|
ત્યારે યોગ એટલે શું ?
સંસારનું નિરીક્ષણ કરવાથી સમજાય છે કે જીવો
ક્લેશ,
કષ્ટ ને પરિતાપ ભોગવી રહ્યા છે. માનવોની દશા પણ દુઃખદ છે. માનવને પોતાના
સત્યસ્વરૂપ પરમાત્માનું જ્ઞાન નથી;
પરમાત્માથી તે દૂર છે અથવા કહો કે પરમાત્માનો સંબંધવિચ્છેદ કરીને તે સંસારની
સાથે સંબંધ બાંધી બેઠો છે, ને સંસારમાં રત છે. પરમાત્માને તે ભૂલ્યો છે;
પોતાના મૂળ સ્વરૂપને ભૂલ્યો છે ને તેને પરિણામે સુખ ને દુઃખ, હર્ષ ને શોક તથા
જીવન ને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાયા કરે છે. પરમાત્માથી તેનો વિયોગ થયો છે. પરમ
શાંતિ, મુક્તિ ને પરમાનંદથી પણ તે દૂર હોઈ તેનો વિયોગ થયો છે, ને પૂર્ણ જ્ઞાન
ને પૂર્ણ શક્તિથી પણ તે દૂર છે. તે માર્ગને
અપનાવવાથી
કે યોગનો આશ્રય લેવાથી માણસ વિયોગીને બદલે સંયોગી કે યોગી બની જશે;
પરમાત્માને મેળવી લેશે ને પોતાના સત્ય સ્વરૂપમાં સ્થિતિ કરશે;
તથા સર્વ પ્રકારના દુઃખમાંથી મુક્તિ મેળવશે.
ધ્યાન જેવા માર્ગ દ્વારા સાધના કરનારો યોગી જ્યારે આગળ વધે છે, ત્યારે તેનું મન
ઉપરામ બની જાય છે, ને ઉપરામતાની એ દશામાં તે પોતાના મૂળસ્વરૂપ આત્માને જુએ છે
અથવા તો પરમાત્માનો અનુભવ કરે છે. તે વખતે તેને ઈન્દ્રિયાતીત દશાનો અનુભવ થાય
છે. તે દશાની પ્રાપ્તિ પછી તે પરમસુખ, શાંતિ ને પરમાનંદની મૂર્તિ બને છે.
ફુવારામાંથી છૂટતી અનંત ધારાઓ
જેમ આનંદ સહજ
છુટ્યા કરે છે. અનુભવની એ ઉત્તમોત્તમ દશાના લાભ પાસે સંસારના સાધારણ લાભ કે
ત્રિલોકની પ્રાપ્તિનો લાભ પણ કાંઈ જ વિસાતમાં નથી. તે દશા મળ્યા પછી ગમે તેટલું
ભારે દુઃખ પડે તો પણ યોગીને તેની ખબર પડતી નથી. તે દશામાં તેના શરીરને કાપી કે
બાળી નાખવામાં આવે તો પણ તેને ખબર પડતી નથી. તે મહાન દશાની પ્રાપ્તિ થઈ જાય
એટલે યોગસાધના સફળ થાય છે. યોગની સાધનાનું મુખ્ય ફળ આ જ છે. આજે કેટલાક માણસો
આસન, પ્રાણાયામ,
ષટક્રિયા
ને મુદ્રા જેવી ક્રિયાઓને જ યોગ માની લે છે પણ તે તો યોગનાં જુદાં જુદાં અંગ
છે. યોગનો ખરો મર્મ તો ઘણો ઊંડો છે. યોગની સાચી સફળતા પરમાત્માનાં દર્શન દ્વારા
પરમસુખની પ્રાપ્તિમાં ને સર્વ દુઃખોની નિવૃત્તિમાં રહેલી છે. પરમાત્માના
દર્શનને માટે આ અધ્યાયમાં ભગવાને ધ્યાનયોગ બતાવ્યો છે. તેની કેટલીક ચર્ચા
શરૂઆતમાં થઈ ગઈ છે.
ત્યારે ઊંઘમાં ને યોગની આ મહાન દશા સમાધિમાં કાંઈ ફેર ખરો
?
