Thought provoking and insightful

 

Articles

 

Collection of Articles written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

વિદ્યા

 

 

વિદ્યા મેળવી હોય, પરંતુ માનવી સત્યપરાયણ અને સદાચારી ના બન્યો હોય તો તેવી વિદ્યા શું કામની ?  જે વિદ્યાથી માનવ અહંકારી, ઉદ્દંડ, કે અનાચારી થાય તે વિદ્યા જીવનનું શ્રેય સાધી શકે નહિ. વિદ્યાની મદદથી મન અને ઈન્દ્રિયોના સંયમની સિદ્ધિ સાધવાની પ્રેરણા તથા શક્તિ સાંપડવી જોઈએ.


- શ્રી યોગેશ્વરજી

 

< Back | Index | Next >

       

વિદ્યા શેને માટે છે ? એનું પ્રયોજન અથવા ધ્યેય શું છે ? આદ્ય શંકરાચાર્ય એ વિશે પોતાના વિચારોને વિયક્ત કરનાં કહ્યું છે કે विद्या फलंस्यात् असतो निवृतिः ।  વિદ્યા અસત્યમાંથી મુક્તિ આપે છે કે નિવૃત્ત કરે છે. સંસારમાં પરમ સત્ય એક પરમાત્મા જ છે. પરમાત્મા અજન્મા, અવિકારી, અજર, અમર અથવા અવિનાશી છે. પરમાત્મા સિવાય સંસારના સઘળા પદાર્થો પરિવર્તનશીલ છે. એ પરિવર્તનશીલ પ્રકૃતિના પરિવર્તનશીલ પદાર્થોની પ્રીતિ અથવા આસક્તિનો અંત આણવો અને પરમાત્માને જાણી એમની અંદર પ્રતિષ્ઠિત બનવું - એ વિદ્યાનો એકમાત્ર અગત્યનો આદર્શ છે. એને માટે અસત્ય - છળકપટ અને અનાત્મ પદાર્થોની પ્રીતિનો પરિત્યાગ કરવો જોઈએ.

વિદ્યા મેળવી હોય, પરંતુ માનવી સત્યપરાયણ અને સદાચારી ના બન્યો હોય તો તેવી વિદ્યા શું કામની ?  જે વિદ્યા કે જ્ઞાનથી માનવ અહંકારી, ઉદ્દંડ અનાચારી કે ઘમંડી બને ને વિલાસી થાય તે વિદ્યા જીવનનું શ્રેય સાધી શકે નહિ. વિદ્યા કે જ્ઞાનની મદદથી મન અને ઈન્દ્રિયોના સંયમની સિદ્ધિ સાધવાની પ્રેરણા તથા શક્તિ સાંપડવી જોઈએ. શ્રી આદ્ય શંકરાચાર્યે કહેલું છે કેઃ

 

ज्ज्ञानं प्ररामकरं यदिन्द्रियाणां, तज्ज्ञेयं यदुपनिषत्सु निश्चितार्थम् । 

 

જ્ઞાન ઈન્દ્રિયોનો સંયમ શીખવે છે, મનનો કાબૂ કરવાની કળાનું કૌશલ બક્ષે છે, અને પરમશાંતિથી સંપન્ન બનાવીને જીવનને કૃતાર્થ કરે છે. વેદ તથા ઉપનિષદાદિ ધર્મગ્રંથોએ જે પરમતત્વનું સંશયવિપર્યરહિત નિશ્ચયાત્મક સ્વાનુભવપૂર્વકનું પ્રતિપાદન કર્યું છે તે પરમાત્માની સાથે સંબંધ બાંધતા અને એમનો સાક્ષાત્કાર કરતાં શીખવે છે.

પેલા પ્રાચીન સુભાષિતમાં જણાવ્યું છે કે, વિદ્યા વિનયી કરે છે અને માનવને સાચા અર્થમાં માનવ બનાવે છે. સુપાત્ર માનવો પુરૂષાર્થી થઈને ધની અથવા સંપત્તિશાળી બને છે - ધની થઈને ધર્મનું આચરણ કરે છે અને ધર્માચરણથી સુખને અનુભવે છે.

ધર્માચરણ સદા સુખશાંતિની સૃષ્ટિ કરે છે. અને ધર્મનો ઉપયોગ ધર્મકર્મોના અનુષ્ઠાન માટે કરવો જોઈએ. સમાજમાં ધર્મચરણ વધે અથવા સૌ કોઈ સાચા માનવીય ધર્મ સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન પ્રારંભે તો સર્વત્ર સુખશાંતિ, સમૃદ્ધિ ને સંવાદિતા છવાઈ જાય. ધર્માચરણ સામાજિક સ્થિરતાનો, સંવાદિતાનો ને સંગીનતાનો પાયો છે.

વિદ્યાનો અંતિમ આદર્શ પરમાત્માનો સાક્ષાત્કાર સાધવાનો છે તો પણ વિદ્યા ભૌતિક વિષયોની અવજ્ઞા કરે છે એવું નથી સમજવાનું. આપણે ત્યાં પ્રાચીન કાળથી મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળીની ઉપાસના પ્રચલિત છે. મહાસરસ્વતી જ્ઞાનની અધિષ્ઠાત્રી છે. જીવનમાં એની આવશ્યકતા છે, પરંતુ જીવન મહાલક્ષ્મીની સેવાથી પણ સંપન્ન હોવું જોઈએ. લક્ષ્મીનો અનાદર સુસંસ્કૃત સમાજને માટે કલ્યારણકારક નથી બનતો. લક્ષ્મી, સરસ્વતીના આસને ના વિરાજી શકે - તો પણ એનું પોતાનું આગવું આસન છે જ. મહાકાળી કાળની સ્વામિની છે. એની આરાધનાથી માનવ મૃત્યુંજય બનવાની સાધના કરીને આત્મદર્શન કરીને એકાત્માને અનુભનવે છે. વિદ્યાની સાર્થકતા જીવનની એવી પરિશુદ્ધિને પૂર્ણતામાં સમાયેલી છે. એનું ગૌરવગીત ગાતાં કહ્યું છે કે  सा विद्या या विमुत्त्कये ।  જે વિમુક્તિ માટે છે તે વિદ્યા છે. શેમાંથી વિમુક્તિ ? દુર્ગુણમાંથી ને દુષ્કર્મમાંથી. સમસ્ત પ્રકારની સંકીર્ણતામાંથી, આસુરી સંપત્તિમાંથી, પશુતામાંથી, ભ્રાંતિમાંથી, આસક્તિમાંથી, અવિદ્યામાંથી મુક્તિ. એવી મુક્તિને સાધીએ તો વિદ્યા સફળ થાય ને જીવન જ્યોતિર્મય બની જાય.

Shri Yogeshwarji

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'પ્રભુપ્રાપ્તિનો પંથ' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer