Thought provoking and insightful

 

Articles

 

Collection of Articles written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

શાંતિની વિચારણા

 

 

માનવ જે દિવસે બીજાના જીવનને સુખી, સંવાદી, શાંત, સંતુષ્ટ, સમૃદ્ધ અને સમુન્નત કરવાની ચિંતા કરશે અને એથી પ્રેરાઈને એમને પોષક પ્રવૃત્તિ પ્રારંભશે, તે દિવસથી સમાજમાં સ્વર્ગના સર્જનનું મંગલમય પ્રભાત પ્રકટ થશે.


- શ્રી યોગેશ્વરજી

 

<< Back | Index | Next >>

       

માનવ પોતાની શાંતિની જેટલી ચિંતા કરે છે, એટલી ચિંતા બીજાની શાંતિની ક્યાં કરે છે ? પોતાના સુખનો અને પોતાના આનંદનો જેટલો વિચાર તથા પ્રયત્ન કરે છે તેટલો વિચાર તથા પ્રયત્ન બીજાના સુખસંતોષ અને આનંદને માટે ક્યાં કરે છે ? એને પોતાનાં બંધનો સાલે છે ખરાં, પરંતુ બીજાનાં બંધનો એટલા પ્રમાણમાં સાલે છે ખરાં ? એ પોતાની સમૃદ્ધિ ને સમુન્નતિને ચાહે છે કે ઝંખે છે તેવી જ રીતે બીજાની સમૃદ્ધિ કે સમુન્નતિને ચાહે છે કે ઝંખે છે ? - એ પ્રશ્નોના પ્રત્યુત્તરો મોટેભાગે ના માં જ મળશે. અને એટલા માટે પણ જગતમાં દુઃખના દાવાનળ છે, અશાંતિના ઓળા છે, બંધન છે, પીડા છે અને પરિતાપ છે. મોટાભાગના માનવસમાજની અશાંત અવસ્થાનું મુખ્ય કારણ એ પણ છે. માનવ જે દિવસે બીજાના જીવનને સુખી, સંવાદી, શાંત, સંતુષ્ટ, સમૃદ્ધ અને સમુન્નત કરવાની ચિંતા કરશે અને એથી પ્રેરાઈને એમને પોષક પ્રવૃત્તિ પ્રારંભશે, તે દિવસથી સમાજમાં સ્વર્ગના સર્જનનું મંગલમય પ્રભાત પ્રકટ થશે. માનવ પોતાના સુખનો જ વિચાર કરે એની સાથે સાથે બીજાના સુખને પણ વિચારે તો આ પાર્થિવ પૃથ્વીમાં મોટામાં મોટું પરિવર્તન આવી જાય.

બીજાની શાંતિ માટેની ભાવના ઉપનિષદના શાંતિપાઠમાં અત્યંત અસરકારક રીતે રજૂ થઈ છે.

ઋષિ ત્યાં કહે છે કે -

ॐ ग्रौह शांतिः अंतरिक्ष शांतिः पृथीवी शांतिः ।

आपः शांतिः ओषधयः शांतिः वनस्पतयः शांतिः ।

विश्वे देवाः शांतिः कामः शांतिः क्रोधः शांतिः ब्रह्मः शांतिः

सर्वः शांतिः शांतिरेव शांतिः सामः शांतिरेभी ।

ॐ शांतिः शांतिः शांतिः ॥

સ્વર્ગને શાંતિની પ્રાપ્તિ થાઓ, અંતરીક્ષમાં રહેનારા જીવોને શાંતિની પ્રાપ્તિ થાઓ, પૃથ્વી પરના જીવોને શાંતિની પ્રાપ્તિ થાઓ, પાણીમાં વસનારા જીવોને શાંતિ મળો, ઔષધિમાં અને વનસ્પતિમાં વાસ કરનારા જીવોને શાંતિની પ્રાપ્તિ થાઓ, વિશ્વની દૈવી શક્તિઓ શાંતિથી સંપન્ન બનો, સમસ્ત જગતને શાંતિ સાંપડો, શાંતિ ને ઊંડી સનાતન શાંતિની સૌને પ્રાપ્તિ થાઓ, અને મને પણ એ શાંતિ મળી જાઓ. ઋષિ બીજાની શાંતિની કામના સૌથી પહેલાં અને પોતાની શાંતિની પ્રાર્થના છેવટે કરે છે. આજનો કોઈ શાંતિપાઠ લખનારો માનવ હોત તો પહેલાં પોતાની શાંતિકામના કરત ને પ્રાર્થત કે સઘળી શાંતિ મને જ આપી દો. પછી મારી મિસીસને, મારા સંતાનો ને સુહૃદને પ્રદાન કરો. એમ કરતાં જો વધે તો બીજાને શાંતિ આપજો. ઋષિ તો સમજે છે કે સમસ્ત સંસારને જે શાંતિ સાપડશે તે શાંતિ સંસારનું એક અવિભાજ્ય અંગ હોવાથી મને પણ મળી રહેશે.

બીજાની શાંતિની કામના કે પ્રાર્થના કરનાર એ શાંતિને માટે પ્રવૃત્તિ પણ કરે છે, અને પોતાના જીવન દ્વારા તન, મન, વચન, ધન, પદ દ્વારા બીજાને અશાંત ના કરાય, ભૂલેચૂકે પણ દુઃખી ના બનાવાય તેનું ધ્યાન પણ રાખે છે. એવી રીતે પોતે તો શાંતિ મેળવે જ છે, પરંતુ બીજાના જીવનમાં પણ શાંતિ પાથરે છે. આપણે સૌ એવી ભાવનાને સેવીએ અને એવી પ્રવૃત્તિ કરીએ તો ?

Shri Yogeshwarji

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'પ્રભુપ્રાપ્તિનો પંથ' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer