Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

માયાને તરવાનો ઉપાય

 

 

જેના હૃદયમાં ભગવાનની ભક્તિ છે તેને માટે માયાનો ભય રહેતો નથી.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

માયાને વશ કરવાનું કે તરવાનું કામ કઠિન હોય તો માણસે શું હતાશ બનીને બેસી રહેવું ? શું માણસે નિરાશ થઈ જવું ? કદાપિ નહિ. ભગવાનના કહેવાનો અર્થ એવો નથી. ભગવાન તો માયાને તરવી મુશ્કેલ છે એમ કહે છે. જેથી આપણે સાવધાન થઈએ ને માયાને તરવાના કામમા બધી શક્તિને કામે લગાડીએ. માણસે સંસારમાં મુશ્કેલ લાગતાં કેટલાંય કામ કર્યા છે. સંસારના જીવો ને પદાર્થોને વશ કર્યા છે. તેવો માણસ માયાને વશ ના કરી શકે એમ બને જ નહિ. એટલે કોઈયે સંજોગોમાં તેણે નિરાશ થવાની જરૂર નથી. રણમાં લડવા નીકળતી વખતે જ શત્રુની શૂરવીરતાની વાતો સાંભળીને જેના પગ ઢીલા પડી જાય છે, ને જેના શરીરમાં કંપ તથા હૈયામાં ફફડાટ થાય છે, તેવો યોદ્ધો રણમાં જઈને શત્રુની સામે કેવી રીતે લડી શકશે ને વિજય પણ કેવી રીતે મેળવી શકશે ? માટે શરીરમાં કંપ ને હૈયામાં ફફડાટ લાવવાની જરા પણ જરૂર નથી. હિંમત રાખો, ઉત્સાહ ધરો ને વીર બની વિજય મેળવવાનો માર્ગ શોધી કાઢો. તો જરૂર ફત્તેહ થશે.

રામાયણમાં સંત તુલસીદાસે લખ્યું છે કે : માયા ને ભક્તિ બંને નારી જાતિ છે. તે બંનેમાં ભગવાન રામને ભક્તિ ખૂબ વહાલી છે. માયા તો તેમની સામે ને તેમની આંખને ઈશારે નાચતી નર્તકી છે. ભક્તિ તેમની પ્રિયતમા હોવાથી સ્વાભાવિક રીતે જ તેની પર તેમની કૃપા છે. કહો કે ભગવાન ભક્તિને વશ છે ને ભક્તિની અનુકૂળતા સાચવે છે, તેથી માયા તેનાથી ડરે છે. રખેને ભક્તિનું કાંઈ અહિત થાય ને ભગવાનનો ખોફ વહોરવો પડે એવા વિચારથી તેને સદા ભય લાગે છે. જેના હૃદયમાં ભગવાનની અપાર ને અનન્ય ભક્તિ જાગી ઊઠે છે. તેને જોઈને માયાને સંકોચ થાય છે. ભગવાનના તેવા પરમ ભક્તની પાસે માયાનું જોર જરા પણ ચાલતું નથી. એટલા માટે જે મુનિ છે તે પરમ જ્ઞાની છે, તે સર્વ પ્રકારના સુખના ભંડાર જેવી ભક્તિની માંગણી કરે છે. ભગવાનનું આ રહસ્ય વધારે ભાગે કોઈના જાણવામાં આવતું નથી. ભગવાનની કૃપા વિના તે જણાતું નથી ને જે જાણી લે છે, તેને સ્વપ્ને પણ મોહ થતો નથી. માયાના પ્રભાવથી તે પર થઈ જાય છે.

એટલે કે ભક્તિનો આશ્રય લેવાથી માયાનું જોર ઢીલું પડી જાય છે. જેના હૃદયમાં ભગવાનની  ભક્તિ છે તેને માટે માયાનો ભય રહેતો નથી. તુલસીદાસજી ફરી લખે છે કે, ભગવાનની ભક્તિ તો ચિંતામણી છે. જેના અંતરમાં તે વસી જાય છે તેના અંતરમાં સદાને માટે પ્રકાશ છવાઈ જાય છે. પ્રકાશને માટે તેને પછી દીપક, દીવેટ કે ઘીની જરૂર પડતી નથી. તેવા માણસની પાસે મોહ ફરકી શકતો નથી, લોભની વાત તેને ગમતી નથી. તેના અંતરમાંથી અજ્ઞાનનો અંધકાર મટી જાય છે, ને બીજી તૃષ્ણાઓ ટળી જાય છે. કામ, ક્રોધ ને લોભ જેવા લૂંટારા તેની પાસે જતા નથી. જેના હૃદયમાં ભક્તિ જાગી જાય છે, તેને માટે વિષ અમૃતમય ને દુશ્મન હિત કરનારો મિત્ર થઈ જાય છે. બધા જ જીવો જેના હુમલાને લીધે દુઃખી થાય છે, તે માનસરોગ તેને થતો નથી. ભગવાનની ભક્તિનો મણિ જેના દિલમાં વસી જાય છે તેને સ્વપ્ને પણ દુઃખ પડતું નથી. ભક્તિનો મણિ તેના હાથમાં આવી જાય છે તે સંસારમાં સૌથી ચતુર છે.

માટે માયાને તરવા માટે હૃદયમાં ભક્તિ જગાવી દો. પ્રભુના પ્રેમને પ્રકટ કરી દો. પ્રભુના પ્રેમના પ્રકાશ પાસે માયાનો અંધકાર એક ક્ષણ પણ ટકી નહિ શકે. ભગવાનની ભક્તિ કરનારે માયાથી ડરવાની જરૂર નથી.

થોડા વખત પહેલાં અમે કાશ્મીરમાં આવેલા પ્રસિદ્ધ ધામ અમરનાથના દર્શને ગયા હતા. અમરનાથની યાત્રા ઘણી વિકટ છે. પર્વતના ચડાઈ ઉતરાઈના રસ્તા ઘણા ભયંકર છે. અમરનાથની યાત્રાનો લગભગ ત્રીસ માઈલનો છેલ્લો રસ્તો અમે ઘોડા પર બેસીને કાપ્યો હતો. ઘોડા પર મુસાફરી કરવાનું કામ પણ સહેલું ન હતું. ઘોડા પર બેઠેલા કેટલાક માણસોને પડી જવાની બીક લાગતી. વધારે ભાગે તો ઘોડા એકલા ચાલતા. પણ રસ્તો વધારે ભયંકર હોય, ત્યારે ઘોડા પર બેઠેલા માણસો ગભરાતા ને ઘોડાવાળાને બોલાવતા. ઘોડાવાળા દોડી આવતા ને ઘોડાની લગામ પકડતા ને પછી તે ઘોડાને ધીરે ધીરે દોરતા. એટલે બેઠેલા માણસોને સલામતી લાગતી. જીવનનો માર્ગ તેથીયે વધારે અટપટો છે. તે માર્ગે ચાલનારે ઘણી સાવધાની રાખવી પડે છે. માણસ જો પોતાની લગામ ભગવાનના હાથમાં સોંપી દે, તો જીવનના ભયસ્થાનો તેનો વાળ પણ વાંકો ના કરી શકે, ને માયા પણ તેને ડરાવી કે ભરમાવી ના શકે. એટલે જીવનનું મંગલ ચાહનાર માણસને આપણે કહીએ છીએ કે તમારા ઘોડાની લગામ ભગવાનના હાથમાં સોંપી દો. તમારા મનને ભગવાનનું કરી દો. ભગવાનનું શરણ લો. ભગવાનની પ્રાર્થના કરો ને ભગવાનની મદદ માંગો. ભગવાનની કૃપાથી તમારી જીવનયાત્રા સફળ થશે. ભગવાનની માયામાંથી મુક્તિ મળશે. માયાને વશ કરવા માટે માયાનો વિરોધ કે સામનો કરવાનું છોડી દો. માયા ભગવાનની છે, તમે ભગવાનનું શરણ લો, ભગવાન સાથે પ્રીતિ કરો એટલે ભગવાન પોતે માયાને દૂર કરી દેશે. આ જ એક અકસીર માર્ગ છે.

ભગવાન કહે છે કે હે અર્જુન, સાચું છે કે મારી માયા ભયંકર છે. તેને તરવાનું ને વશ કરવાનું કામ કપરૂં છે. પણ તે તો કાયર માણસોને માટે. જે મને ભૂલી ગયા છે, મારાથી દૂર છે, ને સંસારના રંગરાગમાં ડૂબેલા છે, તેવા માણસો પણ માયાને પાર કરીને પરમ શાંતિની પ્રાપ્તિ કરી લે છે.    Shri Yogeshwarji

----------------------------------------------------------------------------

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer