Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ચાર જાતના ભક્તો : જ્ઞાની ભક્ત

 

 

સંસારમાં જે સુંદરતા, પ્રકાશ, જ્ઞાન ને મધુરતા દેખાય છે તે પરમાત્માના પડછાયા જેવી છે. પરમાત્માની સુંદરતા ને મધુરતા એથી અનેકગણી વધારે છે


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

ખરેખર આ માણસોનો સ્વભાવ જ એવો હોય છે કે સંત કે મહાપુરૂષોના સમાગમ વિના તેમને ચેન પડતું જ નથી. કોઈ પણ જાતના લૌકિક લાભની ઈચ્છા વિના તે મહાપુરૂષોનો સંગ કરે છે. એટલા માટે કે તે વિના તે રહી શકતા જ નથી. એ પ્રમાણે ગીતામાતા કહે છે કે ભગવાનને ભજનારા ભક્તો પણ ચાર જાતના હોય છે. (૧) આર્ત (૨) જિજ્ઞાસુ (૩) અર્થાર્થી અથવા કામનાવાળા ને (૪) જ્ઞાની.

જ્ઞાની ભક્તો સંતોની પાસે જનારા છેલ્લી જાતના વિવેકી પુરૂષો જેવા જ હોય છે. ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું સ્મરણમનન ને સંકીર્તન કરવું ને ભગવાનને પ્રેમ કરવો એ તેમનો સ્વભાવ જ હોય છે. તે વિના તે રહી શકતા જ નથી. શ્વાસ લેવા ને છોડવાની જેમ ભગવાનને યાદ કરવાનું ને ભજવાનું કામ તેમને માટે સહજ બની ગયું હોય છે.  ભગવાનને પ્રેમ કરવાનો તેમનો સ્વભાવ કુદરતી થઈ ગયો હોય છે. ભગવાનની ભક્તિ કરીને બીજી કોઈયે કામના પૂરી કરવાની તેમને તૃષ્ણા નથી. તમે તેમને પૂછો કે ભગવાનને શા માટે ભજો છો તો તે જવાબ દેશે કે શા માટે ભજો છો એ કોઈ પ્રશ્ન છે ? પતિવ્રતા સ્ત્રીને પૂછવામાં આવે કે તું તારા પતિમાં પ્રેમ ને શ્રદ્ધા શા માટે રાખે છે, તો તે શું કહેશે ? પોતાના પતિમાં તે નિષ્ઠા નહિ રાખે તો બીજા કોનામાં રાખશે ? પતિ પર પ્રેમ રાખવો એ તેને માટે સ્વાભાવિક વસ્તુ છે. બે મિત્રોને પણ પરસ્પર પુષ્કળ પ્રેમ હોય છે. તેમના પ્રેમ માટે તેમની પાસે ખુલાસો માગો તો તે પણ શું કહેશે ? તે કહેશે કે પ્રેમ કરવાનું કામ અમારે માટે સ્વાભાવિક છે. તે પ્રમાણે ભગવાન સૌના સ્વામી, પ્રાણ ને સખા છે. તેમને પ્રેમ ન કરીએ તો બીજા કોને કરીએ ? તેમને પ્રેમ કરવા ને ભજવા માટે તો આ જીવન છે. જીવનની બધી શક્તિ એટલા જ માટે છે. તેમને યાદ કરવામાં ને ભજવામાં અનંત સુખ રહેલું છે. તેમને ભજ્યા વિના અમારાથી રહેવાતું જ નથી.

સંસારના બધા જ પદાર્થો વિનાશી છે. તે માણસને પરમ સુખ આપી શકતા નથી, ને અમરતા આપવાની પણ તેમની શક્તિ નથી. સંસારમાં જે સુંદરતા, પ્રકાશ, જ્ઞાન ને મધુરતા દેખાય છે તે પરમાત્માના પડછાયા જેવી છે. પરમાત્માની સુંદરતા ને મધુરતા એથી અનેકગણી વધારે છે ને પરમાત્માનું બલ, જ્ઞાન ને તેજ પણ તેથી ચઢિયાતું છે. પરમાત્માની પ્રાપ્તિથી જ માણસ મુક્તિ મેળવે છે. બંધન, અલ્પતા, અશાંતિ ને દુઃખમાંથી મુક્તિ મેળવવાનો બીજો કોઈ જ માર્ગ નથી. એ પ્રમાણે સમજી લેનાર માણસ પરમાત્માને મૂકી દઈને સંસારના બીજા વિષયોમાં કદી પણ ડૂબી જશે કે ?

પ્રભુના રૂપ, ગુણ, નામ ને આકર્ષણનો મહિમા જ એવો અજબ છે. ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી વાગતી એટલે ગોપી નશામાં આવી જતી. જમનાજીનાં નીર પણ પ્રેમની અસરથી થંભી જતા, પંખી વૃક્ષ ને વેલી આનંદમાં આવતાં, ગાયો પણ સ્તબ્ધ થઈને સમાધિદશાનો અનુભવ કરતી ઊભી રહેતી, ને જડચેતનમાં બધે મોહિની ફરી વળતી. ભગવાનનો સંદેશ ને પ્રેમ એવો ભારે છે પ્રેમની મૂર્તિ જેવા પ્રભુ માનવની અંદર ને બહાર બધેથી પોતાનો સંદેશો સંભળાવી રહ્યા છે. બધેથી પોતાનો પ્રેમ રેલી રહ્યા છે. જેને કાન છે તે સાંભળે છે, ને અંતર છે તે અનુભવે છે. તેને સાંભળીને, અનુભવીને, મુગ્ધ થયા વિના કોણ રહી શકે ? એવો પથ્થર હૃદયનો માણસ કોણ હોય જે ભગવાનના પરમપ્રેમની અસર નીચે ના આવે ?

પ્રભુના વિના રહી જ ના શકાય એટલી હદે આપણા પ્રેમને વધારવાનો છે. સંસારના વિષયોમાંથી મનને પાછું વાળી, પ્રભુના સ્વરૂપમાં લગાડી દેવાનું છે. આંખ ને અંતરમાં પ્રભુને માટે આતુરતા જગાવવાની છે, ને પ્રભુના જ સ્મરણ-મનનમાં મસ્ત બનવાનું છે. જીવન ઘણું ટૂંકું છે, ને કરવાનું કામ મોટું, લાંબુ ને કપરૂં છે. માટે પ્રમાદ ના કરશો, સમયને નકામો ના ગુમાવશો. દરેક ક્ષણનો હિસાબ રાખજો ને બરાબર ઉપયોગ કરજો. તો જ ધારેલું કામ કરી શકશો ને કૃતાર્થ બનશો. આ ચાલુ જીવનમાં જ પ્રભુનું દર્શન કરી લો ને જે મેળવવું હોય તે મેળવી લો. આવું ઉત્તમ કામ કરી લો. નિશ્ચય કરો ને કામમાં લાગી જાવ તો જરૂર સફળ થશો.   Shri Yogeshwarji

----------------------------------------------------------------------------

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer