Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

મૃત્યુના ભયમાંથી મુક્તિ મેળવો

 

 

જે જીવનને ઉત્સવરૂપ કરી શકશે, તેને માટે મૃત્યુ પણ મહોત્સવ જેવું બની જશે એમાં સંદેહ નથી.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

સાધારણ માણસો આવો વિજય ના કરી શકે, તેમને તેવા વિજયની જરૂર ના હોય. તેમને માટે તો ગીતા એક સુંદર માર્ગ બતાવી દે છે. ગીતા કહે છે કે મૃત્યુ સ્વાભાવિક ને અવશ્યં ભાવિ છે; માટે તેનો શોક નકામો છે. આટલી સિદ્ધિ માણસ મેળવી શકે, તો પણ ઘણું. તે મૃત્યુથી ડરે નહિ, મૃત્યુનો શોક ના કરે ને સમય આવે ત્યારે જરાય કષ્ટ કે વિષાદ વગર, હસતા હસતાં શરીર છોડી શકે, તો પણ તેને માટે ઘણું છે. મૃત્યુનો સમય આવે છે તે પહેલાંથી જ તે રોકકળ કરી મૂકે છે ને શોકમાં ડૂબી જાય છે. લાંબા વખતથી જે શરીરને પોતાનું સમજીને પ્રીતિપાત્ર બનાવી દીધું છે, તેને છોડવાનો વખત આવતા તે ગભરાઈ જાય છે, ને અનેક પ્રકારના તર્કવિતર્ક કરવા માંડે છે. છતાં મૃત્યુ આગળ તેમનું કાંઈ ચાલતું તો નથી જ, મૃત્યુની જાળમાં તો તેમને જકડાવું જ પડે છે.

મરણ વખતે આવી કફોડી દશા ના થાય, ને મરણનો ભય સદાને માટે દૂર થાય, તે માટે માણસે તૈયારી કરી લેવાની જરૂર છે. મરણ કોઈયે કાળે ને સ્થળે ઉત્સવરૂપ બની જાય તેવી તૈયારી કરવાની જરૂર છે. જીવનમાં ઉત્તમ કર્મો કરતા રહેવાની જરૂર છે. જે જીવનને ઉત્સવરૂપ કરી શકશે, તેને માટે મૃત્યુ પણ મહોત્સવ જેવું બની જશે એમાં સંદેહ નથી. મૃત્યુનો અનુભવ માણસને રોજિંદા જીવનમાં થઈ શકે છે. આપણે નિદ્રાધીન બનીએ છીએ તે દરમ્યાન શરીર ને સંસારનું ભાન જતું રહે છે. એ નાનું મૃત્યુ છે. બહારગામ કે દૂર દેશાવરના પ્રવાસે ઉપડેલો માણસ પોતાના સ્નેહી સંબંધીથી દૂર જતો રહે છે. કેટલાય જુદા જુદા દેશોમાં તે પ્રવાસ કરે છે. મુંબઈનો માણસ દિલ્હી કે કલકત્તા જાય એટલે તે પોતાના ઘર ને કુટુંબથી વિખુટો પડે છે. આ પણ એક પ્રકારનું મૃત્યુ જ છે, પણ જીવતું મૃત્યુ છે. આ દશામાં માણસ દૂરના દેશમાં બેસીને પણ પોતાનાં સ્વજનોના સમાચાર મેળવી શકે છે, ને ઈચ્છા પ્રમાણે તેમને મળવા પણ જઈ શકે છે. ખરેખરા મૃત્યુમાં આ માટે અવકાશ નથી રહેતો. મરણ પામેલા માણસના સમાચાર તેનાં સ્વજનોને નથી મળતા, મરણ પામેલા માણસને પણ પોતાના ખબરઅંતર પહોંચાડવાનું તેના સ્વજનો માટે અસંભવ બને છે. એટલે રોજિંદા જીવનમાં માણસે મૃત્યુની તાલીમ લેવી જોઈએ.

Shri Yogeshwarji

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer