Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

અંદરનો ત્યાગ જરૂરી છે

 

 

ત્યાગના સાચા આનંદ માટે અંદરના ત્યાગને કેળવવાની જરૂર છે મનમાં કામના ને વાસનાનો અડ્ડો હોય તો બહારનો ત્યાગ કે સંન્યાસ શું ફળ આપી શકે ?


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

કર્મનો ત્યાગ કરીને એકાંતમાં બેસી પ્રભુપરાયણ જીવન જીવવાની અર્જુનમાં શક્તિ ન હતી. હજી તો હમણાં જ, કૌરવોની સેનામાં સ્વજનોને જોઈને તે લડીશ નહિ એમ કહેવા લાગ્યો, તે પહેલાં તો તેનો લડવાનો વિચાર હતો જ. નહિ તો ગાંડીવને ધારણ કરીને કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં આવત જ શા માટે ? તેને યુદ્ધ જેવા ઘોર કર્મ પરથી વૈરાગ્ય જ થયો હોત, તો રણમેદાનમાં આવવાને બદલે પહેલેથી તે કાશી, પ્રયાગરાજ કે હરદ્વાર તરફ ક્યાંક યાત્રામાં જ નીકળી પડ્યો હોત. પણ કર્મના સંસ્કાર તેના દિલમાં કાયમ હતા. પોતાના ભાઈઓ ને દ્રૌપદીના અપમાનના ઘા તેના દિલમાં હજી તાજા હતા. બદલો લેવાની વૃત્તિ જ તેને યુદ્ધની તૈયારીથી ભરેલી ને ભીષણ બનેલી ધર્મભૂમિમાં દોરી લાવી હતી. એ દશામાં ભગવાને તેને કહ્યું કે ત્યાગ ને જ્ઞાનનો માર્ગ પણ ઉત્તમ છે પણ તારે માટે તો કર્મનો માર્ગ જ સારો છે. કર્મ ને જ્ઞાન જુદા છે એમ ના સમજીશ. જ્ઞાનપૂર્વક કર્મ કર ને જે કરે તે ત્યાગની ભાવનાથી ને આસક્ત થયા વિના કર. એટલે એક કાંકરે બે પક્ષી મરશે. ફરજનું પાલન થશે, ને તારું મંગલ પણ સધાશે.  

ભગવાનનો આ ઉપદેશ બહુ મહત્વનો છે. આપણે ત્યાં ત્યાગ થાય છે, ને માણસો જ્ઞાનની ખોજમાં નીકળી પડે છે. પણ તેમના દિલમાં પહેલાંના ખોટા સંસ્કાર હયાત હોવાથી ત્યાગનો સાચો આનંદ તેમને મળી શકતો નથી. ત્યાગના સાચા આનંદ માટે અંદરના ત્યાગને કેળવવાની જરૂર છે તે તરફ જેટલું ધ્યાન આપી શકાય તેટલું ઓછું છે. મનમાં કામના ને વાસનાનો અડ્ડો હોય તો બહારનો ત્યાગ કે સંન્યાસ શું ફળ આપી શકે ?

ત્યાગી પુરૂષે ઈશ્વર પર જ આધાર રાખવો જોઈએ. ઉપાસના ને સાધના કોઈ બાહ્ય સાધન વિના થઈ શકે છે. માણસોએ પણ વિવેકી બનવાની જરૂર છે. બહારના દેખાવ પરથી કોઈને ત્યાગી કે વૈરાગી ને ભોગી સમજી લેવાને બદલે, અંદરની દુનિયામાં ડોકિયું કરતાં શીખવાની જરૂર છે, અંદરની યોગ્યતાને ઓળખીને પ્રોત્સાહન આપવાની જરૂર છે. બહારનું વાતાવરણ મહત્વનું છે તેની ના નહિ, પણ તેને જ સર્વ કાંઈ સમજી, તે પરથી માણસને માટેનું સર્ટિફિકેટ તૈયાર કરવામાં ભૂલ છે. કર્મયોગનો ઉપદેશ આપતાં આ વાત પર ભગવાન આપણું ધ્યાન ખેંચે છે ને જે દશામાં હોઈએ તે દશામાં રહી, જે કામ કરતાં હોઈએ તે કામ કરતા રહેવાનું કહી મનનો ત્યાગ કેળવવાનું કહે છે, મનની તાલીમ લેવાનો આદેશ આપે છે. ઉજ્જવળ જીવનની ઈચ્છાવાળા સૌ કોઈને એ આદેશ ઉપયોગી છે.

 

Shri Yogeshwarji

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer