Thought provoking and insightful

 

Articles

 

Collection of Articles written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

વિચાર અને આચાર

 

 

આચાર વિનાના વિચારો ધારી અસર નથી ઉપજાવી શકતા. માટે જ ગીતામાં કહ્યું છે કે, ઉત્તમ માનવોએ ઉત્તમ જીવન જીવવાનો આગ્રહ રાખવો જોઈએ. 


- શ્રી યોગેશ્વરજી

 

< Back | Index | Next >

       

એક ઠેકાણે એક પંડિતપ્રવરનું પ્રવચન ચાલી રહેલું. પંડિતપ્રવરનું પ્રવચન અત્યંત આકર્ષક, અવનવું, આહલાદક હતું. શ્રોતાઓ એથી મંત્રમુગ્ધ બના ગયા. પ્રવચનની પૂર્ણાહુતિ સમયે પંડિતપ્રવરે એકાદશી વિશે વિસ્તારથી વિવરણ કર્યું. એ સાંભળીને શ્રોતાઓની પ્રસન્નતાનો પાર ના રહ્યો. વિદાય વખતે એમનામાંના થોડાક શ્રોતાઓએ એમને અભિનંદન આપી જણાવ્યું કે તમારું પ્રવચન ખૂબ જ સારું હતું. એકાદશી ના કરતા હોય એમને પણ કરવાનું મન થઈ જાય એવું. તમે તો એકાદશી કરતા જ હશો. આજે એકાદશી છે. પંડિતપ્રવરે પ્રત્યુત્તર આપતાં કહ્યું કે, મેં એકાદશી નથી કરી. નથી કરી ? ના. તો તમે બોલો છો તો ખૂબ સુંદર રીતે. પંડિતપ્રવરે કહ્યું કે ઉપવાસ કરું તો મારાથી પ્રવચન સારી રીતે થઈ શકે નહીં. 

શ્રોતાઓ પર શબ્દોની અસર થોડીક વિપરિત થઈ. એમણે કહ્યું કે તમે એકાદશીનો ઉપદેશ આપીને અથવા એકાદશીને મહીમા સંભળાવીને પણ એકાદશી નથી કરતાં તો અમે શા માટે કરીએ ? કેટલાકે કહ્યું કે, એકાદશીવ્રત ના કરતા હોય એમાં આપણે શું ? આપણે તો એને ઉપયોગી માનીને કરવું જ જોઈએ. તો પણ મોટાભાગના શ્રોતાઓ પર પંડિતપ્રવરના પ્રવચનનો પ્રતિકૂળ પ્રભાવ પડયો. 

મોટા મનાતા માનવો જેને આદર્શ, ઉપયોગી કે પ્રમાણભૂત સમજતા હોય એને આચારમાં ઉતારવાનો, અનુસરવાનો કે એ પ્રમાણે ચાલવાનો પ્રયાસ ના કરે તો અન્ય માનવો પર એમનો પ્રભાવ જોઈએ તેટલો ના પડી શકે. પ્રભાવ જેટલો વાણીનો ને વિચારનો નથી પડતો એટલો આચારનો પડે છે. આચાર વિનાના વિચારો ધારી અસર નથી ઉપજાવી શકતા. એથી ઊલટું, ઉત્તમ આદર્શો કે સિદ્ધાંતો કે વ્રતોનું પરિપાલન બીજાને માટે પ્રેરક તથા પથપ્રદર્શક ઠરે છે. માટે જ ગીતામાં કહ્યું છે કે, ઉત્તમ માનવોએ ઉત્તમ જીવન જીવવાનો આગ્રહ રાખવો જોઈએ. 

આજે આપણા ,સમાજમાં જે આચારની અવ્યવસ્થા, સંકરતા ને શિથિલતા દેખાય છે, તેને દૂર કરવી હોય તો સમાજના શ્રેષ્ઠ મનાતા અગ્રગણ્ય ગણાતા માનવોએ જીવનનું પરિશોધન કરવું પડશે. માનવતાનાં મૂલ્યોને વળગી રહેવું પડશે. જીવનના સઘળા ક્ષેત્રોમાં જવાબદાર ઉચ્ચાસને બેઠેલા પુરુષો જો એવું કરવા માંડશે તો એની અસર સર્વસાધારણ જનતા પર પડ્યા વિના નહીં રહે, ને સમસ્ત સમાજમાં નવજીવનની અવનવી પવનલહરી ફરી વળશે.

Shri Yogeshwarji

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'પ્રભુપ્રાપ્તિનો પંથ' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer