|
અલ્પતાનો અંત લાવી મહાનતા મેળવવાનું કામ કપરૂં છે. ગીતામાં સ્થિતપ્રજ્ઞ
પુરૂષનાં લક્ષણ કહેવામાં આવ્યા છે. તેમને જીવનમાં ઉતારવાનું કામ કઠિન પણ છે.
માણસ ધારે તો કઠિનને પણ સરળ બનાવીને મહાન બની શકે છે. આ સંસારમાં કઠિન કહેવાતાં
કેટલાય કામ માણસે પોતાની કુશળતાથી સરળ કર્યા છે. ભયંકર ઉછાળા મારતા સાગર પર તે
સફર કરે છે, મૃત્યુનો ભય મૂકીને સાપ ને રીંછ જેવા ઝેરી ને જંગલી પ્રાણીઓને વશ
કરે છે, મોટા મોટા પર્વતોને ઓળંગે છે, ને તેમ કરવામાં ગૌરવ માને છે. ત્યારે આ
વાત તો તેના પોતાના જ વિકાસની છે. તે દ્વારા જે લાભ મળે છે તે અપાર છે. પછી
તેમાં તે પ્રમાદ શા માટે કરે
?
ભારતીય ઈતિહાસમાં શંકર, શુકદેવ ને જડભરત સ્થિતપ્રજ્ઞ ગણાય છે. દત્તાત્રેય ને
જનક પણ તેવા મનાય છે. તેમના જીવનનો વિચાર કરીને માણસ પ્રયાસ કરે તો પોતે પણ
તેવો બની શકે.
જે માણસ મહાન બનવા કે સાચો માનવ થવાનો પુરૂષાર્થ કરશે, તેના માર્ગમાં વિઘ્નો તો
આવવાનાં જ. એ વિઘ્નો બહારનાં જ હોય છે એમ ના માનતા. બહારનાં વિઘ્નો ઉપરાંત
માણસની અંદરનાં વિઘ્નો પણ આવે છે, ને તેમની શક્તિ વધી જાય છે.
બહારનાં વિઘ્નોને પાર કરનાર પુરૂષ પણ કેટલીકવાર અંદરનાં વિઘ્નોથી ડગી જાય છે.
માણસનું મન જુદા જુદા વિષયોના રસમાં રમવાને ટેવાયેલું છે. ઈન્દ્રિયોના આકર્ષણથી
તે બંધાયેલો છે. તે આકર્ષણથી પર થઈને તેણે મનનો કાબુ કરવાનો છે. મનને માંકડાં
જેવું કહ્યું છે. તેને વશ કર્યા વિના મહાનતા મળવી મુશ્કેલ છે. સંસારમાં
વિદ્યાવાન, ધનવાન ને બલવાનને મહાન માનવામાં આવે છે, પણ ગીતામાતાની
દૃષ્ટિ
એ બાબત જરા જુદી છે. જેણે મન ને ઈન્દ્રિયો પર કાબુ કર્યો છે, ને પરમાત્મામાં
પ્રીતિ કરી છે, તે જ મહાન છે ને પૂજ્ય છે એમ ગીતાનું કહેવું છે.
બહુ નાની વયમાં જ્યારે મને આધ્યાત્મિક માર્ગે આગળ વધવાની ઈચ્છા થઈ, ત્યારે ગીતા
મારે માટે ખૂબ ઉપયોગી થઈ પડી. તેમાંય સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોએ મને ખૂબ પ્રેરણા
પૂરી પાડી. તે લક્ષણો વાંચતાં મને લાગ્યું કે સ્થિતપ્રજ્ઞ–પુરૂષ
બધી લૌકિક કામનાનો ત્યાગ કરે છે, ને આત્માનંદમાં મગ્ન બને છે, પણ મારા મનમાં તો
કામના થયા કરે છે. તેને છોડી મારે આત્માનંદમાં મગ્ન બનવું જોઈએ. સ્થિતપ્રજ્ઞ–પુરૂષ
સુખથી હરખઘેલો થતો નથી ને દુઃખથી ડગતો નથી;
તેને ભય ને ક્રોધ થતા નથી: પરમાત્મા વિના બીજા કોઈમાં તે રાગ કરતો નથી: શું
મારી દશા આવી છે કે ?
સુખ ને દુઃખ તેમ જ સારી ને નરસી પરિસ્થિતિમાં મારી દશા શું સરખી રહે છે કે
?
કામ ને ક્રોધથી હું પૂર્ણપણે મુક્ત થયો છું કે
?
તેમાંથી છૂટવાનો પ્રયાસ નિરંતર ચાલુ છે ખરો
?
મારે સદ્
ગુણી બનવું જોઈએ,
શાંત થવું જોઈએ, ને બીજી બધી વસ્તુના રસનો ત્યાગ કરી પરમાત્માના રસના અનુરાગી
થવું જોઈએ.
તો પરમાત્માની કૃપા થાય ને હું મહાન બની શકું. પછી મારી ત્રુટિને દૂર કરવાના ને
ઉત્તમ ગુણોને ગ્રહણ કરવાના પ્રયાસમાં મેં મારાં મનને લગાડી દીધું. તેવી રીતે
કોઈપણ માણસ કરી શકે છે. પોતાના ગજા પ્રમાણે તેને થોડો ઘણો આનંદ જરૂર મળશે, ને
સરવાળે લાભ જ થશે. વ્યવહારમાં કે એકાંતમાં જ્યાં પણ રહેવાનું થાય ત્યાં રહીને
માણસે આ માટે તાલીમ લેવાની છે. સુખ ને સંપત્તિથી ફુલાવું નહિ, ને દુઃખથી ડગવું
નહિ, તથા ભય ને ક્રોધ તથા કામને વશ થવું નહિ. આની સાથે સાથે તેણે પ્રભુનું શરણ
લેવું.

(શ્રી
યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
|