Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

જ્ઞાનનો મહિમા

 

 

સંસારનું સમસ્ત ઐશ્વર્ય પણ આત્માના જ્ઞાન કે પરમાત્માના દર્શનની બરાબરી કરી શકે તેમ નથી. સાધના કરવાથી તે જ્ઞાન માણસને પોતાની અંદર જ મળે છે.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

પરમાત્માનું દર્શન કરીને પરમાત્મામય થઈ ચૂકેલા જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી ખૂબ લાભ થાય છે. એ જ્ઞાનનું આચરણ કરીને પોતાના સ્વરૂપનું કે પરમાત્માનું દર્શન કરવાથી જીવન અમૃતમય બની જાય છે. અશાંતિ ટળી જાય છે, ને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનીઓનું કહેવું છે કે માણસને પોતાના સ્વરૂપનું ભાન નથી એટલે તે ભય, દુઃખ, અશાંતિ ને શોક અનુભવે છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન થતાં કે પરમાત્માનું દર્શન થતાં તેને સમજાશે કે આ આખુંયે જગત પરમાત્મામય છે. જુદાં જુદાં રૂપોમાં રહેલા એક પરમાત્માનું તેને દર્શન થશે. તેમ થતાં તેના જીવનમાંથી ભય દૂર થશે; કામ ને ક્રોધ પણ ટળી જશે. કેમ કે જ્યાં બધે એક ઈશ્વર જ છે, ત્યાં તે કોના પર ક્રોધ કરે, કોને માટે કામી બને ને ભય પણ કોનો ધરે ? નાના ને મોટા પણ કોને ગણે ? તે તો બધામાં એક ઈશ્વરનું જ દર્શન કરશે, ને શાંતિ તથા આનંદ મેળવી, બંધનમાંથી મુક્તિ મેળવશે. તે પરમાત્માનું અનુભવસિદ્ધ જ્ઞાન થતાં ફરીવાર તેને મોહ ને શોક નહિ થાય. જ્ઞાનામૃતનો આસ્વાદ લઈને તે અમર બની જશે.

જ્ઞાનનો મહિમા અનેરો છે જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ બીજી કોઈ નથી, જે આત્મજ્ઞાન માણસની બધી જ સમસ્યાઓનો ઉકેલ કરીને શાંતિ આપે છે, તે જ્ઞાનની બરાબરી બીજું શું કરી શકે એમ છે ? સંસારનું સમસ્ત ઐશ્વર્ય પણ આત્માના જ્ઞાન કે પરમાત્માના દર્શનની બરાબરી કરી શકે તેમ નથી. સાધના કરવાથી તે જ્ઞાન માણસને પોતાની અંદર જ મળે છે. તેને માટે અસીમ શ્રદ્ધા જોઈએ. જિતેન્દ્રીયપણું જોઈએ ને લગન જોઈએ. પરમાત્માના દર્શનને માટે પણ આની જરૂર છે. આ આત્મજ્ઞાન મેળવ્યા પછી માણસ કર્મ કરશે તો પણ કર્મ તેને બાંધી શકશે નહિ. પછી તો તે નિર્લેપ રહીને કર્મ કર્યા કરશે. અહંતા ને મમતાથી મુક્ત થઈને તે કર્મ ને કર્મના ફલને ઈશ્વરના ચરણોમાં જ અર્પણ કરશે. એટલે ભગવાન કહે છે કે અર્જુન, તારો મોહ અજ્ઞાનને લીધે ઉત્પન્ન થયો છે તેને તું જ્ઞાનની તલવારથી છેદી નાંખ, ને બધા પ્રકારની શંકાઓનો ત્યાગ કરીને લડવા માટે તૈયાર થઈ જા. અત્યાર સુધી અર્જુન ધનુષબાણથી લડવાની કલા જાણતો હતો, ભગવાને તેને જ્ઞાનના નવા પાણીદાર શસ્ત્રની દીક્ષા આપી, ને તે શસ્ત્રનો પ્રયોગ કરવાની આજ્ઞા કરી. આપણે પણ જીવનમાંથી જડતા, શોક, મોહ, અવિવેકને અલ્પતાને દૂર કરવા ઈચ્છતા હોઈએ તો આ આત્મજ્ઞાનનો આશ્રય લઈને પરમાત્માની વધારે ને વધારે પાસે પહોંચવાનું છે.

જેણે નવજીવન મેળવવું હોય, ને અમૃતમય થવું હોય તે જ્ઞાનની સંજીવની બૂટીનો આશ્રય લે, ને જે સૌનાય જીવનદાતા છે તે પરમાત્માનો પ્રેમ મેળવે, પરમાત્માનું સેવન કરે. જીવનના જંગમાં નિર્લેપ રહીને વિજય મેળવવાનો આ અકસીર ઉપાય છે, ને જે ચાહે તે એનો લાભ લઈ શકે છે. ચાલો, જાગીએ ને ચેતીએ તથા સફળ થઈએ ને અમૃતમય બનીએ.  Shri Yogeshwarji

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer