Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

મારી પાસે આવનારા જુદા જુદા માણસો

 

 

એમ નથી કે સારાં કર્મ કરે છે, તે જ ભગવાનને ભજે છે. ખરાબ કર્મો કરનાર માણસો પણ ભગવાનને ભજે છે.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

એનો અર્થ એમ નથી કે સારાં કર્મ કરે છે, તે જ ભગવાનને ભજે છે. ખરાબ કર્મો કરનાર માણસો પણ ભગવાનને ભજે છે. પણ ભગવાનની ભક્તિના પ્રભાવથી ખરાબ કર્મ કરનાર પણ સુધરી જાય છે, ને તે સારાં કર્મો કરે છે. વધારે ભાગે આવું બને છે. તે વાત જવા દઈએ તો પણ એટલી વાત તો જરૂર કહી શકાય કે ભગવાનને ભજનારા માણસો એક જાતના નથી હોતા. એ વાત સમજવા માટે એક બીજી વાત કરીએ.

જે માણસો સંતમહાત્માના દર્શને જાય છે તે કેટલાંય જુદા જુદા હેતુથી જાય છે. મારી પાસે કેટલાંય જુદા જુદા માણસો આવે છે. એક માણસે મારી પાસે આવીને કહ્યું કે મારી સ્ત્રી ખૂબ બિમાર છે. કૃપા કરીને તેને આશીર્વાદ આપો તો બિમારી ટળી જાય. બીજાએ કહ્યું : મારી સ્ત્રી સાથે મારે બિલકુલ બનતું નથી તો કોઈ કીમિયો બતાવો કે જેથી સ્ત્રી વશ થઈ જાય ને અનુકુળ બની જાય. એકવાર એક બીજા માણસે આવીને કહ્યું કે કેટલાક વખતથી મને ગ્રહદશા નડી રહી છે. આશિષ આપો તો દશા ફરી જાય. બીજા એક ભાઈએ કહ્યું; ઘરમાં ભૂત હોય એમ લાગે છે. અમે તેમાં રહેવા જઈએ છીએ તો બિમાર જ પડીએ છીએ. કોઈ ઉપાય કરો કે ભૂત ભાગી જાય. કોઈ માણસો ધન માટે આશીર્વાદ માગે, કોઈ સંતાનની ઈચ્છાથી આવે, તો કોઈ ધંધાની ઉન્નતિ માટે આવે. મારે તેમને કહેવું પડે કે ભાઈઓ, મારી પાસે કોઈ કીમિયો નથી. આશિષ આપવાની શક્તિ પણ નથી. હું તો બાળક છું. પ્રભુનું શરણ લો ને પ્રભુની મદદ માંગો તો દશા સુધરી જશે, ને બધી રીતે આનંદ થશે. પ્રભુ બહુ દયાળુ છે. તેને પોકારો તો તે દયા જરૂર કરશે.

કેટલાક માણસો જુદી જુદી જાતના હોય છે. તેમને મારા વિશે માહિતી મેળવવાનું થાય એટલે મારી પાસે આવે છે ને મારા જીવન વિશે, મારા વસવાટ વિશે ને મારા જીવનના ધ્યેય વિશે પ્રશ્નો પૂછે છે. બીજા કેટલાક કુતૂહલવૃત્તિથી પણ આવે છે કે ચાલો, જરા જોઈએ તો ખરા કે મહાત્મા કેવા છે ! તે લોકો પોતાની જિજ્ઞાસા પૂરી કરીને ચાલવા માંડે છે. કોઈ દુઃખના માર્યા પણ આવે છે. સંસારના કડવા અનુભવોથી તેમનું અંતર ઉકળી ઊઠ્યું હોય છે. ક્લેશ ને તાપથી તે તપી ગયા હોય છે ને વિપત્તિથી મૂંઝાયા હોય છે. એવા માણસો પણ શાંતિ મેળવવા માટે આવે છે. પ્રેમના બે મીઠા મધુર બોલ સાંભળવાની ઈચ્છાથી તે પણ આવે છે. તે પણ વત્તીઓછી શાંતિ મેળવીને પાછા જાય છે.

આ ઉપરાંત એક બીજી જાતના માણસો પણ મારી પાસે આવે છે તે માણસો વિવેકી છે ને સમજે છે કે સંતોની પાસે જવાથી શાંતિ મળે છે. તેમને પૂછો કે મહાત્માના દર્શન માટે શા માટે જાવ છો ? તો તે તરત કહેશે કે મહાત્માના દર્શન ના જઈએ તે બને જ કેમ ? એમના દર્શન માટે જવું એ તો અમારો સ્વભાવ છે. માછલીને પૂછો કે તું પાણીમાં શા માટે રહે છે, તો તે શું કહેશે ? ને સૂરજનો પ્રકાશ પામીને ખીલી ઊઠતા કમળને પૂછો કે કમળ, તું કેમ ખીલી ઊઠે છે, તો તે શું જવાબ આપશે ? હજારો સ્ત્રીઓના ટોળામાં એક નાના શિશુને છૂટું મૂકી દો તો તે શું કરશે ? એકેક સ્ત્રીની પાસેથી પસાર થતાં થતાં તે છેવટે પોતાની માતાની પાસે પહોંચી જશે ને તેની ગોદમાં બેસી જશે. હવે તમે તે શિશુને પૂછો કે બીજી બધી સ્ત્રીઓને મૂકી દઈને માતાની પાસે જ તું કેમ ગયું, તો તે શું કહેશે ? તે પ્રમાણે સંતોના દર્શન માટે અમે કેમ જઈએ છીએ તે કેવી રીતે કહી શકીએ ? પ્રભુ ને તેમના પ્રેમી સંતોની પાસે ના જઈએ તો બીજે ક્યાં જઈએ ? તેમની પાસે જવાથી અમને શાંતિ મળે છે. તેમના સમાગમમાં અમને સ્વર્ગથી પણ વધારે સુખ લાગે છે. સર્વ પ્રકારના યજ્ઞો ને તીર્થોનું ફલ અમને તેમના દર્શન ને સંગમાં સાકાર થતું લાગે છે. તેમની પાસે ગયા વિના અમને આરામ મળે જ કેમ, ને ચેન પણ કેમ પડે ? સંતસમાગમ કરવો એ તો અમારો સ્વભાવ છે.    Shri Yogeshwarji

----------------------------------------------------------------------------

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer