Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

યજ્ઞની વિચારણા

 

 

તમારી પાસે જ કૈં સારું હોય તે તમે દેવોના પણ દેવ એવા પરમાત્માને અર્પણ કરો, ને પરમાત્માની ને પરમાત્માની સૃષ્ટિની સેવામાં તેનો ઉપયોગ કરો. તો તમે મહાન યજ્ઞ કર્યો ગણાશે.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

આટલી ચર્ચા પછી ગીતામાતા એક બીજી વિચારણા રજૂ કરે છે. તે વિચારણા યજ્ઞની છે. ગીતામાતા કહે છે કે સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માએ પ્રજાને કહ્યું કે તમારી સાથે આ યજ્ઞની ઉત્પત્તિ પણ કરવામાં આવી છે. તે યજ્ઞનો આશ્રય લઈને તમે સુખી થઈ શકશો, યજ્ઞથી દેવતાઓ પ્રસન્ન બનશે ને તમને ઉત્તમ ફલ, સુખ ને સમૃદ્ધિનું દાન કરશે. બ્રહ્માના આદેશ પ્રમાણે જૂના વખતમાં યજ્ઞો થતા હતાં. આજે તે અટક્યા છે, કે પ્રમાણમાં ઘણા ઓછા થયા છે. યજ્ઞની વિધિ માટે આજે વાતાવરણ પણ ભાગ્યે જ અનુકૂળ રહ્યું છે. આ સંજોગોમાં શું કરવું ? ગીતા તેનો સુંદર ઉકેલ કરી બતાવે છે. તે કહે છે કે જુઓને, યજ્ઞની પાછળ ભાવના શી છે ? પોતાની પાસે જ ઉત્તમ હોય તે દેવોને અર્પણ કરવું એ જ ને ? તો તમારી પાસે જ કૈં સારું હોય તે તમે દેવોના પણ દેવ એવા પરમાત્માને અર્પણ કરો, ને પરમાત્માની ને પરમાત્માની સૃષ્ટિની સેવામાં તેનો ઉપયોગ કરો. તો તમે મહાન યજ્ઞ કર્યો ગણાશે. માણસ સંસારમાં રહીને કર્મ તો કરવાનો જ : કર્મ કરવામાં કાંઈ ખોટું પણ નથી; પણ જે કર્મ કરાય તે યજ્ઞની ભાવનાથી કરવું. તો તેવાં કર્મ તેને માટે મંગલકારક થઈ જશે. કર્મને યજ્ઞની ભાવનાથી કરવાં એટલે પોતાની ને બીજાની તથા સંસારના સ્વામી પરમાત્માની સેવા માટે કરવાં. ઈશ્વરે પોતાને સોંપેલી ફરજને અદા કરવાની દૃષ્ટિએ, ઈશ્વરની પ્રસન્નતા માટે કરવાં ને કર્મના પાશથી મુક્ત રહીને કરવાં.

કર્મના પાશથી મુક્ત થવું એટલે શું ? કર્મનો નાશ કયો છે ? સૌથી પહેલાં તો અહંકાર. માણસ જે કર્મ કરે છે, તે વધારે ભાગે અહંભાવથી પ્રેરાઈને કરે છે. કાંઈ સારું થયું હોય તો મેં કર્યું એવું ગુમાન તેને આવી જાય છે. ઈશ્વરની ઈચ્છા વિના એક પાંદડું પણ હાલી શકે એમ નથી, એમ સમજીને તેણે અહંકારનો ત્યાગ કરવો જોઈએ. આ ઉપરાંત કર્મનો બીજો પાશ કર્મના ફલની આસક્તિ છે. કરમના ફલની ઈચ્છા માણસ રાખે તેનો કાંઈ જ વાંધો નથી; પણ જે ફલ મળે તેની સામે બડબડાટ કરવાની કે તેને મેળવીને ફુલાઈ જવાની ટેવ હાનિકારક છે. તે ટેવ જ માણસને સુખ ને દુઃખના ઝુલા પર ઝુલાવ્યા કરે છે. તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. બીજા અધ્યાયમાં તે તરફ ધ્યાન પણ ખેંચવામાં આવ્યું છે હવે આ અધ્યાયમાં કર્મયોગની સમૃદ્ધિ માટે ગીતામાતા એક બીજી વાત ઉમેરે છે કે કર્મની સાથે યજ્ઞની ભાવના ભેળવી દેવી. યજ્ઞ કરવાની બ્રહ્માએ આજ્ઞા કરી છે. તેને યાદ કરીને તે કહે છે છુટક યજ્ઞો ના થાય તો કાંઈ જ હરકત નથી. તમારા નાના કે મોટા દરેક કામમાં યજ્ઞની ભાવના જોડી દો એટલે ઘેર બેઠાં વ્યવહાર કરતાં ને વિના ખર્ચે તમે યજ્ઞ કરી શકશો.

યજ્ઞની ભાવનાનું રહસ્ય સૌએ સારી પેઠે સમજી લેવાનું છે. માણસે સમજી લેવું જોઈએ કે સંસારમાં જે છે તે બધું ઈશ્વરનું છે, તેના પર તેનો એકલાનો નહિ, પણ જીવમાત્રનો અધિકાર છે. એટલે પોતાની પાસે જે કૈં હોય તે દ્વારા વધારેમાં વધારે જીવોનું હિત કરવાની તેની ભાવના હોવી જોઈએ, ને તેનો અમલ કરવા તેણે સદાય તૈયાર રહેવું જોઈએ. કેવલ પોતાના સુખમાં મસ્ત બનીને બેસી રહેવાને બદલે બીજાને સુખી કરવા પણ તત્પર થવું જોઈએ. તો જ સંસારનું કલેવર બદલી શકાય. યાદ રાખો કે કોઈને આપવાથી વસ્તુ ઘટતી નથી; પણ વધે છે ને બીજા જીવને મદદ કરવાનો આનંદ મળે છે તે નફામાં. આપવામાં સદા સુખ તો છે જ, પણ જે આપે છે તેની મૂડી ઘટતી નથી, પણ વધે છે, ને ઈશ્વર તરફથી બીજું અનેક ઘણું મળે છે, એટલે માણસે હૃદયને વિશાળ ને ઉદાર કરવાની જરૂર છે.

Shri Yogeshwarji

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer