Invaluable guide for spiritual aspirants

 

હિમાલયના પત્રો

 

Collection of Letters written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

વિદ્યાર્થીઓનો પ્રેમ
 

 

વિદ્યાર્થીઓ પ્રભુની પ્રતિમાઓ છે. તેમની આંખમાં, તેમની વાણીમાં, તેમના હલનચલનમાં - બધામાં, ઈશ્વર નહિ તો બીજું શું છે ? તેમની વાણી મીઠી છે, તેમનું હૃદય પ્રેમાળ છે, તેમની આંખમાં ઈશ્વરનો ચમકાર છે.
                                               
- શ્રી યોગેશ્વરજી

 

< Back | Index | Next >

       

ટી. બી હાઈસ્કુલ, ભાદરણ.

તા. 10 એપ્રિલ 1941

 

નારાયણ,

     નમસ્કાર. ઋષીકેશથી આવ્યા પછી તરત જ મને અહીં ખાલી જગા હોવાથી નોકરી મળી છે. તેથી ઘેર બેસી રહેવા કરતાં આ સારું એમ માનીને અહીં આવ્યો છું. આવતી તા. 26 મીએ હુકમ પૂરો થાય છે. પછી જે કરવાનું છે તે છતું રહેશે. થશે તેમ તેમ જણાશે.

     આનંદ-સુખ-શાંતિ-કલ્યાણ રાજસિંહાસન પર બેસનારા રાજાને જે સુખ નહિ સાંપડતું હોય  તે સુખ અહિંયા છડી પોકારી રહ્યું છે ધન ને વૈભવમાં મહાલનારને જે નહિ મળતો હોય તે આનંદ અહિયા આનંદી રહ્યો છે. ચારે બાજુ કલ્યાણ ફરી વળ્યું છે. ખરી રીતે જોઈએ તો આપણી આજુબાજુ આનંદ ને કલ્યાણનો સાગર ઊછળી રહ્યો છે. બહુ જ ઓછા પુરુષો એને ઓળખી શકે છે ને તેથી પણ ઓછાં એમાં અહર્નિશ આનંદે છે. એ સાગરને ઓળખવાથી જ ને તેમાં હંમેશાં સ્નાન કરવાથી જ માણસ મુક્ત થાય છે, સાચા સુખની પ્રાપ્તિ કરે છે.

    અહીં આવ્યે વીસેક દિવસ થયા. દરમ્યાન દિવસો બહુ આનંદમાં પસાર થઈ રહ્યા છે. મને હવે કશાનો શોક નથી. શાનો શોક હોય ? મારા વિના વિશ્વમાં બીજું કોઈ તત્વ જ નથી. મારામાં શોક ને નિરાશા જેવા દુન્યવી તત્વો પ્રવેશી શકે તેમ નથી. હું ગુણથી પર છું છતાં કહો કે સચ્ચિદાનંદ છું. જન્મ ને મરણનાં બંધનોને લાત મારીને બહાર નીકળેલો છું. હૃદયમાં વહી રહેલો આનંદ અંગઅંગમાં વહી રહ્યો છે.

     અહીં સ્કૂલના બોર્ડીંગ છે ત્યાં રહું છું. નાની ઓરડી છે. પરંતુ તે વિદ્યાર્થીઓથી ભરાઈ જાય છે. વિદ્યાર્થીઓનો પ્રેમ ખૂબ છે. તેઓ પ્રભુની પ્રતિમાઓ છે. તેમની આંખમાં, તેમની વાણીમાં, તેમના હલનચલનમાં, -બધામાં, ઈશ્વર નહિ તો બીજું શું છે ? તેમની વાણી મીઠી છે, તેમનું હૃદય પ્રેમાળ છે, તેમની આંખમાં ઈશ્વરનો ચમકાર છે; ઈશ્વરે જ કહ્યું છે - હું ત્યાં છું જ્યાં જ્યાં સૌન્દર્યનો ઝબકાર છે, જ્યાં આનંદનો વાસ છે, બુદ્ધિનો ચમકાર છે. ગમે તેમ, પણ વિદ્યાર્થીઓનો પ્રેમ ખૂબ છે. દિવસમાં કેટલીયવાર તેઓ આવે છે ને વાત કહો ભજન કહો કહીને આનંદ વ્યક્ત કરે છે. કેટલાક મેટ્રિકના છે, એક બે માસ્તર છે, બીજા છઠ્ઠા કે પાંચમા ધોરણના છે. અત્યાર સુધી પીંજરમાં પુરાયેલા પંખીને એના સ્વાભાવિક એવા પ્રદેશમાં ગીત સંભળાવનાર કોઈક મળે અને એ પંખીમાં જે ભાવ જાગે, એવું જ કાઈક અહીં થયું છે.

     આનો શોક પણ છે, આનંદ પણ છે. આનંદ એટલા માટે કે આવી ભાવનામાં સ્નાન કરવું બહુ દુર્લભ છે. ને શોક એટલા માટે કે આપણા શિક્ષણે આપણને કયાં મૂક્યા છે ! આપણે નથી રહ્યા ઘરનાં કે નથી રહ્યા ઘાટનાં ! જીવનની સાચી દિશા બતાવે, જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે આપણો માર્ગ અજવાળે, દ્રઢ મુદ્દાથી આગળ ને આગળ વધવા પ્રેરે, આત્મજ્ઞાનનું ગૌરવ જગાવે, આવું સાહિત્ય આપણને શીખવવામાં આવ્યું જ નથી. આપણને હસતાં આવડતું જ નથી. રડવાનું પણ આપણે પૂરેપૂરું જાણતા નથી. આપણે માત્ર નકલ કરીએ છીએ ! આ આપણો આનંદ ! આનંદને આપણે વિસારી દીધો છે. એ તો આપણો જન્મસિદ્ધ હક છે. ભવ્ય ભારતનાં આ બાળકો ! તેમને યોગ્ય દિશા સૂચવવી હોય તો તેમના સ્વરૂપનું જ્ઞાન આપવાની પણ જરૂર છે.

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'હિમાલયના પત્રો'માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer