Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સારા અને નરસા માણસો વિશે

 

 

માણસ બહારથી જોતાં ગમે તેવા વાતાવરણમાં રહે તે વસ્તુ બહુ મહત્વની નથી. મહત્વની વાત તો એ છે કે તે ભગવાનને ભૂલે છે કે નહીં અથવા તો પોતાની જાતના વિકાસથી વિમુખ થાય છે કે નહીં. તેના પરથી જ તે માયામાં પડ્યો છે કે કેમ તે નક્કી થાય છે.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

કેટલાક માણસોને સ્ત્રીસંતાન, સગાંસ્નેહી ને ઘર તરફ નફરત હોઈ તેમાં રસ લેતાં માણસોને તે માયામાં પડેલાં માને છે. એકાંતમાં રહેનારા સાધુપુરૂષો પણ જો કોઈ નાનીમોટી પ્રવૃત્તિ કરે, તો તે માયામાં પડી ગયા એમ કહેવામાં આવે છે, પણ તે પ્રમાણે કહેવું ને માનવું બરાબર નથી. સ્ત્રીસંતાન ને સગાંસ્નેહીની વચ્ચે રહેવાથી કોઈ માયામાં પડી જતું નથી. ઘરમાં રહેવાથી ને પ્રવૃત્તિ કરવાથી પણ કોઈ માયામાં પડી જતું નથી. માયાનું સ્વરૂપ તો જુદું છે. માણસ બહારથી જોતાં ગમે તેવા વાતાવરણમાં રહે તે વસ્તુ બહુ મહત્વની નથી. મહત્વની વાત તો એ છે કે તે ભગવાનને ભૂલે છે કે નહીં અથવા તો પોતાની જાતના વિકાસથી વિમુખ થાય છે કે નહીં. તેના પરથી જ તે માયામાં પડ્યો છે કે કેમ તે નક્કી થાય છે. જે ભગવાનને ભૂલી જાય છે અથવા પોતાની અંદર રહેલા પરમાત્માને ઓળખવાનો પ્રયાસ કરતા નથી, તે માયામાં ડૂબેલા છે. તે ઉપરાંત જે અહંકાર, મમતા, સ્વાર્થખોરી ને રાગદ્વેષમાં રમી રહ્યા છે, તે પણ માયાના શિકાર થયેલા છે. તેવા માણસો માનવતા વિહોણા બને છે. તેમનામાં માણસાઈ મરી પરવારે છે. તે નરાધમ કહેવાય છે. અહંકાર ને અજ્ઞાનમાં ડૂબીને તે સંસારમાં રાક્ષસના જેવાં કર્મો કરે છે, ને મૂઢ થઈને ફરે છે. દુષ્ટ કર્મો કરનારા તે માણસો સંસારમાં ત્રાસ ફેલાવે છે ને પોતાને તથા બીજાને નુકશાન કરે છે. માયાના દાસ બનેલા તે માણસો ભગવાનનું શરણ લેતા નથી ને ભગવાનની પ્રાપ્તિ કરી શકતાં નથી.

પરંતુ તેમનાથી ઊલટી પ્રકૃતિનાં માણસો પણ સંસારમાં છે, પછી ભલે તેમની સંખ્યા ઘણી થોડી હોય. તેવા માણસો સારાં કર્મો કરવામાં ને બીજાને મદદ કરી સુખ પહોંચાડવામાં સદા સુખ સમજે છે. દ્વેષ ને નિંદાની સાથે તેમણે છુટાછોડા લીધા છે, ને અજ્ઞાનની સાથે તેમને બનતું નથી. માખણ પોતે શીતળ છે, પણ તેને અગ્નિ પર મૂકવાથી લાકડાનો તાપ પામીને તે દ્રવી જાય છે ને ગરમ થાય છે. તે પ્રમાણે સજ્જનો હોય છે. શીતળ સ્વભાવના પણ પારકાનું દુઃખ જોઈને દ્રવી જાય છે ને વેદનાનો અનુભવ કરે છે. બીજાના દુઃખને દૂર કરવા માટે તે બનતો પ્રયાસ કરે છે. બીજાના સુખથી તે સુખી થાય છે. સંસારના સઘળા જીવો સુખી થાય એવી તેમની કામના હોય છે. તે પોતે દુઃખ ભોગવે છે, પણ બીજાને સુખ આપવા માટે સદા તૈયાર રહે છે. ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ વાતાવરણમાં પણ તે ભગવાનને ભૂલતાં નથી. સત્ય, પ્રેમ ને દયા જેવા સદ્ ગુણોને મૂકતાં નથી, ને મોહ, માયા, મમતા ને અહંકારને ઝૂલે ઝૂલતાં નથી. પરમાત્માને ઓળખવા માટે તે સદાય પુરૂષાર્થ કરે છે. સંસારમાં જ્યાં વસે ત્યાં આંખ ઉઘાડી રાખી ડગલે ને પગલે સાવધ રહીને ચાલે છે. એવા માણસો બધાની વચ્ચે રહે તો પણ કશામાં ફસાતા નથી, ને કશામાં લેપાતા નથી. સંસાર ને તેમાં મળેલું શરીર એક વિશાળ ધર્મશાળા ને તેની અંદરની નાનકડી ઓરડી જેવું છે. તેની અંદર મમતા કર્યા વિના તેમની મદદથી પરમાત્માને ઓળખી લેવા ને પરમશાંતિ, મુક્તિ ને પૂર્ણતા મેળવી લેવી, એ જ કામ કરવા જેવું છે, ને વહેલામાં વહેલી તકે કરવા જેવું છે. એ લેખ તેમના દિલમાં લખાઈ ચુક્યો હોય છે. તેવા માણસોનું જીવન ધન્ય છે. સંસારમાં પ્રકટ થઈને તેમણે પોતાના માતાપિતાને મહિમાવાળાં ને પાવન કર્યાં, ને પોતાનું કુળ ઉજાળ્યું. તેવા પુણ્યશાળી પુરૂષો જ ભગવાનનું શરણ લે છે, ને ભગવાનની ભક્તિ કરે છે.     Shri Yogeshwarji

----------------------------------------------------------------------------

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer