Invaluable guide for spiritual aspirants

 

હિમાલયના પત્રો

 

Collection of Letters written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

અદ્વૈતનો અનુભવ
 

 

માણસ જ્યારે અનુભવે છે કે પોતે જ સર્વ કંઈ છે, જ્ઞાન છે, જ્ઞાતા કે જ્ઞેય છે, પૂર્ણ છે, મુક્ત છે, બુદ્ધ છે, પછી તેને જાણવા જેવું કયાં ને શું રહ્યું ? તે તો પછી જીવનમુક્ત જ બની રહે છે.
                                               
- શ્રી યોગેશ્વરજી

 

< Back | Index | Next >

       

વડોદરા,

તા. 14 માર્ચ 41

 

નારાયણ,

     વંદન. અઠવાડિયું થયું હશે એટલામાં તો ઋષિકેશ ગયો ને આવ્યો. કેટલોય ફેરફાર થઈ ગયો. જાણે આખો યુગ વીતી ગયો. હવે શાંતિ છે, આનંદ છે, કૃતકૃત્યતા છે.

     સ્વામી શિવાનંદે મને બોલાવ્યો ન હતો છતાં હું ગયો હતો. હિમાલય તરફ જઈને કે યોગ શીખીને સાક્ષાત્કાર પછી જ પાછા ફરવું એવો વિચાર હતો. ત્યાં ગયા પછી જણાયું કે ત્યાં રહેનારા 7-8 સંન્યાસી હજુ તો પ્રથમ પગલી ભરનારા જ હતા. બધા જ કર્મ માર્ગી હતા. મારે પણ ત્યાં કાંઈક કામ કરવું પડશે એવું કહેવામાં આવ્યું. તે રાતે મેં સ્વામીજીને કહ્યું કે ગમે તે કામ હું કરીશ ને ત્યાં રહીશ. તેમણે હા કહી. પણ એક રાતમાં જ બઘું બદલાઈ ગયું, રાતે મારી આંખ ભીની હતી. શું કરવું તેની સાચી સમજ ન હતી. મારી સાધના જો સાચી હોય તો મને માર્ગ મળવો જ જોઈએ એવી મારી શ્રદ્ધા હતી. સાક્ષાત્કાર એટલે શું તે વિષે પણ મને પૂરો ખ્યાલ ન હતો. અમદાવાદમાં સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલયમાં પેલા સ્વામીજીએ કહ્યું હતું- ‘‘તમે ત્યાં ગયા પછી જાણશો કે જે માટે તમે ગયા હતા તે તમારી પાસે જ હતું. એમણે કહ્યું હતું કે આત્માનુભવ થાય ને તે પછી આનંદ ને શાંતિમાં મન મગ્ન થાય, પ્રત્યેક વસ્તુમાં નૂતનત્વ જણાય, અને એ અનુભવમાં એક પળ પણ કે તેથી વધારે વાર સુધી દેહનું ભાન ભુલાય, તો તે સમાધિ છે. માણસ અનુભવે કે પોતે બ્રહ્મ છે, એક અને અખંડ છે, સર્વ છે. પછી તો તે જે કરે છે તે નિર્લેપ રહીને જ કરે છે. જ્યાં જ્યાં જુએ છે ત્યાં આત્મા અનુભવે છે. આ જ - બ્રહ્મની સાથે આત્મના અદ્વૈતનો અનુભવ થવો એ જ સાક્ષાત્કાર છે.’’

     તે વખતે મને શંકા હતી પણ હવે લાગે છે કે એ ખરું છે. એ પણ જ્ઞાનયોગનો વિકાસ છે. માણસ જ્યારે અનુભવે છે કે પોતે જ સર્વ કંઈ છે, જ્ઞાન છે, જ્ઞાતા કે જ્ઞેય છે, પૂર્ણ છે, મુક્ત છે, બુદ્ધ છે, પછી તેને જાણવા જેવું કયાં ને શું રહ્યું ? તે તો પછી જીવનમુક્ત જ બની રહે છે.

    તે રાતે હું કીર્તનખંડમાં સૂતો. ખંડમાં કૃષ્ણની છબી હતી. અંધારું હતું. ને સવારે જોઉં છું તો અદભુત અનુભવ થયો. શાંતિ. કેવી દશા હતી કે કહી શકાય તેમ નથી. હૃદયના ઊડાણમાંથી અવાજ આવ્યો. એવું મેં કોઈ વાર અનુભવ્યું નથી એ શબ્દ આ હતા : તું નિત્યસિદ્ધ છે, મુક્ત છે. મેળવવાનુ તે મેળવી લીધું છે. તારે આ સાધના શી ? તું મુક્ત છે. હવે તું ભલે સંસારમાં જા. તું કદી નહિ લેપાય. અવાજ દિવ્ય હતો. હું આનંદથી પુલકિત થયો. ઉલ્લાસ પ્રસરી વળ્યો. ગંગાનો સુંદર કિનારો હતો ત્યાં જઈને મેં મારો સ્વર વહેતો મૂક્યો. અદ્ધૈતનો અનુભવ થયો. દિવ્ય દેશનો રસ મળ્યો. ઉત્સાહ ના માયો.

    સવારના પહોરમાં જ એક સ્વામીજીને મેં કહ્યું, હું પાછો જઈશ. મારે સાધનાની જરૂર નથી. એ આશ્ચર્ય પામ્યા હું આનંદમગ્ન હતો. મારો અનુભવ પણ એ પૂરો સમજી ના શકયા. લોકોમાં ખાસ કરીને એવો રૂઢ વિચાર ફેલાયો હોય છે કે અમુક ઉંમરે જ અમુક અનુભવ થઈ શકે. ગમે તેમ. હું ત્યાં રહી શકત. ઓછામાં ઓછું એક વરસ ત્યાં રહેવું એવો મારો વિચાર હતો. હિમાલયમાં આગળ જવાનો પણ વિચાર હતો. બને તો પાછા ન જ ફરવું એવો સંકલ્પ હતો. છતાં હું સંન્યાસ-બહારનો સંન્યાસ-લેવાની વિરુદ્ધ હતો. પરંતુ આ અજબ અનુભવે મને પાછો આણ્યો. મેં જે અનુભવ્યું છે તે મારા વિના કોણ જાણી શકે ?

 

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'હિમાલયના પત્રો'માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer