|
આ પછી જિજ્ઞાસુ ભક્તનો વારો આવે છે. જિજ્ઞાસુ ભક્ત કેવો હોય છે તે જાણો છો
?
ભગવાન ને ભગવાનની સૃષ્ટિના સંબંધમાં વધારે ને વધારે જ્ઞાન મેળવવામાં તેને આનંદ
આવે છે. તે માટે શાસ્ત્રોને ઉથલાવે છે, સંતો તથા વિદ્વાનોની પાસે જાય છે, ને
વધારે ને વધારે જ્ઞાન મેળવે છે. તીર્થોમાં ફરીને પણ તે ભગવાનના રૂપ ને ગુણની
તથા ભગવાનની શક્તિની માહિતી મેળવતાં ધરાતો જ નથી. એ માહિતી મેળવવાથી છેવટે તેના
દિલમાં શ્રદ્ધા જાગે છે ને તે ભગવાનનો પ્રેમી બની જાય છે. ભગવાનનું દર્શન કરીને
પણ ભગવાન વિશે વધારે ને વધારે માહિતી મેળવવામાં જ તેને આનંદ આવે છે. આવા
ભક્તોને કેવલ પંડિત કે પોથીપરાયણ ના સમજતા. પંડિત કે પોથીના પૂજારી કરતાં તેમની
કિંમત વધારે છે. કેમ કે તે પવિત્ર છે, ભક્ત છે, ને ભગવાનની કૃપા મેળવવા માટે
પ્રયાસ કરે છે. કહો કે તે ભગવાનની પરમ કૃપાના ઉમેદવાર છે. તેમનું જ્ઞાન સૂકું
નથી હોતું.
જિજ્ઞાસુ ભક્ત ભગવાનના મહિમાને જાણે છે, ને ભગવાનમાં પ્રેમ જોડે છે.
સુખમાં ને દુઃખમાં,
સારી કે નરસી દશામાં તે ભગવાનને વળગી રહે છે, ને ભગવાનને જ મેળવવાનો નિશ્ચય કરે
છે. તેની શરૂઆતની જિજ્ઞાસા કુતૂહલમાંથી પ્રેમમાં ને છેવટે આસક્તિમાં ફેરવાઈ જાય
છે.
ભગવાનનું જ્ઞાન મેળવીને તેનું મન ભગવાનમાં લાગી જાય છે, ને તેને ભગવાનનું જ
ધ્યાન લાગે છે. પ્રેમ પાકો થાય છે તેમ તેને ભગવાનના વિના ચેન જ પડતું નથી.
ભગવાનને જ વરવાનો નિશ્ચય કરીને તે ભગવાનની પૂજા કે આરાધનામાં લાગી જાય છે.
ભગવાન વિના પોતાના પ્રિયતમ તરીકે તે કોઈનેય પસંદ કરતો નથી. ભગવાનની કૃપા તેને
જરૂર મળી જાય છે. આ વાત સમજાઈને
?
સમજાઈ હોય તો તેને ભૂલશો નહિ ને તમે પણ ભગવાનને વરવા ને ભગવાનના પ્યારા ભક્ત
થવા માટે તૈયાર થજો. બીજી બધી જ વાતોમાંથી મન હટાવી લઈને એક ભગવાનમાં જ તેને
સ્થિર કરજો. પરિણામે તમે ભગવાનનો પ્રેમ જરૂર મેળવશો ને તમારૂં જીવન સફળ, સુખી
ને ધન્ય બનશે. જીવનનો સાચો આનંદ ત્યારે મળી
શકશે.

----------------------------------------------------------------------------
(શ્રી
યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
|