|
જે સંન્યાસી છે તેમણે પણ એવી કેટલીક જરૂરી સમજ મેળવવાની છે, જેથી તે કર્મયોગને
ઘૃણાની
દૃષ્ટિથી
ના જુએ. કેટલાક સંન્યાસીઓમાં કેટલીક
ગેરસમજ હોય છે. તેનાથી પ્રેરાઈને તે એમ માને છે ને બીજાને મનાવવા પ્રયાસ કરે છે
કે પોતપોતાનાં કર્મ છોડીને બધા સંન્યાસી કે ત્યાગી થઈ જાય તો જ સુખી થાય,
પણ એ માન્યતા ખોટી છે. આ સંસારમાં બધાં માણસો પોતપોતાની રૂચિ પ્રમાણે કર્મ
કરતાં રહે તે જ
સારું
છે. સંન્યાસ તો અમુક જરૂરી યોગ્યતાએ પહોંચેલા થોડાક માણસોને માટે જ છે. જો બધા
જ માણસો તેનો
આશ્રય લેવા જાય, તો પોતાને નુકશાન કરવાની સાથે સાથે સમાજના વ્યવસ્થિત માળખાઓને
પણ તે નુકશાન પહોંચાડે, એમાં જરાય સંદેહ નથી. એટલે ત્યાગી કે સંન્યાસીએ બધા
પોતાની જેમ ત્યાગી થઈ જાય એવા દુરાગ્રહનો ત્યાગ કરવો જોઈએ. સૌને એક જ ત્રાજવે
તોળવાની ખરાબ ટેવ છોડી દેવી જોઈએ તથા પોતપોતાના સ્થાનમાં રહેલાં સૌના મહત્વનો
સ્વીકાર કરવો જોઈએ. જે સંસારમાં પ્રવૃત્તિની વચ્ચે રહે છે, વ્યવહાર કરે છે,
તેમની કિંમત કદી ઓછી આંકવાની જરૂર નથી. વિચાર તો કરો કે ત્યાગ ને સંન્યાસની
આખી સંસ્થા કોના આધાર પર ટકી રહે છે
?
તેને કોણ પોષે છે ને સાથ આપે છે ! વ્યવહારવાળા કે ગૃહસ્થાશ્રમી માણસો જ તેમને
ભિક્ષાદિ આપીને મદદ કરે છે, ને પોષે છે. એ વસ્તુ તદ્દન સાચી છે. તો પછી તેમનો
અનાદર કરવામાં ડહાપણ છે
ખરું
કે ?
તેમને શુદ્ધ, ને છે તેથી વધારે શક્તિશાળી કરવા કોશીશ કરવામાં આવે તે ભલે, પણ
તેમને નકામા કહીને હસી કાઢવાનું કામ જરાપણ
સારું
નથી એ નક્કી છે. આ પ્રકારનું કામ પણ અજ્ઞાન ને કટ્ટરતાનો નમૂનો છે. ગીતા આની
સામે લાલ બત્તી ધરે છે ને ગુણગ્રાહી થવાનું શીખવે છે.
છતાં કેટલાય ત્યાગી કે સંન્યાસી પુરૂષો એ શિખામણ પ્રમાણે ચાલતા નથી એ ખરેખર
ખેદજનક છે.
હિમાલયમાં કેટલીકવાર સાંજનો સમય ઘણો સુંદર લાગે છે. આકાશના ગુલાબી રંગો પર્વતીય
પ્રદેશમાં ઘણા આછા દેખાય છે. છતાં કેટલીકવાર તેને જોતાં તૃપ્તિ થતી નથી. એવા એક
સાંજે અમે આશ્રમની બહાર બેઠાં હતાં. એટલામાં એક સંન્યાસી મહારાજ આવી પહોંચ્યા.
તે ગુજરાતમાં એક આશ્રમમાં રહેતા હતા, ને બદરીકેદારની યાત્રાએ નીકળ્યા હતા.
તેમની સાથે કેટલીક વાતો થઈ. છેવટે તેમણે મને પૂછ્યું :
‘તમે
અહીં કેટલા વખતથી રહો છો
?’
મેં કહ્યું : ‘ચારેક
વરસ થયાં.’
તે કહે : ‘ઘણી
સારી વાત છે. સ્થાન પણ
સારું
છે. પણ તમે હજી બ્રહ્મ તો નથી થયા ને
?’
મેં પૂછ્યું : ‘એટલે
?
બ્રહ્મ થવું એટલે શું
?’
‘મારી
જેમ ભગવાં કપડાં ધારણ કરો, એટલે સીધા બ્રહ્મ થઈ જવાય.’
તેમણે જવાબ આપ્યો, ‘મને
તો ગુરૂએ ભગવું પહેરાવ્યું ને દીક્ષા આપી ત્યારથી બ્રહ્મ થઈ ગયો. હવે આમતેમ
આનંદથી ફર્યા કરું છું.’
મેં કહ્યું : ‘એમ
જ હોય તો તો બ્રહ્મ થવાનું કામ ઘણું સહેલું છે ગુરૂ તો બધે જ મળે છે, ને દીક્ષા
આપીને કાન ફૂંકનારા ગુરૂ પણ સહેલાઈથી મળી રહે. બ્રહ્મની પ્રાપ્તિ માટે ને
બ્રહ્મમય થવા માટે ઋષિમુનિને આકરાં તપ કરવા પડ્યાં હતાં.
એટલે બ્રહ્મ થવાનું કામ આમ બોલી જવા જેટલું સહેલું નથી. કોઈ પણ પ્રકારના સાધન
કે પરિશ્રમ વિના એમ સહેલાઈથી બ્રહ્મમય થવું અશક્ય છે.’
‘પણ
તમે ભગવું પહેરીને જુઓ તો ખરા કે બ્રહ્મમય થવાય છે કે નહિ
?
’
તેમણે ચાલુ રાખ્યું.
મેં કહ્યું : ‘‘ના,
મારે ભગવાંની
જરૂર નથી.
મને
ભગવાંનો
મોહ નથી.
બધાએ તે પહેરવું
જ જોઈએ તેમ પણ હું માનતો નથી. ભગવું તો એક નિશાની છે. તેનો રંગ અગ્નિ જેવો છે.
જેમ અગ્નિ પોતાની અંદર હોમાતી વસ્તુને બાળી નાખે છે તેમ ભગવું પહેરનાર માણસે
પોતાની કામના ને વાસનાને, અહંવૃત્તિ તથા મમતાને, જ્ઞાનના અગ્નિથી બાળી દીધી છે
એમ જાણી શકાય છે. આ જણાવવા ને પહેરનાર માણસે પોતે નિરંતર જાણવા માટે ભગવું
પહેરાવાય છે. પણ બધાએ તેનો આશ્રય લેવો જ જોઈએ એવો દુરાગ્રહ નકામો છે. જે
બ્રહ્મમય થાય છે તે તો બીજા બધા પ્રત્યે સમતા ને સહાનુભૂતિ રાખે છે, સૌમાં
પરમાત્માનું દર્શન કરે છે ને નમ્રતા ધારણ કરે
છે. તમે તો નમ્રતા ને સહાનુભૂતિ ધારણ કરવાને બદલે કટ્ટર બન્યાં છો એટલે તમે
બ્રહ્મમાં નહિ પણ ભ્રમમાં રમો છો. હજી જીવન બાકી છે, ત્યાં સુધી ચેતી જશો ને
સૌને ભગવાં પહેરાવીને બ્રહ્મમય બનાવવાની ભ્રમણા દૂર કરશો તો પરમાત્માની કૃપાથી
ખરેખર બ્રહ્મમય બની
શકશો.
બાકી હાલની દશા જોતાં તો તમારું ભાવિ નબળું છે.’’
પણ વરસોથી પડેલા વિચાર ને સંસ્કાર એમ કાંઈ એકાદ વાત સાંભળવાથી જાય ખરા
?
જરૂર જાય. વાલ્મિકી જેવાનું ઉદાહરણ તેમાં સૂર પુરાવે છે. ઓરડામાં ઘણા દિવસનો
અંધકાર જામેલો છે પણ દીપકનો પ્રકાશ થતાં તે તરત જ અદૃશ્ય
થાય છે. તે પ્રમાણે જૂના સંસ્કાર પણ થોડીવારમાં જ પલટાવી શકાય ખરા. પણ તે
ક્યારે ?
માણસના દિલમાં તેમને પલટાવવાની સાધારણ પણ ઈચ્છા હોય ત્યારે. તે ઉપરાંત તેને
પલટાવનાર વ્યક્તિ કે વાતાવરણ પણ પૂરતું પ્રબલ ને અસરકારક હોચ ત્યારે. સંન્યાસી
મહારાજને પોતાની ત્રુટિ કોઈ ઉપાયે દેખાતી જ ન હતી એટલે તેમને માટે પલટો ખાવાની
આશા જ ક્યાં હતી ?
આવી રીતે કેટલાય સંન્યાસીઓમાં કટ્ટરતા ને અજ્ઞાન દેખાય છે. તે દૂર કરવાની
ગીતામાતાની આજ્ઞા છે. સંન્યાસ ને કર્મયોગ બેમાં શું કલ્યાણકારક છે તેમ અર્જુને
પૂછ્યું છે. તેના ઉત્તરમાં ભગવાને કોઈ એકને કલ્યાણકારક કહ્યું નથી. તેમ કહ્યું
હોત તો તે દ્વારા વિરોધ ને વૈમનસ્યનું એક બી વવાત, પણ ભગવાન એવું શા માટે કરે
?
તે તો કુશળ હતા.
સાચી વસ્તુને સમજવાની તેમની શક્તિ હતી. એટલે તેમણે નાહકના વિવાદનો અંત આણ્યો છે
ને સાચી તથા મુખ્ય વસ્તુ પર પ્રકાશ ફેંક્યો છે. એંસી વરસની વયે કુરૂક્ષેત્રના
મેદાનમાં અર્જુનનો રથ ચલાવવા તૈયાર થયેલા કૃષ્ણ કેટલા મોટા કર્મયોગી હશે તેનો
ખ્યાલ કરો. સાંજ પડે છે ને લડાઈનો સમય પૂરો થાય છે ત્યારે તે ઘોડાને પાણી પાય
છે, ખવડાવે છે ને પંપાળે છે.
તેમનામાં કટ્ટરતા હોત તો તે કર્મનો જ મહિમા ગાવા મંડી પડત, ને ત્યાગ કે
સંન્યાસને વગોવત. પણ તેમ નથી થયું. કેમ કે
તે
કટ્ટરતાથી રહિત છે. કર્મયોગ ને સંન્યાસ બંને જીવનને માટે ઉપકારક છે એમ તે જાણે
છે ને તેથી તે બંનેને કલ્યાણકારક કહી બતાવે છે. તેમને પગલે ચાલીને આપણે પણ
કટ્ટરતામાંથી મુક્ત થવાનું છે, ને વિશાળ ને ઉદાર હૃદયનાં બનવાનું છે.

(શ્રી
યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
|