Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ભગવાનનો ઉત્તર

 

 

પોતાને પસંદ હોય તે માર્ગની પ્રશંસા કરવામાં હરકત નથી. પણ તેથી આગળ વધીને માણસ જ્યારે પોતાને પસંદ ના હોય તે માર્ગનો વ્યર્થ વિરોધ કરે, ને તે માર્ગને ઉપેક્ષા ને ઈર્ષાની દૃષ્ટિથી જુએ, ત્યારે તેનું વલણ બરાબર છે એમ કહી શકાય નહિ.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

અર્જુનની પ્રાર્થનાનો ભગવાને જે ઉત્તર આપ્યો છે તેમાં તેમની ઉદારતાનો પરિચય થાય છે. તેમના ઉત્તરમાં કટ્ટરતાનો તદ્દન અભાવ છે. તે ઉત્તરને સમજવાનો પ્રયાસ થાય તો જ્ઞાન કે કર્મ ને ત્યાગ કે વ્યવહારના અટપટા વિવાદનો અંત આવે. જ્ઞાનીઓ જ્ઞાનને જ મહત્વનું માને છે, ને કર્મવીરો કર્મના ગુણગાન ગાતાં થાકતાં નથી. ત્યાગીઓ ત્યાગને અપનાવવાથી જ સૌનો ઉદ્ધાર થઈ શકશે, એમ ખાત્રીપૂર્વક માને છે, ને કર્મવીરો વ્યવહારને જ સર્વ પ્રકારની ઉન્નતિનું સાધન કહીને ત્યાગને નિરર્થક મનાવવા સદાયે તૈયાર રહે છે. પોતાને પસંદ હોય તે માર્ગની પ્રશંસા કરવામાં હરકત નથી. પણ તેથી આગળ વધીને માણસ જ્યારે પોતાને પસંદ ના હોય તે માર્ગનો વ્યર્થ વિરોધ કરે, ને તે માર્ગને ઉપેક્ષા ને ઈર્ષાની દૃષ્ટિથી જુએ, ત્યારે તેનું વલણ બરાબર છે એમ કહી શકાય નહિ.

માણસો કટ્ટર ને કડવા તથા સંકુચિત શા માટે બને છે ? હૃદય કે મનનાં બારણા બંધ રાખે છે તેથી બંધ ઘરની અંદર અજવાળું કેવી રીતે આવે ને તે વિના, ગંદકી દૂર પણ કેવી રીતે થાય ? કટ્ટરતા ને સંકુચિતતા પણ ગંદકી છે. જે માણસો ખૂબ કટ્ટર છે, તે પોતાના જ કક્કાને ખરો માને છે, તેમને આપણે પૂછીશું કે શરીરને માટે વધારે જરૂરી શું છે, માથું કે પેટ ? શરીરમાંથી મસ્તક લઈ લઈએ તો શું તે સારું લાગે ? મસ્તક કેવલ શોભા માટે નથી. ઈશ્વરે તેને ભાવના ને વિચારોનું કેન્દ્ર બનાવ્યું છે. એવા મસ્તક વિના શરીર શોભી શકે ? શું તંદુરસ્ત ને સુંદર શરીરમાં મસ્તકનું સ્થાન મહત્વનું નથી ? તે જ પ્રમાણે પેટનો વિચાર કરો. ઊંઘમાં પણ પેટનું કામ ચાલુ રહે છે. તે પ્રબળ કર્મવીર છે. જીવનની સાથે સાથે તેને કર્મ વારસામાં મળે છે. પેટનું કામ દેખાતું નથી છતાં તેનું કામ શરીરધારણ માટે કેટલું જરૂરી છે ? પોતાની પ્રવૃત્તિ બંધ કરીને જો તે બેસી જાય તો શરીરનો સંચો કામ કરી શકે ? તેની તંદુરસ્તી ને શક્તિ પર તેની કેટલી બધી અસર પહોંચે ? પેટમાં પ્રજ્વલિત થયેલો જઠરાગ્નિ પણ એવો છે. એમ માનો કે પેટ એક યજ્ઞની વેદીમાં જાગેલો અગ્નિ છે જે આહુતિ ના મળતાં ઓલવાઈ જાય છે. વિધિ પૂરી થતાં યજ્ઞ પણ પૂરો થાય છે. પણ ઉદરનો અગ્નિ તો ઓલવાતો જ નથી. તેનો યજ્ઞ તો નિરંતર ચાલુ જ રહે છે એ યજ્ઞની મૂળ આધારભૂમિ જેવા પેટ વિના શરીરનું કામ ચાલી શકે ખરું ?

ત્યારે પેટ ને મસ્તક બંનેમાં વધારે ઉપયોગી ને મંગલ કરનારું કોણ - એ પ્રશ્ન કરવામાં આવે તો આપણે શું કહીશું ? આપણે તો કહીશું કે બંને ઉપયોગી ને મંગલકારક છે. એકલા પેટને મહત્વનું માનીને બેસી રહેવાની શિક્ષા આ દેશની પ્રજાને તો નથી જ મળી ને મારી સમજ પ્રમાણે સંસારના ઉત્તમ કહેવાતા ઉપદેશકોએ આ દેશની બહારની પ્રજાને પણ એવી શિક્ષા નથી આપી. પેટની ઉપેક્ષા આપણને પસંદ નથી. તેની જરૂરી  કિંમત ને પ્રતિષ્ઠા કરવા આપણે સદાય તૈયાર છીએ. પણ આપણે રાક્ષસોના વંશજ થવું નથી. સાચા માનવ ને દેવ બનવું છે. તેથી મસ્તકની ઉપયોગિતા પણ સમજવી પડશે. મસ્તકને પણ નિરોગી બનાવવું પડશે. તંદુરસ્ત પેટ તંદુરસ્ત મસ્તકના ઘડતરમાં ઘણો અગત્યનો ભાગ ભજવશે. તે બંને મળીને એક સુંદર ને ઉપયોગી વ્યક્તિત્વની રચના કરશે, એટલે પેટ ને મસ્તક બંને જીવનને માટે મંગલકારક છે. તે જ પ્રમાણે જીવનની સમૃદ્ધિ માટે જ્ઞાન ને કર્મ બંને જરૂરી છે. ત્યાગ ને વ્યવહાર બંને ઉપયોગી છે. સંસારમાં કેટલાંક માણસો પેટપરાયણ જોવા મળે છે. મસ્તકને કેળવવા પાછળ તેમનું ધ્યાન તદ્દન ઓછું હોય છે. તે પ્રમાણે કેટલાક બુદ્ધિજીવી વધારે હોય છે તે પેટ પ્રત્યે વધારે ભાગે દુર્લક્ષ કરે છે. તેવી રીતે કેટલાક લોકોને જ્ઞાન ને ત્યાગ વધારે પસંદ પડે છે, તો કેટલાકને કર્મ ને વ્યવહાર ગમે છે. જેવી જેની રૂચિ તે પ્રમાણે તે પોતાની પસંદગી કરે છે. ખીચડી ને રોટલી બંને ઉપયોગી છે આ વાત યાદ રહે તો વિવાદ ને કડવાશનો અંત આવે. ભગવાન અર્જુનને આ જ વાત સમજાવે છે.

Shri Yogeshwarji

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer