|
આટલી વાતમાં આપણને ગીતાનું મૂળ મળી રહે છે. ગીતાના જન્મનું કારણ,
ગીતાની પાછળ જે પ્રેરકશક્તિ છે તેનો આનાથી આભાસ મળી રહે છે. ગીતાની આ ભૂમિકા
છે. ગીતાનો ઉપદેશ કરવાની જરૂર કેમ પડી, ને ગીતાનો ઉપદેશ મુખ્યત્વે કયા
મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, તેનો ખ્યાલ આટલી વિચારણા પરથી આવી
રહે છે. સ્વજનોને જોઈને અર્જુનને મોહ થયો છે, તેમને હણવાથી પાપના ભાગી થવાશે એમ
લાગવાથી ગાંડીવને બાજુ પર મૂકી દઈને તે રથમાં બેસી ગયો છે. આવે વખતે પોતાનો ખરો
ધર્મ શું છે તેનો નિર્ણય કરવાનું પણ તેને માટે મુશ્કેલ બન્યું છે. પોતાના
કર્તવ્યને તે ભૂલી ગયો છે. આકાશમાં ચંદ્રમાનો પ્રકાશ થઈ રહ્યો હોય, ને જોનારને
તેથી પરમ આનંદની પ્રાપ્તિ થતી હોય તેવી દશા કુરૂક્ષેત્રના મેદાનમાં રથમાં
બેસીને આવેલા શસ્ત્રસજ્જ અર્જુનની હતી. ભગવાન શ્રી કૃષ્ણની સાથે તેની શોભા
વર્ણવી ના શકાય તેવી હતી. તેની આગળ બીજા બધા જ યોદ્ધા નાના મોટા તારા જેવા
લાગતા હતા. પણ હવે તેને વિષાદ થયો. મુખ ઉપર અવિવેક, મોહ ને વિષાદનું વાદળું ફરી
વળ્યું. તેથી તેની વીરતા ને તેનો ઉત્સાહ સર્વ કાંઈ
ઠંડુ પડી ગયું. કુરૂક્ષેત્રના આ વિષાદમાં ડૂબેલા વીર અર્જુનની જરા કલ્પના તો
કરો. તેની છબી તમારી અંતરની આંખ આગળ જરા ઊભી તો કરો.
ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો તેનું મુખ્ય કારણ અર્જુનને ફક્ત યુદ્ધ કરવા તૈયાર
કરવાનું નહિ, પણ તેને વિષાદથી મુક્ત કરવાનું છે. આ વિષાદની માતા–મૂળ
જનની અવિવેક કે મોહની વૃત્તિ છે. એટલે મોહનો નાશ કરવા કે દૂર કરવા ગીતામાં
વધારે ભાગે પોતાના ધર્મનું યથાર્થ આચરણ કરવા પર, તેવું આચરણ કરવા છતાં પાપથી
મુક્ત રહેવાની કલા પર ને પોતાના ને સૃષ્ટિના સંબંધની માહિતી પર વારંવાર પ્રકાશ
ફેંકવામાં આવ્યો છે.
પણ આ પ્રકાશ એકલા અર્જુનને માટે જ નથી. તે તો સારીય સૃષ્ટિને માટે એટલો જ
ઉપયોગી છે. ભગીરથે મહાન વિપત્તિ વેઠી ને ગંગાનું અવતરણ થયું, તેથી સાગરના સાઠ
હજાર પુત્રોનો ઉદ્ધાર તો થયો જ પણ સારી સૃષ્ટિને લાભ મળ્યો. તેના પર સારી
સૃષ્ટિનો અબાધિત અધિકાર થયો. ચાહે તે જાય ને ગંગાના સ્નાન, પાન ને દર્શનથી ધન્ય
બની જાય. કોઈ તેને ના પાડે છે
?
તેવી રીતે ગીતાની આ પાવન ગંગામાં પણ ગમે તે સ્નાન કરે, ને તેનું
પાન કરીને આનંદ કરે. કોઈયે જાતની રોકટોક કયાં છે
?
અર્જુનને જે વિષાદ થયો તેવો વિષાદ માનવમાત્રને થાય છે. કુરૂક્ષેત્રના મેદાનમાં
સૌને લડવાનું નથી. પણ જીવનનો જંગ તો સૌને માટે છે જ. જીવન એક કુરૂક્ષેત્ર છે.
તેમાં કેટલાય પ્રશ્નો ને કેટલીય મુંઝવણો ઊઠે છે. બધા જ પ્રશ્નો માણસ ઉકેલી શકે
છે એમ જ નથી. કેટલીય વાર તે મોહાસક્ત પણ બને છે. શું કરવું તે તેને સૂઝતું નથી.
તે વખતે તે પ્રભુનું શરણ લે તો માર્ગ મેળવે. અર્જુનનની પેઠે તે પ્રકાશ ને
પ્રસાદ બંને મેળવી શકે. તે પ્રભુનો પ્રસાદ તે જ ગીતા. જીવનના જંગમાં ઉતરેલા બધા
જ મહારથીઓને તેમાંથી પ્રકાશ મળી
શકશે.
જીવનની મહાયાત્રાના બધા જ યાત્રીઓ તેમાંથી ઉપયોગી ભાથું મેળવી
શકશે.

(શ્રી
યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
|