|
ભગવાને અર્જુનને અને આપણને યોગી થવા આદેશ આપ્યો. પણ સંસારના અટપટા વાતાવરણમાં
રહીને યોગી થવાનું કામ શું સહેલું છે
?
સંતપુરૂષો કહે છે કે સહેલું જરાય નથી. પણ જો માણસ ધારે તો સાવધ રહીને તેને
સહેલું કરી શકે છે.
લાંબા વખતના એકધારા અભ્યાસથી ગમે તેવું કઠિન કામ પણ સહેલું બની શકે છે. જુઓને,
નદીના પ્રખર વેગે વહી જતા પાણીમાં આ માણસો તરવા પડ્યા છે તે કેવા સહેલાઈથી તરી
રહ્યા છે ?
આપણને કહેવામાં આવે તો આપણે શું એટલી સહેલાઈથી તરી શકીશું
?
આપણામાં જે તરવાની કળા જાણતા હશે તે તો તરી
શકશે
પણ બીજાને જરૂર મુશ્કેલી પડશે. નદીમાં તરનારા આ બધા માણસો પણ શું આજે ને આજે જ
તરતાં શીખી ગયા છે ?
આજ સુધી તેમને કેટલીય મહેનત કરવી પડી હશે,
કેટલાય પ્રયોગ કરવા પડ્યા હશે,
કેટલીકવાર નાસીપાસ પણ થવું પડ્યું હશે.
ત્યારે આખરે તે તરવામાં પાવરધા થયા હશે.
તે પ્રમાણે આપણે પણ શીખીએ ને પ્રયોગ કરીએ તો એક દિવસ સફળ તરનારા થઈ જઈએ.
સંસારના વિરાટ સાગરને તરનારા યોગી થવા માટે પણ કેટલીક સતત તાલીમ લેવાની જરૂર
પડે છે. સંસારના અટપટા વાતાવરણમાં રહીને જો તાલીમ લઈએ તો પ્રભુના પ્યારા યોગી
જરૂર થઈ શકીએ.
આવી તાલીમમાં સત્સંગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સારા ગ્રંથો ને પુરૂષોનો સંગ
જીવનને પલટાવી દેવામાં ને પ્રાણમય બનાવવામાં અજબ મદદ કરે છે. આપણે ત્યાં એક વાત
જાણીતી છે. કહે છે કે જંગલમાં સાપ ને નોળિયાની લડાઈ થાય છે. લડતાં લડતાં
નોળિયાને ઝેર ચઢે છે, ત્યારે તે જંગલમાં દોડી જાય છે, ને નોળવેલ સુંઘી લે છે.
તેથી તેનું ઝેર ઉતરી જાય છે, ને સાપ સાથે લડવા તે ફરી પાછો તૈયાર થાય છે. વળી
લડાઈ થાય છે ને ઝેર ચઢતાં વળી તે નોળવેલ સુંઘી લાવે છે.
છેવટે સાપને મારી નાખીને તે ઝંપે છે. સંસારના અટપટા વાતાવરણમાં ને વ્યવહારમા
પડેલા માણસોને માટે સત્સંગ નોળવેલની ગરજ સારે છે. સારા ગ્રંથ ને સંતના સમાગમથી
તેમને ચઢેલું ઝેર ઓછું થઈ જાય છે ને તેમને સ્થિરતા ને શાંતિ તથા નવજીવનની
પ્રાપ્તિ થાય છે. સારા સ્થળોનો સંગ પણ એવું જ ઉત્તમ પરિણામ લાવે છે. યોગી થવાની
તાલીમ આપવામાં સત્સંગ બહુ મહત્વનો ભાગ ભજવે છે. તેથી તો આપણે ત્યાં સત્સંગનો
મહિમા આટલા બધા પ્રબળ પ્રમાણમાં ગાવામાં આવ્યો છે. સત્સંગ તો સંજીવની બુટી છે.
જડ જેવો માણસ પણ તેથી ચેતન મેળવે છે, ને શક્તિશાળી બને છે. સદ્
ગુણી માણસોને માટે તો તે પરમ હિતકારક સાબિત થાય છે. પણ જે દુર્ગુણવાળા, કુકર્મી
ને પાપી છે. તેમને માટે પણ તે રસાયન થઈ જાય છે. તેમને પણ તે નવો અવતાર આપે છે.
મહાપુરૂષોનો પ્રભાવ અજબ હોય છે. માણસના હૃદયને પલટાવી નાંખવામાં તે સફળ થાય છે.
આપણે પણ મહાપુરૂષોનો સંગ કરવાની જરૂર છે. તેમના સમાગમમાં આનંદ લેતા થવાની જરૂર
છે. તો આપણું જીવન પણ પલટાઈ જાય. તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાથી આપણને પણ લાભ થાય
અને આપણો નવો અવતાર થાય. તેમની કૃપાથી આપણે પ્રભુના પ્યારા યોગી બનીને સંસારના
સાગરને સહેલાઈથી તરી શકીએ.

----------------------------------------------------------------------------
(શ્રી
યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
|