Thought provoking and insightful

 

Articles

 

Collection of Articles written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સહયોગ

 

 

વિચારોનો ભેદ હોય તો પણ એક સર્વસામાન્ય કલ્યાણકાર્યને કાજે, એક ઉત્તમ આદર્શની સિદ્ધિને માટે, સહયોગ સાધીતો એનું પરિણામ અત્યંત આશ્ચર્યકારક આવે.


- શ્રી યોગેશ્વરજી

 

<< Back | Index | Next >>

       

આપણે ત્યાં પુરાતન કાળથી જુદાજુદા યોગો પ્રચલિત છે : હઠયોગ, રાજયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ, ધ્યાનયોગ, લયયોગ, કુંડલિનીયોગ, નાદાનુસંધાન યોગ વિગેરે. આત્મિક વિકાસના સાધકોને માટે એ બધા યોગો આશીર્વાદરૂપ છે, તો પણ આપણું લક્ષ એક બીજા આવશ્યક યોગ તરફ કેન્દ્રિત કરવામાં આવે એ જરૂરી છે. એ યોગ સહયોગ છે. સત્કર્મોના સમ્યક અનુષ્ઠાનને માટે સહકાર કરવાનો યોગ. આપણા વ્યક્તિગત અને સમષ્ટિગત જીવનને સમુન્નત બનાવવા માટે એ યોગની આજે અને આવતીકાલે ખૂબ જ મોટી આવશ્યકતા છે.

દોરો એકલો હોય છે ત્યારે એટલો બધો સુદૃઢ અને શક્તિશાળી નથી હોતો. પરંતુ બીજા દોરાઓ સાથે એનો સહયોગ સધાય છે, ત્યારે એનું સ્વરૂપ બદલાઈ જાય છે. અનેક દોરાઓનું એક રજ્જુ બને છે. એ કેટલા બધા કામમાં આવે છે ? એનું સામર્થ્ય કેટલું બધું વધી જાય છે ? સૂર્યકિરણોનું કેન્દ્રિકરણ કરવામાં આવે છે ત્યારે એ દઝાડી પણ શકે છે અને ઉષ્મા આપે છે. પાણીને કેન્દ્રિત કરીને એની અંદરથી વિદ્યુતશક્તિનો આવિર્ભાવ કરવામાં આવે છે. કીડી એકલી હોય છે ત્યારે એટલી બધી શક્તિશાળી નથી હોતી. એ જ્યારે સહયોગ સાધે છે ત્યારે ભયંકર સાપને પણ મૂંઝવીને મારી નાખે છે. માનવ પણ સત્કર્મો માટે પારસ્પરિક સહયોગ સાધે તો એમનું સામર્થ્ય વધી જાય. સંઘબળની શક્તિ વિશાળ છે. એ શક્તિ સમાજના દુઃખદર્દને દૂર કરવાના ને બીજાની સમુન્નતિ સાધવાના સત્કર્મમાં લાગે તો એનું પરિણામ અત્યંત આશ્ચર્યકારક આવે.

વિચારોનો ભેદ હોય તો પણ એક સર્વસામાન્ય કલ્યાણકાર્યને કાજે, એક ઉત્તમ આદર્શની સિદ્ધિને માટે, સહયોગ સાધી શકાય છે. વયનો ને વ્યક્તિગત પરિસ્થિતિનો, સાક્ષરતાનો ને નિરક્ષરતાનો, ગરીબી અને અમીરીનો ભેદ પણ એમાં વચ્ચે નથી આવતો. પોતપોતાની વ્યક્તિગત વિચારધારાઓને ગૌણ ગણીને અને સમષ્ટિગત શાંતિ, સુખાકારી, સમૃદ્ધિને પ્રાધાન્ય પ્રદાન કરીને સૌ કોઈ સહયોગની ભાવનાને જીવનમાં વણી શકે છે.

સહયોગ રચનાત્મક કામોમાં કરાવો જોઈએ. ભંજનાત્મક કે ખંડનાત્મક કુકર્મોમાં ના કરાવો જોઈએ. હિંસા, ચોરી, સ્વાર્થપૂર્તિ, શોષણખોરીને માટે જે સહયોગ થાય છે, એ અનર્થકારક છે, અભિનંદનીય નથી. પરંતુ સમાજને સમુન્નત કરવા માટે પ્રત્યેક ક્ષેત્રે કરાતો સહયોગ આવકારદાયક છે. એવા સહયોગ સિવાય સમાજની કાયાપલટ કદાપી ના કરી શકાય.

Shri Yogeshwarji

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'પ્રભુપ્રાપ્તિનો પંથ' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer