|
કર્મ કર્યા વિના રહી પણ કોણ શકે
?
ગીતા કહે છે કે માણસના જીવનમાં કર્મ તાણા ને વાણાની પેઠે સંકળાયેલું જ છે. કોઈ
પ્રાણી એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી
શકતું
નથી. કોઈ પૂછશે કે શું આ વાત સાચી છે
?
આપણે કહીશું જરૂર સાચી છે. તમે પોતે વિચાર કરો એટલે આ વાત સમજાઈ જશે. ધારો કે
કોઈ માણસ હાથપગ હલાવવાના બંધ કરીને બેસી રહે તો પણ તે કર્મ તો કરવાનો જ. માણસ
એકલા શરીરથી કર્મ કરે છે એવું થોડું છે
?
મનથી પણ કર્મ કરવામાં આવે છે. માણસો સત્સંગમાં બેસે છે, પણ મન દ્વારા દૂર
દેશાવરમાં ને પોતાના ઘરમાં પહોંચી જાય છે. મનોમન કેટલીક વાતો પણ કરી લે છે.
સ્વપ્નમાં શરીર સૂઈ જાય છે પણ મન જાગે છે, ને જુદાં જુદાં
દૃશ્યો
જુએ છે તે બધા જાણે છે. આ તો મનની વાત થઈ પણ ઈન્દ્રિયોથી પણ કર્મ થાય છે.
જુઓને, આપણે બધા વિશાળ ખંડમાં બેઠા છીએ. મારૂં મુખ બોલે છે, ને તમારા કાન
સાંભળવાનું કામ કરે છે. હાથ કોઈને ગ્રહણ કરે છે. એક ઠેકાણે બેઠા છતાં આંખ
કેટલું બધું કામ કરે છે ! કોઈને તે ઓળખી કાઢે છે, ને કોઈને નથી ઓળખતી. આ બધી
ઈન્દ્રિયોને રોકીને ને મનનો સંયમ કરીને કોઈ બેસી જાય કે ઊંઘવા માંડે તો પણ કર્મ
તો ચાલુ જ રહેવાનું.
માણસ કશું જ નહિ કરે તો પણ જીવનને ધારણ કરવા તેણે શ્વાસોચ્છ્શ્વાસની ક્રિયા તો
કરવી જ પડશે. એ પણ એક કર્મ જ છે. યોગી શ્વાસને પણ રોકી લેશે, ને સમાધિસ્થ થઈ
જશે છતાં તે દિશામાં પણ તે કર્મથી મુક્ત તો નથી જ કેમ કે તે સમાધિમાં સ્થિત છે
ને સમાધિમાં સ્થિત થવું તે પણ એક ઉત્તમ જાતનું કર્મ જ છે. સૃષ્ટિ સારી ગતિશીલ
છે. તે સતત રીતે સૂર્યની આસપાસ ફરવાનું કામ કર્યા જ કરે છે. સૃષ્ટિના પદાર્થો
પણ પોતાની માતાની પેઠે ક્રિયા કર્યા કરે છે. માતાનો સ્વભાવ તેમને વારસામાં
મળ્યો છે. જુઓને, આ પવન કેવો પ્રસન્નતાપૂર્વક વહ્યા કરે છે ! પાણી પણ પ્રમાદી
બનીને બનીને બેસી રહેતું નથી. સૂર્ય, ચંદ્ર ને નક્ષત્રો ઊગે છે ને અસ્ત થાય છે.
તે નિયમિત રીતે કર્મ કર્યા જ કરે છે. પાણીની વરાળ, વરાળનાં વાદળ, વાદળનો વરસાદ
ને એમ ચક્ર ચાલતું જ રહે છે. જુદી જુદી જાતની ઋતુઓ આવે છે ને જાય છે. દિવસ ને
રાતનો ક્રમ આજે યુગો થયા છતાં એકધારો ચાલુ જ છે. કર્મ આમ સંસારનો પ્રાણ છે.
સૃષ્ટિનું સત્વ છે. આવી કર્મ, કર્મ ને કર્મના મંત્રનો જપ કરી રહેલી સૃષ્ટિમાં
માણસ એકલો કર્મ વિના કેવી રીતે રહી શકે
?
ખાવું, પીવું, ઊંઘવું, વિચારવું, શ્વાસ લેવો, પોતાનું ને બીજાનું હિત કરવું,
એવાં એવાં અનેક જાતનાં કામ તે કર્યા જ કરે છે. એટલે જ ભગવાનની ઉપદેશવાણી જેવી
ગીતા કહે છે કે કર્મ કર્યા વિના સંસારમાં કોઈ રહી
શકતું
નથી. એ કથન સાચું છે.
કર્મ વિના માણસ રહી
શકતો
નથી પણ તેનો અર્થ એ નથી કે બુદ્ધિને ગીરે મુકીને તેણે આંખ મીંચીને મનમાં ફાવે
તેવાં કર્મ કરવાં. ના, ગીતા કર્મનાં વખાણ કરે છે : જીવનના મંગલને માટે કર્મને
જરૂરી પણ માને છે. પણ તેણે કર્મયોગ નામે સુંદર શબ્દનો પ્રયોગ કર્યો છે તે
પ્રમાણે માણસે બધાં કર્મોને યોગમય કરી દેવાં જોઈએ.
કર્મને યોગમય કરી દેવાથી તેનું સ્વરૂપ બદલાઈ જાય છે, ને તે મુક્તિ, શાંતિ કે
ઈશ્વરને મેળવવાનાં કામમાં મદદરૂપ થઈ શકે છે. એટલે માણસે એકલાં કર્મ કરવાનાં નથી
પણ કર્મયોગની સાધના કરવાની છે,
કર્મનો યોગ કરવાનો છે.
કોની સાથે ?
વિવેક એટલે જ્ઞાન કે ભગવાનની સાથે. આમાં કર્મયોગની ખૂબી રહેલી છે, માણસ જ્યારે
સંપૂર્ણપણે જાગ્રત રહીને વિવેકી બનીને કર્મ કરે છે, ને તે કર્મનો સંબંધ ભગવાનની
સાથે જોડી દે છે. ત્યારે તેનાં કર્મ સાધનામય કે યોગમય થઈ જાય છે, ને તેના
મૂલ્યમાં ખૂબ વધારો થાય છે.
તેવાં કર્મ જીવનને તારી શકે છે, ને માણસનો ઉદ્ધાર કરે છે.
તેથી તાપ, શોક ને બંધનનો અંત આવે છે. આ પ્રમાણે કર્મ ને જ્ઞાનની સાથે દોસ્તી
થાય તો જ જીવનને
ઉજાળી
શકાય એમ ગીતામાતાનું કહેવું છે.

(શ્રી
યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
|