|
ગીતામાં ભગવાને કેટલીક બાંહેધરીઓ આપી છે અથવા કહો કે કેટલીક પ્રતિજ્ઞા કરી છે,
એમાંની બે પ્રતિજ્ઞા ધ્યાન ખેંચનારી છે. ભગવાન કહે છે કે મારા ભક્તોનો કદી નાશ
થતો નથી,
મારા
ભક્તોનું કદી અમંગલ થતું નથી. એ પ્રતિજ્ઞાનો વિચાર આપણે આગળ પણ કરી ગયા છીએ. આ
અધ્યાયમાં
બીજી મહાન પ્રતિજ્ઞા આવે છે. ભગવાન કહે છે કે જે લોકો મારૂં અનન્યભાવે સ્મરણ
મનન કરે છે ને મારી ભક્તિ કરે છે, તેમના યોગ ને ક્ષેમની જવાબદારી હું ઉપાડી લઉં
છું. યોગ એટલે જીવનની જરૂરતોની પ્રાપ્તિ ને ક્ષેમ એટલે ભક્તોની સંભાળ ને ઉન્નતિ.
કેટલી સરસ પ્રતિજ્ઞા છે
?
ભગવાનના પ્રેમમાં મસ્ત બનનારની બધી જ ચિંતા ભગવાન પોતે ઉપાડી લે છે. તેની
ઉન્નતિ પણ તે જ કરે છે.
પોતાનો ભક્ત જો કોઈ કારણથી સંસારના મોહમાં ફસાઈ જાય કે પ્રલોભનમાં પડી જાય, તો
ભગવાન તેને તેમાંથી બહાર કાઢે છે. તેની રક્ષા કરવા માટે ભગવાન સદા તૈયાર રહે
છે. તેના માર્ગને સાફ કરે છે, ને છેવટે પોતાનું દર્શન આપીને તેને ન્યાલ કરે છે.
પોતાનો ભક્ત જો કોઈ કારણથી ગફલતમાં પડી જાય, ને સાચો રસ્તો ભૂલી જાય, તો ભગવાન
તેને મદદ કરે છે, તેની વહારે આવે છે, ને તેને સાચો રસ્તો બતાવે છે.
પ્રભુની કૃપાથી સાધારણ માણસો પણ આ પ્રમાણે પોતાની જાતના કલ્યાણમાં પ્રભુની મદદ
મેળવી શકે છે. તો પછી જે ભક્તો છે તેમને માટે તો કહેવું જ શું
?
પ્રભુને દિવસરાત યાદ કરનારા ને પ્રભુને પોતાના જીવનનો ધ્રુવતારો બનાવી બેઠેલા
માણસોની સંભાળ પ્રભુ ડગલે ને પગલે રાખે એમાં શી નવાઈ છે
?
પોતાના ભક્તોને યોગ્ય ગુરૂ કે મહાપુરૂષોનો મેળાપ કરાવી દેવો એ પણ પ્રભુનું કામ
છે. તેમને સાધનાના જુદા જુદા અનુભવો કરાવીને શાંતિ આપવાનું કામ પણ તે જ કરે છે.
જે પ્રભુનું નિરંતર સ્મરણ કરે, ને પ્રભુની કૃપા મેળવવા મહેનત કરે છે, તેમની
સમજમાં આ વાત સહેલાઈથી આવી
શકશે.

----------------------------------------------------------------------------
(શ્રી
યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
|