|
જન્મ ને મરણના ચક્રમાંથી છૂટવું હોય, તો પ્રભુની પ્રાપ્તિ કર્યા વિના કોઈ ઉપાય
નથી. દુઃખના દરિયા જેવા સંસારને તરીને સહીસલામત રીતે પાર ઉતરવું હોય તો
પરમાત્માના દર્શન વિના બીજો કોઈ માર્ગ નથી. બધાં જ દુઃખ ને બંધનમાંથી મુક્ત થવા
માટે પ્રભુની કૃપા મેળવ્યા વિના છુટકો નથી. જન્મ ને મરણના ચક્રનો ભય સંસારના
પ્રત્યેક પ્રાણીના માથા પર ભમ્યા કરે છે. એ ભયથી મુક્ત હોય તેવું પ્રાણી
ત્રિલોકમાં પણ કોઈ નથી. સ્વર્ગના દેવો પણ તેમાં સપડાયેલા છે. જન્મને મરણનું
મહાચક્ર તેમને માથે પણ ફર્યા કરે છે. સ્વર્ગના ભોગો ભલે ભારે હોય;
ત્યાંનું જીવન ભલે વિલાસી ને સુખમય હોય, પણ અમરતા તો ત્યાં પણ નથી. ત્યાંના
નિવાસી દેવતાઓને મૃત્યુના ગુલામ બનવું પડે છે ને ફરી જનમવું પડે છે. બ્રહ્માનું
આયુષ્ય પણ કેટલું મોટું છે ! શાસ્ત્રો કહે છે કે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર ને
કળિયુગ હજાર વાર પૂરા થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ પૂરો થાય છે. હવે વિચાર કરો
કે એ હિસાબ જો સાચો હોય, તો બ્રહ્માનું એકંદર આયુષ્ય કેટલું મોટું હશે ! પણ
તેવા મોટા જીવનને અંતે પણ મરણ તો નક્કી જ છે.
હિરણ્યકશિપુ કેટલો ચતુર હતો
!
મરણનો ભય તેને ખૂબ ભારે હતો.
તેણે ભયંકર તપ કર્યું ને ખૂબ ચતુરાઈ વાપરીને એવું વરદાન માગી લીધું કે જેથી
મરવું જ ના પડે.
કાયમ માટે અમર રહેવાનો ને મરણના ચક્રમાંથી છૂટવાનો તેણે જાણે કે દસ્તાવેજ કરાવી
લીધો.
જુઓ તો ખરા,
કોઈ કુશળ વકીલની જેમ દસ્તાવેજમાં તેણે કેવી અટપટી શરતો મૂકી છે
!
ભગવાન પાસે શરતો રજુ કરતાં તે કહે છે કે દિવસે ના મરું,
રાતે ના મરું;
ઘરમાં ના મરું,
ઘરની બહાર ના મરું;
માણસથી ના મરું ને પશુ કે પ્રાણીથી પણ ના મરું.
કેટલા ગૌરવથી તેણે આ માંગણી રજૂ કરી છે
!
પણ એ માંગણીમાં જ તેના મરણની છાયા પડેલી છે.
મૃત્યુએ તેમાંથી પણ માર્ગ કર્યો,
ને પ્રહ
લાદની રક્ષા માટે નૃસિંહ ભગવાનની સાથે આવી હિરણ્યકશિપુનો નાશ કર્યો.
મોટા મોટા મહારથી ને વીર પુરૂષોની જ્યારે આવી દશા છે,
તો પછી સાધારણ પ્રાણીઓનું તો કહેવું જ શું
?
દુર્વાસા મુનિએ સુદર્શન ચક્રના ભયમાંથી છૂટવા માટે ભગવાનનું ને ભગવાનના ભક્તનું
શરણ લીધું, તેમ તમે પણ ભગવાનનું ને ભગવાનના સાચા ભક્તોનું શરણ લો. સંતોની ને
ભગવાનની દયા માગો. તેમની સેવા કરો. એ વિના જન્મ ને મરણના ચક્રમાંથી છૂટવાનો
બીજો કોઈ જ ઉપાય નથી. ભગવાનની કૃપા વિના આવાગમનમાંથી કોઈયે છૂટી શકે તેમ નથી.
પરમાત્માની પાસે પહોંચ્યા વિના કોઈને પણ અમરપદ મળી શકે તેમ નથી, ને જન્મ ને
મરણની રમતમાંથી કોઈ
છૂટી
શકે તેમ નથી.

----------------------------------------------------------------------------
(શ્રી
યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
|