Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

જગત વિકારી કેમ છે ?

 

 

વિકારી જગતમાં રહીને આપણે અવિકારી બની શકીએ કે કેમ, અથવા સુખ ને દુઃખ તથા હર્ષ ને શોકના જોડકાથી છૂટીને પરમશાંતિ સુખ મેળવી શકીએ કે કેમ ને કેવી રીતે તે જ વસ્તુ મને વધારે મહત્વની લાગે છે.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

મારી પાસે આવનારા કોઈ કોઈ માણસો મને પૂછે છે કે ભગવાન તો પરિપૂર્ણ પરમાનંદસ્વરૂપ ને પરમ શાંતિમય છે. તેમની અંદરથી જો જગત થતું હોય, તો જગત વિકારી, અપૂર્ણ ને સુખદુઃખ તથા હર્ષશોકથી ભરેલું કેમ દેખાય છે ? હું કહું છું કે ગીતામાતાએ એના વિશે જે ખુલાસો કર્યો છે તેનો વિચાર કરો. ગીતામાતા કહે છે કે જગતના કર્તા ભગવાન છે. પણ ભગવાનની જે પ્રકૃતિ છે તેમાંથી જગત થાય છે. ભગવાનની પ્રકૃતિ સાધારણ ને અસાધારણ બે જાતની છે. તે વિકારવાળી છે. સત્વ, રજ ને તમત્રણ ગુણથી ભરેલી છે. એટલે જગત પણ વિકારવાળું છે. બાળકમાં એકલા પિતાના નહિ, પણ માતાના ગુણ પણ ઉતરે છે. માતાપિતાના મિશ્રિત સંસ્કાર બાળકને વારસામાં મળે છે. જગતનું પણ તેવું સમજવાનું છે. પરમાત્મારૂપી પિતા જ તેને માટે જવાબદાર હોત, તો તે પરમાત્મા જેવું જ હોત, ને પરમાત્માની જ વિશેષતાને વારસામાં લઈને જન્મત, પણ સાથે માતા પણ છે. પ્રકૃતિમાતા પણ તેને માટે જવાબદાર છે. એટલે માતાના ગુણધર્મ તેની અંદર પ્રકટ થાય એ સમજી શકાય તેવું છે. પ્રકૃતિ નટખટ છે એ કોણ નથી જાણતું ? ગીતામાતા આવો સચોટ ખુલાસો કરે છે. છતાં જો મારી દૃષ્ટિએ કહું તો મને તો આવા પ્રશ્નો ને તેની ચર્ચામાં ઉતરવું નિરર્થક લાગે છે.

જગત જેવું છે તેવું આપણી સામે છે. તે આવું ખરેખર કેમ છે તે વિશે આપણે વિચાર જરૂર કરી શકીએ, અથવા તર્કવિતર્ક કરીએ. છતાં તે વાત જગતના કર્તાને આધીન હોઈ, તેનું ખરું રહસ્ય આપણે ભાગ્ય જ શોધી શકીએ. તે વિશે કોઈ ખાસ હઠાગ્રહ કરવો નકામો છે. વિકારી જગતમાં રહીને આપણે અવિકારી બની શકીએ કે કેમ, અથવા સુખ ને દુઃખ તથા હર્ષ ને શોકના જોડકાથી છૂટીને પરમશાંતિ સુખ મેળવી શકીએ કે કેમ ને કેવી રીતે તે જ વસ્તુ મને વધારે મહત્વની લાગે છે.

ધારો કે એક માણસ કોઈ કારણથી કુવામાં પડી ગયો છે. તેનો અવાજ સાંભળીને કેટલાંક માણસો કુવા પર ભેગાં થાય છે. કુવામાં પડેલો માણસ કુવામાં કેવી રીતે પડ્યો એની ચર્ચામાં જ બધાં માણસો ઉતરવા માંડે તો શું તે ઠીક ગણાશે કે ? ગયા વરસે ગંગાજીમાં પુષ્કળ પૂર આવ્યું હતું. પૂર ઉતર્યા પછી પણ ગંગાજી વિશાળ રહેતી હતી. કેટલાક રસિયા માણસો તેમાં તરવા પડતા. કમનસીબે તેમાંના કેટલાક ડૂબી પણ જતા. ડૂબકા ખાતા માણસોને જોઈને કિનારા પર લોકો ભેગા મળતા. તેમાંના કેટલાક તરવાનું જાણતા છતાં તે પરસ્પર વાતો જ કર્યા કરતાં. ગંગાની ભયંકરતાની તથા મુત્યુની ચોક્કસતાની ચર્ચામાં તે ઉતરી પડતા. પણ બધા માણસો કાંઈ એવા હોય છે ? કોઈ વીરલ માણસો પણ નીકળી આવતા. અમારી નજર સામે તે ગંગામાં કૂદી પડતા, ને ડૂબતા માણસને બચાવવાનો બનતો પ્રયાસ કરતાં. એવા માણસોને જોઈને અમને બહુ આનંદ થતો. ને સૌને થાય એ સ્વાભાવિક છે.

કૂવા પર ભેગાં થયેલાં માણસો પણ મૂળ વાત ભૂલી જઈને જો ચર્ચામાં ઉતરી પડે, તો તેથી કોને આનંદ મળે ? નકામી ચર્ચા કરીને વખત બગાડવાનો કાંઈ અર્થ નથી. કૂવામાં પડેલો માણસ ગમે તે કારણથી પડ્યો હોય, છતાં કૂવામાં પડ્યો છે એ નક્કી છે. હવે તો તેને બહાર કાઢવાની જ જરૂર છે. માટે કૂવા પર ભેગાં થઈને વાતો કરનારા માણસોને કહેવું જોઈએ કે ભાઈઓ, બીજી ચર્ચા મૂકી દો. હવે જો બની શકે તો ગમેતેમ કરીને અંદર પડેલા માણસોને બહાર કાઢવાનો પ્રયાસ કરો. ચર્ચા તો પછી નિરાંતે થઈ શકશે.

જગત વિષે પશ્ન પૂછનારને પણ આપણે એમ જ કહીશું કે ભાઈઓ જગત જેવું છે તેવું તમારી સામે જ છે. તે આવું કેમ છે તેની ચર્ચા કરવાની જરૂર છે જ એમ નથી. મુખ્ય વાત એ છે કે તમે કૂવામાં પડેલા છો. કાળના પ્રવાહમાં તણાઈ રહ્યા છો, ને પરમ શાંતિ, પૂર્ણતા ને સ્થિરતાને ચાહો છો. તેને મેળવી લેવાનાં સાધન શોધી કાઢો. તેની મદદથી અજ્ઞાનના કૂવામાંથી બહાર નીકળો. બીજા બધા મુદ્દાઓમાં વખત ગુમાવવાને બદલે આ કામનો મુદ્દો યાદ રાખો તો તેમને વધારે લાભ થશે. જીવનને સફળ કરવા માટે બહુ વાણીપંડીત થવાની જરૂર નથી. અગમનિગમની વાતો ઉકેલવાની પણ જરૂર  નથી. તે માટે તો સફળતાના જરૂરી સાધનને સારી પેઠે સમજી લઈને તેનો ઉપયોગ કરવાની જરૂર છે માટે નકામી વાતોમાં વખત ગુમાવી ના દેશો. સમય ટૂંકો, ઝડપી ને કિંમતી છે કામ ભારે છે. આડવાતોમાં પડી જશો તો કરવાનું કામ ચૂકી જશો.    Shri Yogeshwarji

----------------------------------------------------------------------------

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer