Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

બધા જ સમયે યોગમુક્ત થવાની જરૂર

 

 

જે ઈશ્વરથી દૂર છે, વાસના ને વિકારના દાસ છે, તે જન્મમરણમાં ફરવાવાળા જ છે. તે ચાહશે તો પણ તેમાંથી તેમને મુક્તિ નહિ મળી શકે. ભલે ને તે દિવસે શુકલ પક્ષમાં કે ઉત્તરાયણમાં શરીર છોડે. માણસની યોગ્યતા પરથી જ તેની ગતિ નક્કી થઈ શકે છે.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

શું ભગવાનનો આ વિશે કશો જ ચોક્કસ અભિપ્રાય નથી ? આપણે કહીશું કે છે, જરૂર છે. ભગવાન પોતાનો ખાસ અભિપ્રાય આપતા કહે છે કે હે અર્જુન, આ બે જાતની ગતિની વિચારસરણીને જાણનાર યોગી કે મહાપુરૂષ કોઈ વાર મોહમાં પડતો નથી, તેને ભ્રમ થતો નથી. માટે હે અર્જુન, તું બધા જ કાળમાં યોગમુક્ત થઈ જા, યોગી થઈ જા. જોયું ? ભગવાનના કથનનો ભાવાર્થ એવો છે કે સાધક કે મહાપુરૂષે બે જાતની ગતિની વાત સાંભળીને મોહમાં પડવાનું નથી. અમુક જ સમયે શરીર છોડવા માટે તેણે આગ્રહ રાખવાનો નથી. તેણે તો યોગી થઈ જવાનું છે. ઈશ્વર સાથે યોગ કરવાનો છે. પછી ગમે તે વખતે શરીર પડે તો પણ તેને હરકત નહિ આવે.

સ્ટેશન પર બેઠેલા માણસો શું કરે છે ? એન્જિન દેખાતાં તે ઊભા થઈ જાય છે, ને સામાન સંભાળવા માંડે છે. પછી ગાડી આવતાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય છે. જીવનના પ્રવાસનું પણ એવું જ છે. શરીરનો છેલ્લો સમય ક્યારે આવશે તેની કોને ખબર છે ? જે જ્ઞાની ને યોગી છે તેણે તો પ્રત્યેક પળે તૈયાર રહેવાનું છે. સાધારણ માણસે પણ આભાસ છોડીને પરમાત્મા સાથે યોગ સાધી લેવાનો છે. પછી શરીર ભલે ને ગમે ત્યારે પડે ! રાતે જ નહિ પણ મધરાતે પડે તો પણ શું ? કૃષ્ણપક્ષ ને ઉત્તરાયણ કે દક્ષિણાયાનમાં પડે તો પણ શું ? પરમાત્મા સાથે એકતા સાધીને જે જીવતાં જ ઉત્તમ પદની પ્રાપ્તિ કરી ચૂક્યો છે તેને શરીર છોડ્યા પછી બીજા કયા પદની પ્રાપ્તિ કરવાની છે કે તેણે વળી શરીર છોડવા માટે મુહૂર્ત જોવું પડે ને અમુક જ કાળની રાહ જોવી પડે ?

એટલે સાચા સાધકે કાળની ચિંતા કરવાની જરૂર નથી. તેણે તો વહેલામાં વહેલી તકે ઈશ્વરનું દર્શન જ કરી લેવું. તેની બધી જ ચિંતા મટી જશે. મારી સમજ પ્રમાણે સંસારમાં બે જ જાતની ગતિ છે. ઈશ્વરને પામેલા માણસોની ગતિ ને બીજી ઈશ્વરને ના પામેલાની ગતિ. જે ઈશ્વરને મેળવી ચૂક્યા છે તે તો ખરેખર મુક્ત ને કૃતાર્થ થયા છે ને જે ઈશ્વરથી દૂર છે, વાસના ને વિકારના દાસ છે, તે જન્મમરણમાં ફરવાવાળા જ છે. તે ચાહશે તો પણ તેમાંથી તેમને મુક્તિ નહિ મળી શકે. ભલે ને તે દિવસે શુકલ પક્ષમાં કે ઉત્તરાયણમાં શરીર છોડે. તેથી તે પરમાત્માની પ્રાપ્તિ નહિ કરી શકે. માણસની યોગ્યતા પરથી જ તેની ગતિ નક્કી થઈ શકે છે.   Shri Yogeshwarji

----------------------------------------------------------------------------

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer