Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

જ્ઞાનનો પ્રભાવ

 

 

જ્ઞાનને લીધે અંદરની ને બહારની બંને દુનિયા પ્રકાશિત બને છે. માણસનું મન પવિત્ર થાય છે, ને મનનો મેલ દૂર થાય છે.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

નવમા અધ્યાયની શરૂઆતમાં ભગવાન કહે છે કે હે અર્જુન, હવે હું તને છૂપામાં છૂપું જ્ઞાન કહી રહ્યો છું. તે જ્ઞાન કેવલ સૂકું નથી પણ અનુભવ સાથે મળી ગયેલું છે. તે જ્ઞાનને અનુભવની મહોર વાગી છે. તેને જાણવાથી શું પરિણામ આવશે ? ભગવાન કહે છે કે તેને જાણી લેવાથી અશુભ વસ્તુથી છૂટાશે. ભગવાનના આ શબ્દો ઘણાં મહત્વના છે. તેમાંથી બે પ્રકારનો સંદેશ મળી રહે છે. પહેલો સંદેશ એ છે કે એકલા પુસ્તકિયા જ્ઞાનથી શાંતિ મળતી નથી. મગજમાં ઘણી માહિતી ભેગી કરવાથી કોઈ ખાસ હેતુ સરી શકતો નથી. જે માહિતી મેળવી છે તે જીવનમાં ભળી જવી જોઈએ. જ્ઞાન પચીને જીવનમાં ઉતરી જવું જોઈએ. તો જ શાંતિ મળી શકે ને જીવન ધન્ય બની શકે.

બીજો સંદેશ એ છે કે જ્ઞાન અશુભ વસ્તુથી છોડાવે છે. અશુભ વસ્તુ એટલે દુર્ગુણ, કામ, ક્રોધ, અહંકાર જેવી દુષ્ટ વૃત્તિઓ ને બુરાં કર્મો તથા તે સૌના સરદાર તરીકે કામ કરનારું અજ્ઞાન. જેને જ્ઞાન મળે છે તેની અંદરથી એ બધી વસ્તુઓ દૂર થાય છે. જ્ઞાનનો મહિમા એવો ભારે છે. જ્ઞાનને કેટલીકવાર પ્રકાશરૂપ કહેવામાં આવે છે તે સાચું છે. પ્રકાશની શક્તિ તો તમે જાણો છો. તે જ્યાં પથરાય છે ત્યાંથી અંધારૂં નાસી જાય છે.

આ ઓરડો અત્યારે બંધ છે ઘરની રચના જૂના વખતની છે. એટલે કોઈ બારીની સગવડ પણ નથી. ફક્ત એક બારણું છે પણ તેની બેત્રણ મોટી ફાટમાં થઈને ઓરડામાં સૂર્યના કિરણ આવે છે. એટલે ઓરડામાં અજવાળું થઈ જાય છે. દિવાલ પર જે સંતપુરૂષોના ફોટા  છે તે પણ ખૂબ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. ને ઓરડો બંધ છે છતાં આ લખવાનું કામ ચાલે છે. બેચાર ફાટમાંથી આવતા કિરણોનો મહિમા આવો અગાધ છે તો પછી સૂર્યનાં બધાં કિરણોનો પ્રતાપ કેટલો ભારે હશે ? જ્ઞાનનો પ્રતાપ એથી પણ ભારે છે, કેમ કે સૂર્યનો પ્રકાશ તો બહારની વસ્તુઓને જ અજવાળે છે. પણ જ્ઞાનનું અજવાળું માણસની અંદર ને બહાર બંને તરફ પડે છે. જ્ઞાનને લીધે અંદરની ને બહારની બંને દુનિયા પ્રકાશિત બને છે. માણસનું મન પવિત્ર થાય છે, ને મનનો મેલ દૂર થાય છે. જ્ઞાનનો પ્રકાશ પડે પછી અજ્ઞાનરૂપી અંધકાર રહે જ ક્યાં ? અશુભ ને અસત્ય વસ્તુમાંથી માણસને છૂટો કરવો એ જ્ઞાનનું રોજિંદુ કામ છે. આટલી વાત સમજ્યા કે નહિ ? જો ના સમજ્યા હો તો ફરી ફરી વિચાર કરીને સમજી લો. જો આટલી વાત સમજ્યા હશો તો સહેલાઈથી સમજી જશો કે જે જૂઠનો આધાર લેતો હોય, ને જૂઠમાં રમતો હોય તેને જ્ઞાની કહેવાય નહિ. જેનામાં દુર્ગુણ, દુષ્ટ વૃત્તિ, વાસના ને વિષયસુખની લાલસા હોય, તેને જ્ઞાન મળ્યું છે એમ કહી શકાય નહિ. જેનામાં અહંકાર, મોહ ને રાગદ્વેષ હોય, તેને જ્ઞાની કહેવાય નહિ. ને જે પરમાત્માથી વિમુખ હોય, તેને પણ જ્ઞાનીનું ઉત્તમ બિરુદ આપી શકાય નહિ. જે જ્ઞાનના ગ્રંથો વાંચે, ઉપદેશ આપે, પણ અંતરમાં વિષયોને ભજે ને માનવતાને શરમાવનારાં કામ કરે તે સાચો જ્ઞાની નથી. સાચો જ્ઞાની ભલેને ઉપદેશ ના આપે કે ગ્રંથ વાંચે કે લખી ના શકે, તો પણ હૃદયની નિર્મલતાને લીધે તથા પરમ સત્યસ્વરૂપ પરમાત્માને ઓળખવાને લીધે તેની મહત્તા વધે છે. આનો અર્થ એ થયો કે જેનું આચરણ ઊંચું છે તે પુરૂષ જ્ઞાની છે, ને સદાય વંદનીય છે. તે મહાપુરૂષ કે દેવતા છે. તેના ચરણોમાં પ્રણામ કરવા આપણે સદાય તૈયાર રહેવું જોઈએ. આપણા તેને પ્રણામ છે.

જે વાત અર્જુનને તે આપણને પણ લાગુ પડે છે. ભગવાને આપેલા જ્ઞાનનો લાભ લઈને આપણે પવિત્ર થવાનું છે. ચારિત્ર્યના ચોખ્ખા થવાનું છે, ને જે ખોટું છે તેનો ત્યાગ કરી સાચાને ભજવાનું છે, તે વિના જ્ઞાન મેળવવાનું આપણું કામ અધૂરૂં રહેશે. બૂરા વિચાર તો આપણી પાસે ફરકી પણ ના શકે એવી શક્તિ મેળવવાની છે.    Shri Yogeshwarji

----------------------------------------------------------------------------

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer