|
હિમાલયના હિમાચ્છાદિત પર્વતીય પ્રદેશમાં વરસોથી મોટરડ્રાઈવર તરીકે કામ કરતા એક
ગઢવાલી ડ્રાઈવરે વાતવાતમાં મને જણાવ્યું, આ પ્રદેશમાં મોટર ચલાવવાનું કાર્ય
કઠિન છે. નાના-મોટા એટલા બધા વળાંકો આવે છે કે વાત નહીં. અને રસ્તો પણ કેટલો
બધો કપરો છે
?
એક બાજુએ પર્વત અને બીજી બાજુએ ઊંડી ઊંડી ખીણ - એમાંથી સરી જનારી પુણ્યસલિલા
સરિતા ભગવતી ભાગીરથી. જો જરી પણ ધ્યાન ચૂક્યા તો ખલાસ. અમે તો ખતમ થઈ જઈએ જ
પરંતુ સાથે સાથે અન્ય અનેકને ખતમ કરીએ. અમારું મન વાતોમાં ન હોવું જોઈએ.
આજુબાજુના કુદરતી સૌંદર્યયુક્ત દ્રશ્યોમાં પણ ના હોવું જોઈએ.
મેં પૂછ્યું - તમને કોઈ વાર કંટાળો નથી આવતો
?
એમણે ઉત્તર આપ્યો - કંટાળો આવે તો પણ કર્તવ્યપાલનના વિચારથી એ કંટાળો ચાલ્યો
જાય છે. એને અમે ખંખેરી કાઢીએ છીએ.
મધરાતના શાંત સમયે ટ્રેનમાં મોટાભાગના મુસાફરો સૂતાં હોય, કેટલાક ઝોકાં ખાતા
હોય, એવે વખતે સાવધાન અથવા જાગ્રત રહીને એન્જીનને ચલાવનાર ડ્રાઈવરનો વિચાર કરો
છો
?
એને આળસ નહિ આવતી હોય
?
એ જો નિદ્રાધીન બની બેસે તો ટ્રેનને અને એના ઉતારુઓને જોખમમાં મૂકે.
જંગલોમાં અને એકાંત પર્વતપ્રદેશમાં રાષ્ટ્રની સીમાની સુરક્ષા સારું,
સર્વપ્રકારનાં બાહ્ય સુખોપભોગો, સ્વજનો અને સગવડના સાધનોને તિલાંજલિ આપીને
અડીખમ રીતે ઊભા રહેતા સનિકોનો વિચાર કરો. એ સૌ પોતપોતાના કર્તવ્યપાલનનું મહત્વ
સમજીને એમાં અભિરુચિ રાખીને એનું અનુષ્ઠાન કરતાં પોતાનો સમય પસાર કરે છે.
રાષ્ટ્રજીવનની સ્વસ્થતા, સુરક્ષા તથા સમુન્નતિને માટે એવી નિષ્ઠા આવશ્યક હોય છે
અને આશીર્વાદરૂપ ઠરે છે. એકેક ઈંટ એકઠી મળીને સુવ્યવસ્થિત રીતે સંધાઈને દિવાલના
નિર્માણકાર્યમાં સહાયક બને છે. પ્રત્યેક પુષ્પ પોતપોતાના સ્થાનને સંભાળીને મનહર
માળાની રચનામાં પોતાનો સહયોગ પ્રદાન કરે છે. એવી રીતે પ્રત્યેક વ્યક્તિ જ્યાં
છે ત્યાં રહીને, જે પણ કર્મ કરે છે તે, સારામાં સારી રીતે, સાવધાનીપૂર્વક
કરવાનો આગ્રહ રાખીને પોતાની ને બીજાની સેવા કરે છે અને સમાજની સ્વસ્થતા,
સુવ્યવસ્થા, સંવાદિતા, શાંતિ અને સમૃદ્ધિમાં ફાળો ધરે છો.
પ્રત્યેક વ્યક્તિ યાદ રાખે કે પોતે એકલી નથી, પરંતુ પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને
વિશ્વ સાથે સંકળાયેલી છે. એમને માટે પોતાનું કર્તવ્ય છે, એ કર્તવ્યનું પાલન
અહંતા તથા સ્વાર્થવૃત્તિથી રહિત બનીને કરવામાં જ કલ્યાણ છે. અથવા સાર્થક્ય
સમાયેલું છે. તો આપણી આજુબાજુનું ચિત્ર કેટલું બધું બદલાઈ જાય
?
સંસારમાં સ્વર્ગનું સર્જન થાય. મૃત્યુલોક અમૃતલોક બની જાય.

(શ્રી
યોગેશ્વરજી કૃત 'પ્રભુપ્રાપ્તિનો પંથ' માંથી)
|