જરૂર. બંને વચ્ચે આભ–જમીનનો
ફેર છે. ઊંઘમાં મનની વૃત્તિઓ બહારના જગતમાં ફરવાનું છોડી દે છે, ને મનમાં એકઠી
થાય છે. કલ્પના ખાતર સૂર્યાસ્તની કલ્પના કરો. સૂર્યાસ્ત થાય છે, ત્યારે સાધારણ
રીતે એમ માનવામાં આવે છે કે સૂર્યનાં કિરણો સંસારના પદાર્થો પરથી પાછાં વળીને
સૂર્યમાં ભેગા થાય છે. સૂર્યોદય થતાં તે પાછા સંસારની યાત્રાએ નીકળી પડે છે. તે
પ્રમાણે ઊંઘમાં
મન રહે છે પણ મનની વૃત્તિઓ મનમાં ભેગી થાય છે. સમાધિમાં જે દશા છે તે તેથી જુદી
જ હોય છે. સમાધિમાં મનની વૃત્તિઓ મનમાં ભેગી
થાય છે એ તો
ખરું,
પણ એથી
આગળ વધીને મન પણ પોતાના મૂળ સ્વરૂપ પરમાત્મામાં મળી જાય છે. આને લીધે જ્યારે
સમાધિમાંથી માણસ જાગે છે, ત્યારે તેનો સ્વભાવ વધારે વિશુદ્ધ થઈ
ગયેલો દેખાય છે, શાંતિ જેવાં સદ્
ગુણોથી ભરેલો દેખાય છે, ને તેનું મન પરમાત્માના રંગે રંગાયેલું તથા મમતા ને
અહંતાથી રહિત બને છે. ઊંઘમાંથી ઊઠેલા માણસમાં આવા સ્વાભાવિક કે માનસિક ફેરફારો
જોવા મળતા નથી. ઊંઘમાં શ્વાસોચ્છ્
વાસ ચાલુ રહે છે પણ સમાધિમાં શ્વાસોચ્છ્
વાસની ગતિ બંધ પડી જાય છે ને કેટલીક ઊંચી સમાધિમાં તો નાડી તેમજ હૃદયના ધબકારા
પણ બંધ થયેલા દેખાય છે. આ પ્રમાણે ઊંઘ ને સમાધિ એક નથી.
કેટલાક માણસો આવેશમાં આવીને પડી જાય છે, તો કોઈ કીર્તન કે કથા કરતાં ઢળી પડે
છે. તેમને સમાધિ થઈ એમ કહેવામાં આવે છે પણ તે સમાધિ નથી. વધારે ભાગના લોકો તો
આવેશ અથવા સમાધિના નામે ઢોંગ જ કરતા હોય છે. પણ જે માણસો આવેશમાં આવીને ખરેખર
શરીરનું ભાન ભૂલીને પડી જાય છે, તેમને સમાધિ થઈ એમ કહી શકાય નહિ. સમાધિ થાય
ત્યારે માણસ નીચે પડી જતો નથી પરંતુ જે દશામાં સમાધિ થતી વખતે હોય તે દશામાં જ
રહે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસદેવને કેટલીકવાર ઊભા ઊભા સમાધિ થતી. તે વખતે
તેમનું શરીર જે દશામાં તે ઊભા હોય તે જ દશામાં રહેતું,
નીચે પડતું
નહિ.
એટલે જો શરીર નીચે પડે તો તે દશાને સમાધિ નહિ પણ ભાવાવેશની દશા કહેવી જોઈએ.
પરમાત્માનું દર્શન કરી ચૂકેલો પુરૂષ સમદર્શી બની જાય છે. સમાધિમાં જેણે
આત્મદર્શન કરી લીધું ને પરમશાંતિ મેળવી લીધી, તે પુરૂષ સમદૃષ્ટિવાળો
થઈ જાય છે. સંસાર વિષમ એટલે ભેદભાવવાળો છે. તેમાં જુદા જુદા ગુણધર્મ ને
રૂપરંગના અનેક પદાર્થો રહેલા છે. તેમાં રહેલા માણસોની
દૃષ્ટિ
પણ વધારે ભાગે વિષમ હોય છે. માણસો કોઈને મિત્ર માને છે ને કોઈને શત્રુ;
કોઈને માઠી નજરથી જુએ છે તો કોઈને કડવી કે તીખી;
કોઈને પોતાનાં માને છે તો કોઈને પરાયા;
કોઈનું દુઃખ જોઈને દ્રવે છે તો કોઈનું દુઃખ દેખીને હસે છે. કોઈના સુખથી સુખી
થાય છે તો કોઈના સુખની ઈર્ષા કરે છે. આવી જાતની વિષમતા દૂર કરીને માણસ સૌને
પ્રેમ કરતો ને સૌને મીઠી નજરથી જોતો થાય ને સૌમાં રહેલા એકમાત્ર પરમાત્માનું
દર્શન કરે, ત્યારે તે સમદર્શી બને છે. સમદર્શી બનવું એટલે સંસારમાં સઘળે
સમાનરૂપે રહેલા પરમાત્માનું દર્શન કરવું ને ભેદભાવથી પર થવું. પરમાત્માની કૃપા
પામેલા પુરૂષની દશા ઘણી ઉત્તમ હોય છે. રાગદ્વેષથી મુક્ત થઈને તે પરમપ્રેમ ને
આનંદની મૂર્તિ બનીને જીવી રહે છે. સૌમાં પ્રભુનું દર્શન કરવાથી તેને કોઈનો ભય
રહેતો નથી કે કોઈ સાથે વેર થતું નથી. જ્યારે બધે પ્રભુ જ વિરાજી રહ્યા છે,
ત્યારે કોનો ભય ને કોની સાથે વેર
?
પ્રહ્
લાદનું જીવન સમદર્શીપણાનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે. પ્રહ્
લાદને બધે પ્રભુનું દર્શન થતું હતું. તેલની ઉકળતી કઢાઈમાં ને ધગધગતા સ્થંભમાં
પણ તેણે પ્રભુને જોયા, પરિણામે પ્રભુએ તેની રક્ષા કરી ને તેનો વાળ પણ વાંકો ના
થયો.
સંસારમાં વ્યવહારની વચ્ચે રહીને પણ સૌએ સમદર્શી થવાની કોશીશ કરવાની છે. અંદર
અંદરની ફાટફૂટ ને ઈર્ષા દૂર કરવાની છે. અંદર અંદરના કુસંપને કાઢી નાખવાનો છે,
ને બધામાં પ્રભુની સત્તાની ઝાંખી કરવાની ટેવ પાડવાની છે. માણસ બધામાં પ્રભુને
જોતા શીખશે તો પછી કોનાથી મોહાશે, કોનાથી લોભાશે, કોનાથી ડરશે ને કોની સાથે
શત્રુતા કરશે ?
કામ, ક્રોધ ને લાભ તથા ભય તો પછી આપોઆપ પલાયન થઈ જશે. માટે જીવનનો સાચો આનંદ
લેવો હોય તો સમદર્શી થવાની ટેવ પાડો. આ રામબાણ ઉપાય છે. પરમાનંદની પ્રાપ્તિને
માટે આ અકસીર ઈલાજ છે. તેની અજમાયશ કરો. વહેલામાં વહેલી તકે અજમાયશ કરો તો જીવન
સુખી ને સફળ બની જશે. મિત્ર ને શત્રુના ભેદ ભૂંસી નાખો, મોટા ને નાના તથા ઉચ્ચ
ને નીચના મિથ્યા ભેદ મિટાવી દો. સૌને સુખી કરવા કોશીશ
કરો.
બે વાત યાદ રાખો : એક તો એ કે મને
દુઃખ થાય છે તેમ સૌને થાય છે. માટે કોઈપણ જીવને દુઃખી કરવાનું કામ ના કરવું.
કોઈનું દુઃખ દેખીને રાજી ના થવું ને બનતાં સુધી મૂઢ બનીને બેસી ના રહેવું પણ
સૌના દુઃખને દૂર કરવા બનતો પ્રયાસ કરવો. બીજી યાદ રાખવાની વાત એ છે કે મને જેમ
સુખની ઈચ્છા છે તેમ સૌનેય છે, ને મારી જેમ સૌને સુખ
સારું
લાગે છે. આ વાત યાદ રાખીને મન વચન ને વર્તન દ્વારા સૌને સુખી કરવા પ્રયાસ કરવો.
જો બધાં માણસો આમ કરવા મંડી જાય તો સમાજ, ગામ, શહેર, દેશ ને દુનિયાનો
દેખાવ ફરી જાય;
વેરઝેર, વિખવાદ ને કડવાશ દૂર થઈ જાય, ને પ્રેમ, સંપ ને સહકારની પાવન ગંગા
પૃથ્વીના પટ પર કાયમને માટે કિલ્લોલ કરતી વહેવા માંડે. અઢળક માલ ને જાનની
ખુવારી કરતા ભયંકર યુદ્ધો પણ શમી જાય, ને માનવજાતિ ખરેખર શાંતિસંપન્ન ને સુખી
થાય. અરે, થોડાક માણસો પણ આ ઉત્તમ સંદેશને જીવનમાં ઉતારે તો પણ સંસારનું ખૂબ જ
મંગલ થાય એમાં સંદેહ નથી માટે સમદર્શી થવાનો પ્રયાસ કરો.
દૃષ્ટિમાં
પ્રેમનું અંજન આંજીને બધે પ્રેમમય પ્રભુની ઝાંખી કરવાનો પ્રયાસ કરો ને જીવનનો
સાચો આનંદ પ્રાપ્ત કરો.
પ્રેમ કે ભક્તિ અથવા જ્ઞાનની ગંગાને હૃદયને આંગણે ઉતારો એટલે બધે મંગલતાનું
દર્શન થશે. ગંગા, હિમાલય, સાગરનાં ઉછાળા મારતા તરંગ, બગીચાનાં ફોરમવંતા ફૂલ ને
વૃક્ષ તથા પત્થર ને રસ્તાની રજમાં પણ પરમાત્માનો પ્રકાશ દેખાશે;
સુંદર ને અસુંદર ને મંગલ ને અમંગલ બધામાં પ્રભુની ઝાંખી જણાશે;
ને બધી દશામાં ને બધે સ્થળે આનંદ આનંદ થઈ રહેશે.

----------------------------------------------------------------------------
(શ્રી
યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
|