Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

આર્ત ભક્ત

 

 

આર્ત ભક્ત ભગવાનની કૃપા માટે રડે છે ને પ્રાર્થે છે. હૃદયના ઊંડાણમાંથી પોકાર પણ પાડે છે. એ પોકાર એવો જબરો હોય છે, પ્રબળ હોય છે કે ભગવાન તેને સાંભળ્યા વિના ને તેનો ઉત્તર આપ્યા વિના રહી શકતા નથી.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

જ્ઞાની, અર્થાર્થી ને જિજ્ઞાસુ ભક્તની વાત કર્યા પછી હવે આર્ત ભક્તની વાત આવે છે. આર્ત ભક્ત કેવો હોય છે તે જાણો છો ? પોતાનું દુઃખ દૂર થાય તે માટે તે ખૂબ આતુર ને દુઃખી થઈને ભગવાનને ભજે છે. ભગવાનની કૃપા માટે રડે છે ને પ્રાર્થે છે. હૃદયના ઊંડાણમાંથી પોકાર પણ પાડે છે. એ પોકાર એવો જબરો હોય છે, પ્રબળ હોય છે કે ભગવાન તેને સાંભળ્યા વિના ને તેનો ઉત્તર આપ્યા વિના રહી શકતા નથી.

આર્ત ભક્તની પ્રાર્થના કે અરજ સાંભળીને ભગવાન પ્રકટ થાય છે, કૃપા કરે છે, ને તેનાં બધાં દુઃખ દૂર કરે છે. દુઃખમાં ડૂબેલો ને સંકટમાં સપડાયેલો જીવ રૂદન કરતાં ગાઈ ઊઠે છે કે હે પ્રભુ પધારો ! તમારા વિના મારે કોઈ જ આધાર નથી. હે પ્રભુ, મારી રક્ષા કરો. મને દુઃખમાંથી મુક્ત કરો. હવે જરા પણ વાર ન લગાડો. બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હવે જલદી પધારો. સંસારના સઘળા પદાર્થોમાંથી મનને પાછું વાળી લઈને તે ભગવાનની કૃપા માટે આતુર બને છે. ભગવાનની કૃપાનો ભિખારી બને છે. માત તાત સગાં સહોદર જે કહું તે આપ મારે એવી ભાવના અનુભવતાં એક ઈશ્વર પર આધાર રાખીને તે બેસી રહે છે. ચાતક જેમ મેઘના બિંદુ માટે આતુર થઈને બેસે છે, તેમ ભગવાનની કૃપા માટે તે આતુર થાય છે.

જેમ કામના પૂરી થઈ જાય એટલે અર્થાર્થી કે કામનાવાળા ભક્તની ભાવભક્તિ શમી જાય તેવો સંભવ રહે છે, તેમ આર્ત ભક્તનું દુઃખ દૂર થતાં તેની ભક્તિ પણ શાંત થઈ જાય એવું બની શકે છે. તેની સાથે સાથે તેની ભક્તિ વધવાનો કે ચાલુ રહેવાનો સંભવ પણ રહે છે. કેટલીકવાર એવું બને છે કે દુઃખી માણસ ભગવાનને ભજે છે, ને ભગવાનની વધારે ઓછી કૃપા મેળવે છે. પછી તે સુખ આવે તો પણ ભગવાનને ભૂલી શકતા નથી. આમ થાય તે ઈચ્છવા જેવું છે. કેવલ દુઃખમાં નહીં, સુખમાં પણ ભગવાનને યાદ કરવા જોઈએ. દુઃખ પડે છે ત્યારે માણસ ભગવાનને યાદ કરે છે પણ જો સુખમાં તે ભગવાનની યાદ ચાલુ રાખે, ને ભગવાનને ભાવથી ભજે, તો દુઃખ પડવાનો સંભવ જ રહે નહિ.

દ્રૌપદીના વસ્ત્રને ભરસભામાં ખેંચવામાં આવ્યું, ત્યારે પહેલાં તો તેણે પોતાની લાજ રાખવા બને તેટલો પ્રયાસ કર્યો. પણ કાંઈ જ વળ્યું નહિ, ત્યારે છેવટે તેણે ભગવાનને કરૂણ સ્વરે પોકાર કર્યો : હે પ્રભુ, હવે મને ઉગારી લો, દુઃશાસનને હાથે ભરસભામાં મારી લાજ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે તમે મને ઉગારો. મારી લાજ રાખોલજ્જા મોરી રાખો શ્યામ હરિ.

દ્રૌપદીનો પ્રેમપોકાર સાંભળીને ભગવાન કૃપા કરવા દોડી આવ્યા. દ્રૌપદીની સાડી તેમણે અનંત કરી દીધી ને પોતાના પર શ્રદ્ધા રાખનારની લાજ રાખી. એટલે તો કહેવાય છે, આજે પણ ગવાય છે કે :

 ‘દ્રૌપદીકી લાજ રાખી તુમ બઢાયો ચીર.   Shri Yogeshwarji

----------------------------------------------------------------------------

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer