર આવીએ. આ વિચારણા વધારે ભાગે માણસના ધ્યાનમાં નથી આવતી. એટલે સુધી કે અઢાર અધ્યાયનો પાઠ કરનારા પણ તેને ભૂલી જાય છે, કે તેની તરફ ઉદાસીનતા સેવે છે. પરંતુ તે બરાબર નથી. મારી સમજ પ્રમાણે ગીતાના વાચક, પ્રશંસક કે અભ્યાસીએ આ વિચારણાને શરૂઆતમાં જ ધ્યાનમાં લેવી જોઈએ. ને તે પછી ગીતાનો અધ્યાયવાર વિચાર શરૂ થવો જોઈએ. આ વિચારણા શી છે ? તે મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય છે.

એક તો એ કે સારા કે નરસા કોઈયે સંજોગોમાં, દિલ બહેલાવવા, વખત પસાર કરવા કે બીજા કોઈયે કારણસર, માણસે જુગાર ના રમવો. કેમકે તે બધા જ સંજોગોમાં અનિષ્ટાકારક છે. પાંડવોને જે અનેક પ્રકારનાં કષ્ટોનો સામનો કરવો પડ્યો, ને છેવટે કૌરવોની સામે લડવા માટે શસ્ત્રો સજીને યુદ્ધના મેદાનમાં પણ ઉતરવું પડ્યું, તેના કેટલાંક કારણોમાંનું એક ખૂબ જ મહત્વનું કારણ જુગાર હતું. યુધિષ્ઠિર જો દુર્યોધન સાથે દ્યુત રમવા તૈયાર થયા ના હોત, તો તેને પરિણામે ઊભી થયેલી બીજી કેટલીક કઠિન સમસ્યાઓ ઊભી ના થાત, ને મહાભારત તથા ગીતાનો ઈતિહાસ આજે છે તેથી જુદો જ હોત. પણ દ્યુત રમવાની હા પાડીને યુધિષ્ઠિરે મોટી ભૂલ કરી.

એવી જ મોટી બીજી ભૂલ રજસ્વલા દ્રૌપદીને રાજસભામાં પકડી લાવવાની આજ્ઞા કરીને દુર્યોધને, ને તે આજ્ઞાનું પાલન કરીને દુઃશાસને કરી. પરસ્ત્રી માતસમાનના મંત્રનો એ ભંગ કૌરવોને માટે ઘણો જ ભયંકર થઈ પડ્યો. તેથી સંસારે જોઈ જાણી ના હોય એવી એક મહાન યાદવાસ્થળીનો પાયો નંખાયો. જુગારના આશ્રયથી ને પરસ્ત્રીને માતા સમાન ગણવાના માનવના નીતિનિયમના ભંગથી કેવું ભયંકર પરિણામ આવી શકે છે તે મહાભારત સારી રીતે બતાવી આપે છે.

મહાભારતના યુદ્ધ પરથી ફલિત થતી બીજી જરૂરી શિક્ષા કે વિચારણા-અંદર અંદરનો કુસપ કેટલો અનિષ્ટકારક નીવડે છે તે છે. કૌરવ-પાંડવ ભાઈ હોવા છતાં સંપથી ના રહ્યા. ખાસ કરીને કૌરવપક્ષે પાંડવોને સતાવવામાં બાકી ના રાખ્યું. ઈર્ષા, વેર કે શત્રુતાનાં બીજ તેમણે પોતાના હાથે જ વાવ્યાં. તો છેવટે પરિણામ શું આવ્યું ? તેમનો પોતાનો જ વિનાશ થઈ ગયો. આ શિક્ષાને સમજવી ને તેને જીવનમાં ઉતારવાની જરૂર છે. મહાભારતને રચાયે ને વંચાયે કેટલાંય વરસો વીતી ગયાં, પણ તેના સારરૂપ આ શિક્ષા તરફ માનવજાતિએ બહુ જ ઓછું ધ્યાન આપ્યું હોય તેમ લાગે છે.

કુસપ ને વેર તેના પાલક પિતાનો જ નાશ કરી નાંખે છે. એ વાત તરફ માનવનું લક્ષ હજી બરાબર નથી દોરાયું, નહિ તો માનવજાતિ ક્રોધ, વેર કે ઈર્ષાની આગથી મુક્ત બની હોત. પણ ખરેખર તેવું નથી. પ્રત્યેક યુદ્ધને અંતે માનવ પસ્તાયો છે, ને શાંતિને માટે યુદ્ધનો ઈલાજ એ સાચો ઈલાજ નથી એ પણ તે સમજ્યો છે, છતાં તરત વિધુર થયેલા માણસને જેમ લગ્ન પર વૈરાગ્ય થાય, પણ પાછળથી તે લગ્નના ઉત્સવમાં મશગુલ પણ થઈ જાય, તેમ માનવે યુદ્ધને માટેની તૈયારી પુરજોશમાં ચાલુ જ રાખી છે. હજી યુદ્ધ ને વિનાશનો ભય સંસારમાંથી દૂર થયો નથી. ઘરમાં, ગામમાં, સમાજમાં, રાષ્ટ્રસમુહમાં હજી કુસંપ વધતો જ જાય છે. માનવે સુખી થવું હોય, શાંતિની ઝંખનામાં સફળ બનવું હોય, તો સંપ ને સચ્ચાઈ તથા પરસ્પર પ્રેમના મંત્રને તેણે અપનાવવો જોઈશે. દુર્યોધનની જેમ બીજાના હક પર તરાપ મારવાનું ને જે ખરેખર પોતાનું નથી તેને પચાવી પાડવાનું મલિન માનસ છોડી દેવું પડશે ને સત્ય ને સહકારનો મહિમા સમજવો પડશે. આ મંત્રનો અનાદર કરવાથી સંસારમાં કેટલીય લડાઈઓ લડાઈ છે, ને કેટલાય જાનમાલનો નાશ થયો છે, કેટલાય દેશો પરાધીન પણ બની ગયા છે. એટલે હવે તો માનવજાતિ આ બોધપાઠને સદા યાદ રાખે તે જરૂરી છે.

Shri Yogeshwarji

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer