|
માણસ એવી
શક્તિ મેળવે કે શોધ કરે જેના પ્રભાવથી એ આકાશમાં ઊડી શકે, બીજાના મનની વાત કરી
શકે, દીર્ઘાંયુ બની શકે, સુખોપભોગનાં સઘળાં સાધનો વસાવી શકે, પ્રકૃતિનાં
તત્વોને નાથી શકે, અને ભૂતભાવિના પડદાને હઠાવી શકે, તો પણ શું
? એ કદાચ સર્વ પ્રકારના જ્ઞાનવિજ્ઞાનના સંગ્રહ જેવો
બની જાય તો પણ શું ? ભૌતિકક્ષેત્રે એ બધી
સિદ્ધિઓનું મહત્વ જરૂર મનાવાનું પરંતુ આત્મિકક્ષેત્રે માનવ જેને માટે તલસે છે એ
બધું એથી એને ભાગ્યે જ મળવાનું. જે શાંતિ, સુખ, આનંદ, સ્વતંત્રતા, મુક્તિ કે
પૂર્ણતાને માટે એ ઝંખે છે એની સિદ્ધિ માટે તો એણે બીજી દિશામાં જ પ્રયાસ કરવો
પડવાનો. એના વિના એ ઝંખના સફળ નહિ જ થઈ શકવાની.
જ્યાં
સુધી માણસ પોતે સદગુણ, સદવિચાર ને સત્કર્મની મૂર્તિ નથી બન્યો અથવા એને માટેની
કોશિશ પણ નથી કરતો; જ્યાં સુધી પોતાના મન ને પોતાની ઈન્દ્રિયો પર કાબૂ કરવાનો
પ્રયત્ન નથી કરતો; વિશાળ, ઉદાર, સેવાપરાયણ તથા સ્નેહમય નથી બનતો, અને સંસારની
વિનાશીતા તેમજ વિષયોની ક્ષણભંગુરતાને સમજીને મનને તેમાંથી પાછું વાળીને અવિનાશી
ઈશ્વરમાં નથી પરોવતો, ત્યાં સુધી એનું જીવન મંગલ નથી થઈ શકતું. અને એ બીજાનું
મંગલ પણ નથી કરી શકતો.
આપણા અને
બીજાના જીવનને સુખમય કરવા માટે આપણે આદર્શ માનવ થવાની તથા આ પૃથ્વી પર સ્નેહ,
સંપ તેમજ સહકારથી આદર્શ રીતે જીવવાની જરૂર છે. એનું નામ જ ધર્મ. ધર્મ અથવા
આધ્યાત્મિકતા એ મંગલમય કામમાં મદદરૂપ થાય છે માટે જ એની મહત્તા છે. અને એનો
અનાદર કરનારે જાણવું જોઈએ કે, આજે એની આવશ્યકતા સૌથી વધારે છે - માનવધર્મની
આવશ્યકતા. માનવની પાસે બીજું બધું હશે પરંતુ એના પોતાના સહજ ધર્મ જેવી માનવતા
નહીં હોય તો એ બધું એને સંપૂર્ણ સૂખ-શાંતિ નહી આપી શકે અને સંસારને સ્વર્ગીય પણ
નહીં કરી શકે.

(શ્રી
યોગેશ્વરજી કૃત 'પ્રભુપ્રાપ્તિનો પંથ' માંથી)
|