Thought provoking and insightful

 

Articles

 

Collection of Articles written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સા વિદ્યા યા વિમુક્તયે

 

 

વિદ્યા પોતાની જ નહિ પરંતુ બીજાની સુખશાંતિ-સમૃદ્ધિ-સમુન્નતિ અથવા મુક્તિ માટે છે, હોવી જોઈએ અને એના એવા ઉપયોગ અથવા વિનિયોગમાં જ એની સાર્થકતા સમાયેલી છે.


- શ્રી યોગેશ્વરજી

 

<< Back | Index | Next >>

       

આપણે ત્યાં વિદ્યાના મૂળભૂત મહત્વના ધ્યેય તરફ અંગુલિનિર્દેશ કરતાં કહેવામાં આવ્યું છે કે વિમુક્તિ માટે હોય, મુક્તિ મેળવવા માટે કામ લાગે, તે વિદ્યા. સા વિદ્યા યા વિમુક્તયે. વિદ્યાલયોમાં ઠેકઠેકાણે એ સૂત્રાત્મક સારગર્ભિત શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવે છે અને સૌ એમાંથી પોતપોતાની રીતે પ્રેરણાની પ્રાપ્તિ કરે છે. શબ્દોનું યાંત્રિક અથવા રૂઢ રીતે રટણ કરવામાં આવે ત્યારે કેટલીકવાર એમની પાછળની ભાવનાને વિચારવાનો અવસર ઓછો રહે છે અને એ ન્યાયે એ પરંપરાગત, પ્રચલિત સૂત્રના અર્થને સમજવાની વૃત્તિ પણ કેટલેક ઠેકાણે મરી પરવારી છે.

વિદ્યા મુક્તિને માટે છે એનો એક અર્થ તો એ થયો કે એ મુક્તિને માટે છે, દુન્યવી ભોગોપભોગને માટે નથી. વિદ્યાનું લક્ષ્ય કેવળ ભૌતિક ભોગોપભોગો ના હોય. ભૌતિક સમૃદ્ધિ કે સમુન્નતિમાં એ માનવને મદદરૂપ બને ખરી, પરંતુ એનું પ્રયોજન એટલેથી જ પૂરું નથી થતું. એથી આગળ વધીને, એ એનો આધાર લેનારને માનસિક અને આત્મિક રીતે પણ મદદ કરે છે અથવા મુક્તિ ધરે છે. એ મુક્તિ કેવી જાતની છે તેની ખબર છે ? દુર્વિચારોમાંથી મુક્તિ, દુર્ભાવોમાંથી મુક્તિ, દુષ્કર્મોમાંથી મુક્તિ. કામક્રોધાદિ વેગોમાંથી, મોહ-મમતા-વાસના-અહંતા- રાગદ્વેષાદિમાંથી મુક્તિ, અને એ સૌની જનની-અવિદ્યામાંથી મુક્ત બનીને સર્વ પ્રકારની પરવશતા તથા અશાંતિમાંથી મુક્તિ. જેને શાસ્ત્રોમાં જીવનમુક્તિ કહેવામાં આવે છે, તેની પ્રાપ્તિ. એવી મુક્તિ ભૌતિક વિદ્યાથી મળવાની સંભવના નથી રહેતી; એને માટે અધ્યાત્મવિદ્યાની અનિવાર્ય આવશ્યકતા છે.

અત્યાર સુધી સા વિદ્યા યા વિમુક્તયેનો એવો સામાન્ય અર્થ કરાય છે કે વિદ્યા પોતાની મુક્તિ માટે છે, અથવા એનો આશ્રય લેનારને મુક્તિ આપે છે; પરંતુ એનો એટલો અર્થ જ નથી કરવાનો. વિદ્યા દ્વારા માનવને પોતાને તો સર્વ પ્રકારનાં દુઃખો, પૂર્વગ્રહો, બંધનો, અશાંતિનાં આવરણો અને અવિદ્યાગ્રંથિમાંથી મુક્તિ મળે જ છે. પરંતુ જીવન કેવળ પોતાની જ સુખશાંતિ-મુક્તિ તથા પૂર્ણતાને પામીને સંતુષ્ટિ સહિત બેસી રહેવા માટે નથી. એ કોઈ વ્યક્તિગત સ્વાર્થપૂર્તિની સાધના નથી. એ માનવની દૃષ્ટિને વિશદ અને વિશાળ બનાવે છે, એનાં હૃદયને ઉદાર અને ઉદાત્ત કરે છે અને આત્માને આલોકિત કરીને સમસ્ત સંસારની સાથે એકાત્મતાનો અનુભવ કરાવે છે. માનવ સૌથી વધારે સુસંસ્કૃત અને સમજદાર મનાય છે એટલે આપણે એની પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે એ એકલપેટો નહિ બને, પોતાની જ શાંતિ, સુખાકારી, સમૃદ્ધિ, સમુન્નતિને માટે નહિ વિચારે કિન્તુ બીજાની શાંતિ, સુખાકારી, સમૃદ્ધિ, સમુન્નતિને લક્ષમાં લેશે, વિચારશે અને એને માટેની યોજનાઓને સાકાર કરવાના પ્રયત્નો આદરશે. જે વસુધૈવ કુટુમ્બકમ્ની સદભાવનાને અનુસરીને સમસ્ત વસુધાને કુટુંબવત્ સમજે છે અથવા એથીયે આગળ વધીને आत्मवत् सर्वभूतेषुના મહામંત્ર પ્રમાણે ચરાચરને આત્મારૂપે અનુભવે છે, એ સંવેદનથી રહિત નથી હોતો. એ તો સૂક્ષ્મ સંવેદનથી સંપન્ન બનીને અન્યને સુખશાંતિ પહોંચાડવા તથા બંધનમુક્ત બનાવવાના પ્રામાણિક પ્રખર પ્રયત્નો કરે છે. વિદ્યા ત્યારે જ સાર્થક થાય છે ને સફળ ઠરે છે.

એટલે સા વિદ્યા યા વિમુક્તયેના પ્રચલિત અર્થમાં સંશોધન કરીને એવો અર્થ કરવો જોઈએ કે વિદ્યા પોતાની જ નહિ પરંતુ બીજાની સુખશાંતિ-સમૃદ્ધિ-સમુન્નતિ અથવા મુક્તિ માટે છે, હોવી જોઈએ અને એના એવા ઉપયોગ અથવા વિનિયોગમાં જ એની સાર્થકતા સમાયેલી છે. પોતાને વિદ્યાવાન અથવા શિક્ષાસંપન્ન માનનારા આટલું સમજશે ખરા ?

Shri Yogeshwarji

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'પ્રભુપ્રાપ્તિનો પંથ' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer