|
યાત્રાનો મહિમા પ્રાચીન કાળથી જ ઘણો મોટો મનાય છે અને એ ખૂબ જ સહેતુક છે.
યાત્રા દ્વારા સૌથી પહેલાં તો દેશ અને દુનિયાનું દર્શન થાય છે-કહો કે ઇશ્વરનું
વિશ્વરૂપદર્શન. દેશમાં જુદા જુદા સ્થળોમાં વસતા માનવોનો પ્રત્યક્ષ પરિચય થાય
છે, એમની સમસ્યાઓને અને એમનાં સુખદુઃખોને સહાનુભૂતિપૂર્વક સારી પેઠે સમજી શકાય
છે, અને એવી રીતે ઉદારતા, વિશાળતા તથા આત્મીયતા વધે છે.
એવી યાત્રાઓને લીધે દેશની અખંડ અંતરંગ એકતાની અનુભૂતિ પણ સહજ બને છે. દેશમાં
બહુવિધ ભાષાઓ, વેશો ને રીતિરીવાજો હોવાં છતાં પણ એનો આત્મા એક છે એની પ્રતીતિ
થાય છે. એ ઉપરાંત તીર્થસ્થાનોમાં વસતા સંતોનો સમાગમનો સુઅવસર પણ સહેલાઇથી
સાંપડે છે, એમના સદુપદેશનો લાભ મળે છે અને એ દ્વારા જીવનના ઉત્તરોત્તર સુધાર
તથા વિકાસની પ્રેરણા પ્રાપ્ત થાય છે.
યાત્રા જીવનના નિરીક્ષણની તક પૂરી પાડે છે. ઘરથી કેટલાક કાળ સુધી દૂર રહેવાનો
અવસર ઉપસ્થિત થતાં ઘર, કુટુંબ તથા બીજા લૌકિક પદાર્થોની મમતા ઘટાડવાની અનુકૂળતા
થાય છે. યાત્રા દરમિયાન નવા નવા નિયમો ને વ્રતોનો આધાર લઇને જીવનને વધારે ને
વધારે પવિત્ર ને ઇશ્વરપરાયણ કરી શકાય છે. એ માટેની શક્યતા તો એમાં હોય જ;
પછી એનો જેવો ને જેટલો લાભ લેવાય તેટલો ઓછો છે.
માણસો યાત્રા કરે છે ખરા પરંતુ જીવનસુધારની દૃષ્ટિએ જાગૃત રહીને યાત્રા કરનાર
ઓછા હોય છે. એને લીધે યાત્રાઓ જીવનમાં જરૂરી ક્રાંતિ નથી કરી શકતી ને શાંતિ પણ
નથી ધરતી. યાત્રા પર યાત્રા થતી જાય છે તો પણ માણસ વરસો પછી પણ એવો ને એવો જ
રહે છે. એના વિચારો, ભાવો, સંકલ્પ વિકલ્પો નથી બદલાતા. એવી યાત્રાઓ જેટલી થવી
જોઇએ તેટલી ઉપયોગી ના થઇ શકે. એમાં કેટલીક વાર લેવાતા નિયમો પણ ભારે વિચિત્ર
અને અનુપયોગી હોય છે.
એકવાર એક ભાઇ ચાર ધામની યાત્રા કરીને મને મળવા આવ્યાં. મેં તેમને પૂછયું કે
યાત્રામાં કોઇ નિયમ લીધો
?
તેમણે કહ્યું કે હા. નિયમ તો લેવો જ પડે ને
?
મેં નિયમ લીધો છે.
શો નિયમ લીધો છે ?
કારેલા નહિ ખાવાનો.
એમ ?
તો તો તમને કારેલાં ખૂબ જ ગમતાં હશે.
સાચું કહું ?
હા. સાચું જ કહો. હવે તો યાત્રાએ જઇ આવ્યા છો એટલું સાચું જ કહેવું જોઇએ.
સાચું કહું તો મને કારેલાં ભાવતાં જ નથી. યાત્રામાં કોઇક વસ્તુનો ત્યાગ કરવો
જોઇએ એટલે મેં એનો ત્યાગ કર્યો છે.
એ ત્યાગવીરનું સ્પષ્ટીકરણ સાંભળીને મને નવાઇ લાગી. આપણે ત્યા મોટે ભાગે આવા જ
ત્યાગવીરો મળતા હોય છે. મેં તેમને ત્યાગનો મહિમા સમજાવતાં કહ્યું કે ત્યાગ તો
પોતાના પ્રિય પદાર્થનો થવો જોઇએ. અપ્રિય પદાર્થનો નહિ. અપ્રિય પદાર્થના ત્યાગને
સાચો અથવા સંપૂર્ણ ત્યાગ ના કહી શકાય. જે પદાર્થ આપણને પ્રિય હોય તે પદાર્થના
ત્યાગને જ સાચો ત્યાગ કહી શકાય. તેવો ત્યાગ જ શોભાસ્પદ ગણાય.
તીર્થોમાં જનારા મોટા ભાગના લોકોના સંબંધમાં એવું જ બને છે. કોઇક કારેલાં છોડે
છે તો કોઇક શકરીયાં ને કોઇક બટાકા, અને મોટે ભાગે એ વસ્તુઓ એમને ગમતી જ નથી
હોતી. તીર્થોમાં જઇને કોઇક શાક છોડે કે ખાય તેનો વાંધો નથી. પરંતુ એટલામાં જ
ઇતિકર્તવ્યતા માનીને બેસી રહેવાને બદલે જીવનની વિશુદ્ધિના માર્ગે સાચી રીતે આગળ
વધવું જોઇએ. એ દૃષ્ટિથી વિચારતાં વ્યસનોનો, અહંતા, મમતા અને આસક્તિનો ત્યાગ
કરવો જોઇએ. દુર્ગુણોને ત્યાગવાના, વહેલા ઊઠવાના, પ્રાર્થના, જપ, ધ્યાન,
સ્વાધ્યાય, સેવા કે દાનના નિયમો લેવા જોઇએ. રોજ ગીતાપાઠ કરવાનો અથવા એવા જ બીજા
સ્વાધ્યાયનો સંકલ્પ કરવો જોઇએ. એ ઉપરાંત તીર્થસ્થાનના આહલાદક, આધ્યાત્મિક
પવિત્ર પરમાણુઓથી પરિપ્લાવિત વાતાવરણમાં રહીને આત્મિક ઉત્કર્ષને માટે ઉપયોગી
અભ્યાસક્રમનો ઉત્સાહપૂર્વક આધાર લેવો જોઇએ. ત્યાં પથરાયલી કુદરતી સુંદરતા,
પવિત્રતા, અલૌકિકતા તથા શાંતિનો સ્વાદ લઇને અથવા એમના સાથે એકરૂપ થઇને જીવનને
ઉજ્જવળ કે કૃતાર્થ કરવાના પ્રામાણિક પ્રયત્નોમાં લાગી જવું જોઇએ. તીર્થોની
યાત્રા ત્યારે જ સફળ બને ને સાર્થક ઠરે.

(શ્રી
યોગેશ્વરજી કૃત 'શ્રીમદ્
ભાગવત' માંથી)
|