Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

જીતેન્દ્રિય થઈ શકાય છે

 

 

ઈન્દ્રિયોનો વિજય કરીને જ્યાં સુધી માણસ પરમાત્માનો સાક્ષાત્કાર ના કરે, ત્યાં સુધી તેને સુખની પ્રાપ્તિ થતી નથી.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

શું ઈન્દ્રિયોના આકર્ષણ ને ભોગની સામે માણસ અચલ રહી શકે ખરો ? કામ ને ક્રોધ તથા જુદાં જુદાં રસાસ્વાદની વૃત્તિની સામે અડગ રહીને માણસ શું જીતેન્દ્રિય બની શકે ખરો ? ગીતા કહે છે કે તેમાં શંકા કરવાની જરૂર જ નથી. માણસ ધારે તો પુરૂષાર્થ કરીને જીતેન્દ્રિય બની શકે છે. માણસ જો પોતાની પામરતાને દૂર કરે, ને સાવધ રહીને પ્રયાસ કરે તો વિષયના રસાસ્વાદની ગુલામીમાંથી છૂટી શકે છે. આ બાબત ગીતામાતાનો નિર્ણય ચોખ્ખો ને આખરી છે. તે કહે છે કે ન્દ્રિયોનો વિજય કરીને જ્યાં સુધી માણસ પરમાત્માનો સાક્ષાત્કાર ના કરે, ત્યાં સુધી તેને સુખની પ્રાપ્તિ થતી નથી. આ નિર્ણય ધ્યાનમાં રાખી તે પ્રમાણે જીવનનું ઘડતર કરવા તૈયાર થવાનું છે. ઈન્દ્રિયોનું આકર્ષણ એવું છે કે ભલભલા પંડિતો પણ તેની જાળમાં સપડાય છે. ગરીબ ને અમીર, વિદ્વાન ને અભણ તેમજ પાપી ને પુણ્યશાળી પણ તેમાં ફસાઈ જાય છે. ઈન્દ્રિયોના વિષયોને વારંવાર ભોગવવાથી શું તે મટી શકશે ? નહિ જ. તેને મટાડવા માટે તો વિચાર કે વિવેક ને પરમાત્માની પ્રાર્થનાનો આધાર લેવો જોઈએ ? વિવેક દ્વારા નક્કી કરો કે શરીર કે ઈન્દ્રિયોના ભોગમાં સુખ નથી. માટે તેનો ત્યાગ કરવો જોઈએ. ભોગની વાસનાને ઉત્તેજે તેવા પદાર્થોથી શરૂઆતમાં, કામચલાઉ ઉપાય તરીકે, દૂર રહેવું જોઈએ. તે ઉપરાંત જ્યારે મન ચંચલ ને નિર્બળ બને, ત્યારે પ્રાર્થનાનો આધાર લો. ઈશ્વરની મદદ માગો. જો સાચા દિલથી પ્રાર્થના કરશો ને ઈશ્વરની મદદ માગશો તો મદદ જરૂર મળશે. વિઘ્નો દૂર થઈ જશે, મુશ્કેલી સાફ થશે, ને અંતરાયોનો અંત આવશે.

પ્રાર્થનાની શક્તિ ઘણી ભારે છે. તેનો આધાર લઈને તમે ઈશ્વર સાથે સંબંધ બાંધી શકો છો. ગમે તે ઉપાયથી તમારે મનના સ્વામી થવું જોઈએ ને જીતેન્દ્રિય બનવું જોઈએ. બીજા માણસો ગમે તે કરે, પણ જીવનમાં વહેલામાં વહેલી તકે પરમશાંતિ, મુક્તિ કે પૂર્ણતા મેળવવાની જેને ઝંખના છે, ને જે આ વિનાશી સંસારમાં રહીને અવિનાશી પરમાત્માનું દર્શન કરવાની ઈચ્છા રાખે છે, તેવા આત્મિક પંથના પ્રવાસીઓએ તો આ બાબતમાં જરા પણ પ્રમાદ કરવાની જરૂર નથી. પરમાત્માના મિલનનું સુખ સૌથી ઉત્તમ ને મધુર છે એમ માનીને, બીજા બધા જ સુખને સલામ કરી, પરમાત્મસુખનો સ્વાદ લેવા તલપાપડ બનવું જોઈએ. પરમાત્માના ગુણ ને પરમાત્માનું પદ અસીમ છે. તે રૂપનું દર્શન કરવાની લાગણી જેના દિલમાં લાગી ગઈ છે તે સંસારના કોઈયે સાધારણ કે ભારે રૂપથી પ્રભાવિત નહિ બને, ને સંસારની કોઈયે વ્યક્તિ કે વસ્તુમાં આસક્ત નહિ બને. સંસારનું સુખ સંપૂર્ણપણે પ્રાપ્ત થાય તો પણ અપૂર્ણ ને અસાર છે, એવો લેખ તે પોતાના હૃદય પર સદાને માટે લખી રાખશે.    Shri Yogeshwarji

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer