Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

એકાંતની આવશ્યકતા

 

 

એકાંતમાં મન જલદી સ્થિર થાય છે, ને શાંત બને છે. જ્યાં ખૂબ અવાજ થતો હોય ને બીજા અનેક જાતના વિક્ષેપ હોય, ત્યાં મનને એકાગ્ર કરવાનું કે પ્રભુના ધ્યાનમાં જોડવાનું કામ કપરૂં બને છે. માણસની કેટલીક શક્તિ વાતાવરણનો સામનો કરવામાં ને વાતાવરણને પોતાને અનુકૂળ બનાવવામાં જ ચાલી જાય છે.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

આત્મિક ઉન્નતિની ઈચ્છાવાળા પુરૂષે એકાંત સ્થાનમાં વાસ કરવો એવી ગીતાની સૂચના છે. યોગના ગ્રંથોમાં પણ એકાંતવાસનો મહિમા સારી પેઠે ગાવામાં આવ્યો છે. એકાંતમાં મન જલદી સ્થિર થાય છે, ને શાંત બને છે. જ્યાં ખૂબ અવાજ થતો હોય, ધમાધમ હોય, ને બીજા અનેક જાતના વિક્ષેપ હોય, ત્યાં શાંતિપૂર્વક રહેવાનું ને મનને એકાગ્ર કરવાનું કે પ્રભુના ધ્યાનમાં જોડવાનું કામ કપરૂં બને છે. માણસની કેટલીક શક્તિ વાતાવરણનો સામનો કરવામાં ને વાતાવરણને પોતાને અનુકૂળ બનાવવામાં જ ચાલી જાય છે. એકાંતમાં મનની એકાગ્રતાનું કામ સહેલાઈથી થાય છે. એટલે સાધનાની શરૂઆતમાં એકાંતસેવન ખૂબ લાભકારક છે. માણસ પર વાતાવરણની અસર કાંઈ ઓછી નથી થતી. માણસ ઘરમાં રહે છે ને મંદિરમાં જઈને બેસે છે, એ બે ક્રિયાઓ તેના પર કેવી જુદી જુદી અસર કરે છે ! ઘર કરતાં મંદિરમાં તેને વધારે શાંતિ લાગે છે, ને ત્યાંના શાંત વાતાવરણમાં તેનું મન સહજ શાંતિ ધારણ કરે છે. નદીના કિનારા કેટલા સુંદર લાગે છે ! સમુદ્રના તટ પર પણ કેટલો આનંદ આવે છે ! સુંદર ને સુવાસિત પુષ્પોથી સુશોભિત થયેલા બાગબગીચા પણ કેટલા રમણીય લાગે છે ? ત્યાં જવાથી વધારે શાંતિ ને આનંદ મળશે તથા રસ પડશે એમ માનીને તો આપણે ત્યાં જઈએ છીએ. એટલે એકાંત સુંદર ને શાંતિમય સ્થાનોમાં રહેવાથી અથવા રહીને સાધના કરવાથી લાભ થાય છે એ વાત નક્કી છે.

આજે તો એકાંતસેવનની વૃત્તિ ઓછી થઈ હોય તેમ દેખાય છે. માણસને એકાંતમાં ઓછું ફાવે છે. પ્રવૃત્તિ ને પ્રવૃત્તિના જાપ જપનારો માણસ સંગ વિના ભાગ્યે જ રહી શકે છે. નિવૃત્તિ તેને ગમતી નથી ને એકાંત પણ ફાવતું નથી. મોટા શહેરો કેટલાં પ્રવૃત્તિમય બની ગયાં છે ! તેમાં જીવનારો સામાન્ય માણસ ભરચક વસતી, ધમાલ ને સંકડામણથી ભરેલા માળાઓમાં જીવે છે. કેટલાંક લત્તા ને કેટલાંક મકાનો તો એવાં છે કે જ્યાં રહેવાથી તંદુરસ્ત જીવન પણ જીવી ના શકાય તો પછી ધ્યાન, ધારણા ને સમાધિ કે પરમાત્માના દર્શનને માટે શાંત સાધનામય જીવન તો કેવી રીતે જીવી શકાય ?

છતાં પણ તેને માટે કોઈને દોષ દેવાનો પ્રયાસ કરવાની જરૂર નથી. દોષ દેવો હોય તો માણસને પોતાને જ દેવાનો છે. મોહ, મમતા ને અજ્ઞાનનો શિકાર બનેલો માણસ પોતાની મેળે જ પોતાની બેડીમાં બંધાયો છે, ને પોતાની જાળમાં જકડાયો છે. તેને લીધે તે અશાંતિ, દીનતા ને દુઃખનો ભોગ બન્યો છે. તેમાંથી છૂટવાનો એક જ ઉપાય પરમાત્માના શરણનો છે પરમાત્માનું શરણ લેવાથી તે સર્વ રીતે સુખી, શ્રીમાન ને સંપન્ન થઈ જશે.

એકવાર અમે હેન્ગીંગ ગાર્ડન ગયા તો ત્યાં કેટલાક વિલાસમય સ્ત્રીપુરૂષો જોયાં. આશ્ચર્ય એ હતું કે તેમને મન તેવો વિલાસ સાવ સ્વાભાવિક હતો. માણસોની હાજરીમાં પણ તેમને કોઈ શરમ ન હતી. જાહેર સ્થાનોમાં આવાં વિલાસ કરનારા માણસોની હાજરી જરાય ઈચ્છનીય નથી. પ્રજાના માનસ પર તેની બહુ જ ખરાબ છાપ પડે છે. છતાં ઢાલની બીજી બાજુ પણ હોય છે. તેમાં કેટલાંક સારા દૃશ્યો પણ જોવા મળે. હેન્ગીંગ ગાર્ડનમાં એક દિવસ અમે વહેલી સવારે ફરવા ગયેલા, ત્યાં ગયા પછી સૂર્યનાં કિરણ લેવા સમુદ્ર તરફ જોતાં બેઠા. એક ભાઈ ત્યાં બંધ આંખે બેઠા હતા, સૂર્યનાં કોમળ કિરણો તેમના ચહેરા પર પડી રહ્યાં હતાં. કેટલું સુંદર ! તે જોઈને મને વરસો પહેલાંના પ્રસંગ યાદ આવ્યાં. મુંબઈમાં હતો ત્યારે હું પણ હેન્ગીંગ ગાર્ડનનો લાભ લેતો. સૂર્યની સામે આ પ્રમાણે બેસતો, ને ધ્યાન ધરતો. ખૂબ આનંદ આવતો. ગાર્ડન તો મારા ઘર જેવું હતું. દિવસનો વધારે ભાગનો વખત હું ત્યાં જ પસાર કરતો. એકાંતની એ અમૂલ્ય સંપત્તિનો લાભ લેવાય તો કેટલો લાભ થાય ? ગાર્ડનનો લાભ બધાથી ના લેવાય પણ પોતાની અનુકૂળતા પ્રમાણે, પોતાની પાસેના એકાંત સ્થાનનો લાભ તો લેવાય ને ? તેવો લાભ બધાં લઈ શકે. છેવટે પોતાના ઘરમાં પણ એકાંત શોધી શકાય. આખો દિવસ પ્રવૃત્તિ રહે પણ રાતે તો નિવૃત્તિ મળે ને ? તે વખતે સૂતાં પહેલાં એકાંત મેળવી શકાય. તે પ્રમાણે વહેલી સવારે પણ એકાંત મળી શકે, બાકી તો મનને શાંત કરો, સદ્ ગુણ ને સાત્વિકતાથી ભરી દો એટલે તે એકાંતમય બની રહેશે. તેવું મન સહેજે એકાગ્ર થશે, ને પ્રભુના ચિંતન ને ધ્યાનમાં લીન બનશે. બહારની ગડબડથી તે બેચેન નહિ બને.

માણસો કેટલીકવાર વૈરાગ્યના ઉભરાની અસર નીચે આવીને એકાંતનો આશ્રય લે છે પણ તેમનું મન ત્યાં લાગતું નથી. માણસે તદ્દન નિવૃત્તિ કે એકાંતનો આશ્રય લેતાં પહેલાં તે માટેની યોગ્યતા કેળવવી જોઈએ. સાધનામાં મન લગાડવું જોઈએ, ટાઢ, તાપ, સુખદુઃખ ને માનાપમાનને સહન કરવાની તાલીમ લેવી જોઈએ ને નિર્ભય બનવું જોઈએ. જેને પ્રભુ પર શ્રદ્ધા છે તેને વળી ભય શાનો ? તે તો જાણે છે કે પ્રભુ પોતે તેની રક્ષા કરવા સદા તૈયાર છે ને સંસારમાં સઘળે તે પ્રેમમય પ્રભુ જ રહેલા છે. એકાંતમાં પણ તે એકલવાયાપણાનો અનુભવ નથી કરતો. પ્રભુ પોતાની અંદર ને બહાર હાજર છે, એ શ્રદ્ધા તેના દિલમાં અડગ રીતે રહેલી હોય છે. જેમ માણસ પ્રેમમય ને પવિત્ર થતો જાય છે, તથા પરમાત્માનો પ્રકાશ પામતો જાય છે, તેમ તેમ તે નિર્ભય બનતો જાય છે, ને છેવટે સંપૂર્ણપણે નિર્ભય બને છે. ભારતમાં આવા અભયની મૂર્તિ જેવા મહાત્માઓ ઘણી મોટી સંખ્યામાં થઈ ગયા છે. તેમના આશ્રમમાં વાઘ ને સિંહ તથા ગાય ને હરણ પાસે પાસે બેસતા; તેમને પોતાને તો કોઈનો ભય ન હતો, પરંતું તેમની પાસે આવનારનો ભય પણ ભાગી જતો. ભૂતકાળમાં જ આવું હતું એમ નથી. વર્તમાનકાળમાં પણ પ્રેમ ને નિર્ભયતાની મૂર્તિ જેવા એવા કેટલાક સંતો છે, ને ભવિષ્યમાં પણ થતા રહેશે. એકાંતમાં રહેનારા કે રહેવા માંગતાં સાધકોએ તેમના જીવનમાંથી ઘણું શીખવાનું છે, ને સાપ, વીંછી, જંગલી જનાવર તથા ચોર લૂંટારાના ભયમાંથી મુક્ત થવાનું છે. જે નિર્ભય હશે તે જ એકાંતમાં રહી શકશે.

સાધકે બ્રહ્મચર્યના પાલનનું પણ ખૂબ ધ્યાન રાખવાનું છે. બ્રહ્મચર્ય વિના સાધનામાં સફળતા ભાગ્યે જ મળે. શરીરની શક્તિનો દુરૂપયોગ કરવો તે મૃત્યુને નોતરવા જેવું છે. માટે શક્તિનો સંયમ કરવો, મન ને ઈન્દ્રિયોનો સંયમ કરવો ને પવિત્ર તથા શાંત સ્થાનમાં રહેવાની ટેવ પાડવી. વ્યવહારમાં રહીને સાધના કરનાર માણસને પણ આ વસ્તુઓ ખૂબ ઉપયોગી છે એ યાદ રાખવાનું છે.      Shri Yogeshwarji

----------------------------------------------------------------------------

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer