Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

યુગની ચિંતા નકામી છે

 

 

તમારી અંદર પ્રેમ, દયા, સંપ ને સહકાર જગાવી દો, એટલે તમારા જીવનમાં સત્યયુગ પ્રકટ થશે; ને જ્યાં જશો ત્યાં સત્યયુગ તમારી સાથે સાથે આવશે.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

માણસો તો પોતાના બચાવને માટે યુગની વાત પણ રજૂ કરે છે. તેવા કેટલાક માણસો મારી પાસે આવે છે, ને કહે છે કે, આ યુગ જ એવો છે. તેમાં માણસનું મન મેલું જ રહેવાનું ધર્મ, નીતિ ને પ્રભુને માણસ વધારે ભાગે ભૂલી જવાનો તેમને મારે નમ્રતાપૂર્વક કહેવું પડે છે કે વાત ઠીક છે. પણ તમે ધારો તો આ યુગમાં પણ મહાન બની શકો છો. ધર્મનીતિને ભૂલેલા માણસો તો વધારે ઓછી સંખ્યામાં સંસારમાં દરેક વખત થતાં જ રહ્યાં છે. રામ ને કૃષ્ણના વખતમાં પણ રાવણ ને કુંભકર્ણ તથા કંસ, જરાસંઘ ને શિશુપાલ જેવા માણસો શું નહોતા ?

કલિયુગના નામથી બહુ ભડકવાની જરૂર નથી. કલિયુગ ગમે તેવો ખરાબ હોય તો તેનાથી ડરી જઈને હિંમત હારી જવાથી શું વળશે ? કાયરતા છોડો, હિંમત ધારણ કરો, ને ધર્મ કે નીતિમાં મન જોડો, તો કલિયુગ તમારી પાસેથી ખસી જશે. આ ખટપટ, કંકાસ, ભેદભાવ ને કજીયાનો યુગ છે. જ્યાં જુઓ ત્યાં આ વસ્તુઓનો અડ્ડો દેખાય છે, તે વસ્તુઓને તમે દૂર કરો. ને તમારી અંદર પ્રેમ, દયા, સંપ ને સહકાર જગાવી દો, એટલે તમારા જીવનમાં સત્યયુગ પ્રકટ થશે; ને જ્યાં જશો ત્યાં સત્યયુગ તમારી સાથે સાથે આવશે. કલિયુગનો ભય પછી તમને જરા પણ નહિ રહે.

કલિયુગ વિશે એક બીજી વાત પણ જાણવા જેવી છે. શ્રીમદ્ ભાગવતમાં એક પ્રસંગ આવે છે. પરીક્ષિતને રાજગાદી આપીને પાંડવો હિમાલય જાય છે, ને ત્યાં દેહત્યાગ કરે છે. પરીક્ષિત એકવાર દિગ્વિજય કરવા નીકળે છે. રસ્તે જતાં તેને જણાય છે કે પોતાના ધર્મમય રાજ્યમાં કલિયુગે પ્રવેશ કર્યો છે. તે જાણીને તે ચિંતાતુર થાય છે, ને કલિનો નાશ કરવાની તૈયારી કરે છે. કલિ પોતાનો નાશ ના કરવાની વિનંતિ કરે છે. આખરે પરીક્ષિત રાજા તેને રાજ્યની બહાર ચાલ્યા જવાની આજ્ઞા કરે છે. કલિ ખૂબ કાલાવાલા કરે છે, ને પોતાને રહેવા દેવાની જગ્યા આપવા વિનવે છે. તેની વિનવણીથી રાજા તેને રહેવાની પાંચ જગ્યા આપે છે. તે પાંચ જગ્યા (૧) જુગાર (૨) મદ્ય (૩) સ્ત્રી (૪) કસાઈખાનું કે હિંસા ને (૫) સુવર્ણ છે. એટલે આ પાંચ વસ્તુઓથી સાવધ રહેવાની જરૂર છે. જુગાર રમવો નહિ. મદિરાપાન કે બીજી કોઈ પણ કેફી વસ્તુનું સેવન કરવું નહિ. સ્ત્રીના મોહમાં પુરૂષે ને પુરૂષના વધારે પડતા મોહમાં સ્ત્રીએ પડવું નહિ. પરપુરૂષ ને પરસ્ત્રીનો સમાગમ કરવો નહિ. હિંસા કરવી નહિ. કતલખાનાને ટેકો કે આશ્રય આપવો નહિ. ને જેમતેમ કરીને ધન મેળવવા પ્રયાસ કરવો નહિ. આ યુગમાં જો આટલું કરી શકાય તો ઘણું છે. અરે પરધન પત્થર જાણયે ને પરસ્ત્રી માત સમાનના નિયમનું પાલન થાય તો પણ ઘણું છે. એ નિયમનું પાલન કરવાથી માણસ કલિયુગથી બચી શકશે.

આજે તો માણસ પૈસા પાછળ આંખ મીંચીને દોટ મૂકી રહ્યો છે, ને કામવાસનાથી પ્રેરાઈને કેટલાય શરમજનક કામ કરી રહ્યો છે. હિંસાના શસ્ત્રો ને સાધનો સારા પ્રમાણમાં શોધાય છે, ને સુધરેલી રીત પ્રમાણે કોઈ જાતના વિચાર વિના સામુહિક હિંસા કરવામાં આવે છે. તેમાં વધારે ભાગે અંગત સ્વાર્થ ને તૃષ્ણા વિના બીજું કોઈ જ કારણ નથી હોતું. કતલખાનાં તો આજે બધે જ ફેલાઈ ગયાં છે. ભારત જેવા ધર્મ પ્રાણ દેશમાં પણ તે પર પ્રતિબંધ મૂકવાનો કોઈ ખાસ પ્રયાસ થતો નથી. જુગાર ને મદ્યપાન પણ એક યા બીજા વેશમાં ચાલ્યા કરે છે. માણસે હિંમત ને આત્મબળ કેળવીને એ બધાં દૂષણોમાંથી છૂટવાનો પ્રયાસ કરવો જોઈએ, તો તેને આ જ જીવનમાં સત્યયુગનો આનંદ મળી શકે. જેટલા માણસો એવો પ્રયાસ કરે, તેટલા માણસો સત્યયુગમાં જીવી શકે ને સમસ્ત સંસારમાં પણ એ રીતે સત્યયુગ ઉતરી શકે. માટે યુગની ચિંતા નકામી છે. તમારો સુધારો કરો, ઈશ્વરનું શરણ લો. ઈશ્વરની કૃપાનો સ્વાદ મેળવી લો એટલે આ યુગમાં ને આ જ જીવનમાં તમારું જીવન સફળ થઈ જશે, ને તમને ઉત્તમ પદની પ્રાપ્તિ થશે. Shri Yogeshwarji

----------------------------------------------------------------------------

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer