|
આ
જગતમાં
જુદી જુદી જાતના માનવો છે. માનવોની એક શ્રેણી એવી છે કે જે ભૂલને ભૂલ તરીકે
માનતી નથી. એથી આગળ વધીને ભૂલને માટે ગૌરવ પણ લેતી હોય છે. ભૂલને ભૂલ તરીકે
માનવાની કે સ્વીકારવાની વૃત્તિ જ ના હોય ત્યાં ભૂલને પરિણામે જે પરિતાપ થાય છે
તે પરિતાપ થવાનો સંભવ જ ક્યાં રહે છે ?
બીજા શ્રેણીના
માનવો પોતાની ભૂલને પકડી પાડે છે, ભૂલ તરીકે માને છે, અને એનો અફસોસ પણ કરે છે.
પ્રત્યેક ભૂલ વખતે એને માટે અફસોસ કરવાની એમને ટેવ પડી જાય છે. એ ટેવ સારી છે
છતાં પણ એ એથી આગળ નથી વધી શકતા.
ત્રીજી
શ્રેણીના માનવો જરાક જુદા છે. વિકાસની દૃષ્ટિએ જોતાં પ્રથમની બંને શ્રેણીના
માનવો થોડાક આગળ છે. એ પણ ભૂલ તો કરે છે, ભૂલને ભૂલ તરીકે સમજે છે, એને પરિણામે
એમને પરિતાપ પણ થાય છે, પરંતુ એથી આગળ વધીને એ એવો પરિતાપ પુનઃપુનઃ કરવો ના પડે
એટલા માટે સતત જાગ્રત રહીને ભૂલનું પુનરાવર્તન નથી કરતા.
ચોથી શ્રેણીના
માનવો આત્મવિકાસના ઉત્તરોત્તર ક્રમને પરિણામે એવી અસાધારણ અવસ્થાએ પહોંચી જાય
છે કે ભૂલ ના કરવાનો એમનો સ્વભાવ જ થઇ જાય છે. એમના વિચારો, ભાવો, સંકલ્પો અને
સંસ્કારો એટલા બધા પવિત્ર થાય છે અને ઉદાત્ત બની જાય છે કે એમનાથી જ્ઞાત અથવા
અજ્ઞાત રીતે ભૂલ થતી જ નથી. ભૂલ જ ના થતી હોય તો એનો પશ્ચાતાપ કરવાનો પ્રસંગ
ક્યાં રહે છે ?
એવી અવસ્થા આ જગતમાં અતિશય અપવાદરૂપ કે વિરલ હોય છે અને એની પ્રાપ્તિ ઘણા લાંબા
વખત પછી કોઇકને જ થતી હોય છે.
એટલી બધી ઊંચી
અવસ્થાએ ના પહોંચી શકાય તો પણ માનવ ભૂલને ભૂલ તરીકે ઓળખીને એને માટે પશ્ચાતાપ
કરે, એનું પુનરાવર્તન ના થવા દેવાનો સંકલ્પ કરે, અને એ સંકલ્પને સાચવી રાખીને
એનું પુનરાવર્તન ના થવા દે તો પણ કાંઇ ઓછું નથી. એટલી સિદ્ધિ પણ જીવનવિકાસના
વિશાળ ક્ષેત્રમાં કાંઇ નાનીસૂની નથી સમજવાની.
જે વારંવાર
પશ્ચાતાપ કર્યા કરે ને ભૂલનું પુનરાવર્તન કરે તેને માટે તો કહેવું જ શું
?
તેનો પશ્ચાતાપ પાકો ના કહેવાય. પશ્ચાતાપ કરવાની એ પ્રક્રિયા જડ કે પરંપરાગત ના
બની જાય ને યાંત્રિક ના થાય તેનું તેમણે ધ્યાન રાખવાનું છે. પશ્ચાતાપની
પ્રક્રિયા જો સાચી હશે, અંતરના અંતરતમની હશે તો પણ એક દિવસ એમનો અંતરાત્મા
પૂરેપૂરો જાગી ઊઠશે, એમને અસાધારણ સામર્થ્યની પ્રાપ્તિ થશે, અને એ ભૂલની ગમે તે
કારણે થતી પુનરાવૃત્તિમાંથી મુક્તિ મેળવશે. એમને માટે પણ આશા તો છે જ.
અને જે ભૂલને
ભૂલ તરીકે નથી સમજતા કે નથી સ્વીકારતા એમને માટે પણ આશાના મંગલ મંદિરના દ્વાર
કાયમને માટે બંધ થઇ ગયાં છે એવું થોડું જ છે
?
ના. એ પણ માનવના જીવન વિકાસના નૈસર્ગિક નિયમ પ્રમાણે ક્રમેક્રમે આગળ વધીને એક
દિવસ જાગી ઊઠશે, સદૂબુદ્દિથી સંપન્ન બનશે, ભૂલને ભૂલ તરીકે ઓળખશે, સુધારવાનો
પ્રયત્ન કરશે, સુધારશે, અને એનું પુનરાવર્તન કદી પણ નહિ થવા દે. એવી રીતે એમને
માટે પણ આશા તો છે જ. જીવનવિકાસના ક્ષેત્રમાં એ ખૂબ ખૂબ પાછળ છે એટલું જ. પરંતુ
આગળ જતાં કદી પણ આગળ નહિ થઇ જાય એવું કોઇ પણ ના કહી શકે. આજે જે એકદમ આગળ છે એ
અગાઉથી જ આગળ હતા ને કોઇ પણ દિવસ પાછળ જ ન હતા--જરા પણ પાછળ ન હતા, એવું કોણ
કહી શકે ?
જીવન તો વિકાસના સ્વાભાવિક સુનિશ્ચિત ક્રમનું પરિણામ છે. જે પર્વત પર પહોંચેલા
દેખાય છે તે એક વાર તળેટી પર હતા જ. ત્યાંથી જ એમના પ્રવાસનો પ્રારંભ થયેલો. એ
પ્રમાણે તળેટીવાળા પણ જો ચાહશે અને સમુચિત સાધનોનો આધાર લઇને પ્રયત્ન કરશે તો
પર્વત પર પહોંચશે જ. આજે જેમને પર્વતારોહણની ઇચ્છા નથી થતી તેમને એક નહિ તો
બીજા દિવસે થશે જ.

(શ્રી
યોગેશ્વરજી કૃત 'શ્રીમદ્
ભાગવત' માંથી)
|