Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

કારથી પરમગતિ મળે છે

 

 

અંતકાળે મારૂં સ્મરણ કરીને શરીર છોડી દો એટલે પરમગતિ નક્કી છે.


- ભગવાન શ્રી કૃષ્ણ

 

<< BACK | INDEX | NEXT >>

       

ઓમ્ કારનો ઉચ્ચાર કરતાં જે શરીર છોડે છે તે પરમ ગતિ મેળવે છે, અથવા તો પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે. ગીતામાતાનો એ સંદેશ છે. શરીર છોડ્યા પછી પરમગતિ કે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે ગીતામાતાએ કેટલો સહેલો ને સીધો ઉપાય બતાવ્યો છે ! મા જેમ બાળકની સંભાળ રાખે છે, ને તેને માટે જુદી જુદી વાનગીઓ બનાવે છે, તેમ ગીતામાતા પોતાના બાળકોની રૂચિ જોઈને તેમના પોષણ માટે જુદી જુદી વાનગીઓ પીરસે છે; જીવનના કલ્યાણનાં નવાં નવાં સાધન બતાવે છે. સાધનાની એક જ પવિત્ર નદી પર ગીતામાતાએ સાધકોની સગવડ સારું જુદા જુદા આરા કે ઘાટ બાંધી દીધા છે. તેમાંના કોઈયે ઘાટ પર પહોંચીને સાધક સાધનાનો આનંદ મેળવી શકે છે, ને પ્રભુની કૃપાના પાણીમાં સ્નાન તથા આચમન કરી શકે છે. અમૃતના ભાગ પાડીને તેને જુદા જુદા પ્યાલામાં ભરવામાં આવે; તેમાંથી કોઈયે પ્યાલાને પી લેવાથી અમૃતમય થઈ જવાય છે, તેમ જીવનના કલ્યાણનો અમૃતરસ ગીતામાતાએ જુદા જુદા પ્યાલામાં ઠાલવી દીધો છે. તે માટેનાં જુદા જુદા સાધન બતાવ્યાં છે. તેમાંથી કોઈ પણ એક કે વધારે સાધનનો આધાર લઈને જીવનનું કલ્યાણ કરી શકાય છે, ને પરમશાંતિ, મુક્તિ ને પરમાત્માને પામી શકાય છે. તેમાંય આ સાધન તો અજબ છે. શરીર છૂટે તે વખતે ઓમ્ કારનું ઉચ્ચારણ કરો એટલે પરમપદ ને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. જીવનના મંગલને માટે કેટલો સહેલો ઉપાય છે ? આટલો સહેલો ઉપાય છે છતાં તમારે તેનો આધાર ના લેવો હોય તો તમે જાણો. પછી ભગવાનનો, સંતનો કે શાસ્ત્રોનો દોષ કાઢશો નહિ. તેમણે તો તમારી જીવનયાત્રાનો સરલ માર્ગ બતાવી દીધો છે, તે પર ચાલવું કે નહિ તે તમારે પસંદ કરવાનું છે.

કોઈ કહેશે કે અમને ઓમ્ કાર પર એટલો પ્રેમ નથી. છતાં પણ અમારે તેનો આધાર લેવો જ જોઈએ ? ઓમ્ કાર વિના શું ગતિ ના થાય ? ભગવાને ઓમ્ કાર પર એટલો બધો ભાર કેમ મૂક્યો છે ? શું આ નકામો પક્ષપાત નથી ? આપણે તેમને જવાબ આપીશું કે ભાઈઓ, ગીતામાં ભગવાને જે સંગીત પીરસ્યું છે, તેની ખૂબી જ એ છે કે તે ઉદાર છે. પક્ષપાત કે સંકુચિતતાનો કડવો સૂર તેમાં એક પણ નથી. ભગવાને ઓમ્ કાર વિષે જે કહ્યું છે તે જ બીજાં નામને લાગુ પડે છે. ભગવાને કહ્યું છે કે અંતકાળે મારૂં સ્મરણ કરીને શરીર છોડી દો એટલે પરમગતિ નક્કી છે. એનો અર્થ એ થયો કે અંતકાળે ભગવાનના નામમાં મન લગાડવું જોઈએ. ને ભગવાનનું કોઈ એક જ નામ થોડું છે ? ઓમ્ કાર સિવાય પણ બીજાં કેટલાંય નામ છે. માટે તો ભગવાનને હજારો નામવાળાसहस्त्रनाम्ने કહીને પ્રાર્થના કરાય છે. એ બધાં જ નામ સરખી શક્તિવાળા છે. તેને અંતરમાં ઉતારો, ને અંતકાળે પણ તેને યાદ કરો. તો પ્રભુની કૃપા નક્કી છે.  Shri Yogeshwarji

----------------------------------------------------------------------------

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer