|
અંતકાળે ભગવાનનું નામ લો તો ઉત્તમ ગતિ જરૂર મળે. ગીતામાતાએ તો સહેલામાં સહેલી
વાત કહી દીધી છે. પણ તેવા ને તેથી પણ સહેલા ઉપાયના કેફમાં તમે ના પડતા. કાંઈ પણ
મહેનત કર્યા વગર, અંતકાળે ભગવાનનું નામ લઈને સહેલાઈથી પ્રભુના ધામમાં પહોંચી
જવાના મનસૂબા ના કરતા. જીવનની છેલ્લી ક્ષણમાં પ્રભુનામના આધારે વૈકુંઠના
વિમાનને ઘેર ઉતારવાની ને તેમાં ચઢી જઈને સીધા વૈકુંઠમાં જવાની આશા ના રાખતા.
ભગવાનના નામમાં ને કામમાં વાલ્મિકી ને શબરીની જેમ એકાકાર બની જજો. તેમના
પ્રેમમાં બને તેટલા વધારે ને વધારે ડૂબી જજો. પ્રભુના પ્રેમરસથી તન, મન ને
અંતરને સારી રીતે રંગી દેજો. પ્રભુની કૃપાના ચાતક બનજો, ને પ્રેમના મહાન યોગી
બની જજો. પ્રેમના પ્રભાવથી તમારૂં રોમરોમ પલટાઈ જશે. તમારા અંતરમાં અનેરો આનંદ
છવાઈ જશે, ને તમારૂં મુખ પવિત્રતા ને શાંતિથી સુશોભિત બનશે. ઈશ્વરના અનન્ય
ચિંતનથી તમારો નવો અવતાર થઈ જશે.
આજની પ્રજા માટે આ સંદેશ ખૂબ જરૂરી છે. આજે પુસ્તકો લાખોની સંખ્યામાં છપાતાં
જાય છે, ને વાંચનારા પણ લાખોની સંખ્યામાં વધતાં જાય છે. વિજ્ઞાનની નવી શોધો થતી
જાય છે, ને બહારના સુખની ઈચ્છા માણસના દિલમાં વધતી જાય છે. નવી નવી સંસ્થાઓ ને
પ્રવૃત્તિઓ શરૂ થાય છે પણ માણસ હજી ખાસ આગળ વધ્યો નથી. તે તો જ્યાં હતો ત્યાંનો
ત્યાં જ રહ્યો છે. દુર્ગુણ, દૈન્ય, સ્વાર્થ, ભુખમરો, વાસનાઓ ને વિકારો તેને
ઘેરી વળ્યાં છે. સંસારમાં આજે બધે જ અસમાનતા દેખાય છે. ગરીબ ને તવંગર ને મોટા-નાનાના
ભેદભાવ વધતા જાય છે. માણસે હજી જીવનના ધ્યેયને જાણ્યું નથી, ને તેને જાણીને
સિદ્ધ કરવા માટે પુરૂષાર્થ કર્યો નથી. આ દશામાં તેને શાંતિ કેવી રીતે મળી શકે
?
સંસાર પણ શાંતિમય કેવી રીતે થઈ શકે
?
માણસે પોતે શાંતિ મેળવવી હોય ને સંસારને શાંતિમય કરવો હોય તો પોતાની કાયાપલટ
કર્યા વિના ચાલવાનું નથી.
પોતાની ભૂમિકાને બદલીને પોતાનો સુધારો કર્યા વિના ચાલવાનું નથી. પોતાની
દૃષ્ટિ
બદલવાની છે ને બહારના સંસારમાં રસ લેવાની સાથે સાથે પોતાની અંદરના સંસારમાં રસ
લેવાનો છે.
તેણે સાચા માનવ થવાનું છે, ને સાચા માનવ થઈને જીવવાનું છે. એ વિના જીવવાની
શાંતિ, સિદ્ધિ કે સદ્
ગતિ સંભવી શકે તેમ નથી. આ મુદ્દાની વાતને ધ્યાનમાં નહિ લે ત્યાં લગી પોતાના કે
બીજાના ઉદ્ધારના બધા જ પ્રયોગો માણસને હાથે નકામાં જ જવાના, ને બધી જાતના
સુધારાનું ફળ નહીં જેવું જ આવવાનું. 
----------------------------------------------------------------------------
(શ્રી
યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
|