Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ત્યાગ અને કર્મ સંકળાયેલા છે

 

 

વિદ્ધતાની ખરી નિશાની એ છે કે તે દરેક વસ્તુને તેના મૂળ રૂપમાં જુએ છે ને ઓળખે છે; દરેક વસ્તુનું મહત્વ જાણે છે, ને વસ્તુને સન્માનથી જુએ છે.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

ભગવાન કહે છે કે હે અર્જુન, જ્ઞાન ને યોગ કે ત્યાગ ને કર્મ કાંઈ જુદી કે વિરોધાભાસી વસ્તુઓ નથી. એ વાતને તું હૃદયમાં લખી રાખજે. ડાબા ને જમણા પગની પેઠે તે જીવનમાં બે જરૂરી અંગ છે અથવા પંખીની બે પાંખની જેમ જીવનની સ્થિરતા ને પ્રગતિ માટે ઉપયોગી છે, બંને પરસ્પર સહાયક છે. માણસ તે બંનેનું આચરણ કરી શકે છે અથવા તો તે બંનેમાંથી કોઈ એકનો આધાર લઈને બંને દ્વારા મળનારા ફળને એટલે કે શાંતિ, મુક્તિ કે પૂર્ણતા ને પરમાત્માની પ્રાપ્તિને મેળવી શકે છે. એટલે જ્ઞાન મોટું કે કર્મ, ત્યાગ મોટો કે વ્યવહાર એ વસ્તુના વિવાદમાં પડવાની જરૂર નથી. તેવા વિવાદમાં પડવાથી કાંઈ જ લાભ નથી. ઉલટું નુકસાન છે કેમ કે તેથી કટ્ટરતા ને દ્વેષ વધે છે. એટલે જ ભગવાન કહે છે કે તેવા વિવાદમાં  પડનારા પુરૂષો પંડિત કે પ્રાજ્ઞ નથી, પણ બુદ્ધિમાં બાલક જેવા છે. તેમને માટે ભગવાને બાલાઃ એટલે બાલકો એવા શબ્દનો ખાસ પ્રયોગ કર્યો છે. માટે વિવાદ ને વિખવાદ વધારવાની જરૂર નથી.

સંસાર વિવાદ ને વિખવાદથી ભરેલો છે. તેને ઓછો કરવાને બદલે વધારવાનું કામ સારું નથી. ખાસ કરીને જ્ઞાની કે પંડિત પુરૂષોને માટે તો નહિ જ. પરંતુ વાત જુદી દેખાય છે. જ્ઞાની કે પંડિત પુરૂષો જ બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે બિનજરૂરી વિવાદ ઊભો કરે છે, ને તેમાં જ આનંદ માને છે. જૂના વખતમાં આખલાની સાઠમારી ઘણી થતી. અરે માણસો પણ પરસ્પર લડવામાં આનંદ માનતા, ને તે જોવા માટે બીજા કેટલાય માણસો ભેગા થતા. હજી પણ તે પદ્ધતિ ચાલે છે ખરી. પંડિતોની પદ્ધતિ પણ તેવી જ છે. પણ ફેર એ છે કે તેમાં બુદ્ધિની લડાઈ ચાલે છે; વિદ્ધતા કે ભાષાની કુસ્તી થાય છે. શબ્દોની સાઠમારી ચાલે છે. જેમને તે જોવાનો લાભ મળ્યો હશે તે આ વાતને સહેલાઈથી સમજી શકશે. ગીતામાતા આપણને સૂચના આપે છે કે વિદ્ધતાથી અહંકારી કે દંભી ના બનશો પણ નમ્ર થજો. વિદ્યા હોય તો તેથી વિવાદ ને વિખવાદ ના વધારશો. પણ વિવાદ કે વિખવાદને સમાવી દેજો ને પ્રકાશ પામીને પરમાત્માનો સાક્ષાત્કાર કરવા પ્રયાસ કરજો. વિદ્ધતાની ખરી નિશાની એ છે કે તે દરેક વસ્તુને તેના મૂળ રૂપમાં જુએ છે ને ઓળખે છે; દરેક વસ્તુનું મહત્વ જાણે છે, ને વસ્તુને સન્માનથી જુએ છે. જ્યાં ભેદભાવ છે ત્યાં તે ભેદભાવને દૂર કરવાનું કામ કરે છે.

   Shri Yogeshwarji

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer