Invaluable guide for spiritual aspirants

 

હિમાલયના પત્રો

 

Collection of Letters written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

હિંદમાતાની વેદના
 

 

હિંદમાતા વિશ્વનો પ્રાણ છે ને વિશ્વની શક્તિ છે. એને આંચળે એક વાર અવની વળગી હતી, એક વાર ફરી એ અવનીને નોતરશે, ફરી એનું પય ચખાડશે.
                                               
- શ્રી યોગેશ્વરજી

 

< Back | Index | Next >

       

કન્યાવિદ્યાલય, ભાદરણ.

તા. 19 જુલાઈ 41

 

વ્હાલા નારાયણ,

1

 

     આજે ગામથી દૂર દૂર આવેલા એક ખેતરમાંથી પત્ર લખવામાં આવે છે. સમય સાંજનો છે. સામે જ વૃક્ષની હાર છે ને તેના પર ઊભેલો સૂર્ય મારાં દર્શન કરતો કરતો કૃતાર્થ થાય છે. સાથે જ આ સુમધુર પવન વાય છે. એનું ગીત પણ અદભુત છે.

    હૃદયમાં આ વખતે અનેરું ગીત જાગી રહ્યું છે. સંપૂર્ણ સંવાદ છે. દેહથી ભિન્નત્વની દશા અનુભવાઈ રહી છે. સંપૂર્ણ શાંતિથી આ લખાય છે.

    આંખ આગળ હિંદમાતા આવે છે. હાથમાં સિતાર છે. માથું ઉઘાડું છે. લટેલટ વિખરાઈ ગઈ છે. પગમાં જોર નથી. માથું ઢળી ગયું છે-એ સિતાર પર નમી પડયું છે. સિતારના તાર તૂટી ગયા છે, ગીત બંધ પડી ગયું છે. માની આંખમાં દર્દ છે, કરુણા છે, અપાર વેદના છે. એ પૃથ્વીના ગોળા પર બેઠી છે. એક વખત એ એવી ન હતી. આખી સૃષ્ટિની શક્તિ હતી. સૌને પ્રેરણા પાનારી એ એક વખત પરમપાવની હતી. આજે એ કેવી છે ? એના સુમધુર મુખમાંથી આજે એક સ્વર પણ નીકળતો નથી, એક શ્વાસ પણ છૂટતો નથી-અરે, એની આંખ ભીની છે. આંસુની ધાર પણ ઊઠી શકતી નથી. કેમ આમ થયું ? એના બાળકોએ એને ધુતકારી કાઢી ? એનાં છોરુ કછોરુ પાકયાં ? એક વારની ગંગા હતી-મૈયા હતી. એનાં ધાવણ કેમ સુકાયાં ? એ કેમ દીન બની ? એ શાંતિનો અવતાર હતી. ભીષ્મ, કૃષ્ણ, ઋષિવરો એના પુત્રો હતા. સીતા ને સાવિત્રી એની સાહેલી હતી. દુષ્યન્ત ને અશોક, શિવાજી ને પ્રતાપ તથા જનક એના કુંવર હતા. એને ખોળે કોણ ન હતાં ? નદીનાં મીઠાં તીર હતાં ને તટે તટે તીર્થ હતાં. આજે એ કયાં ગયાં?

    આંખમાં આંસુ આવે છે. માતાની આ દશા નથી જોઈ શકાતી. શું જે હજારોની પ્રેરણા હતી, જે હજારોની માતા હતી, હવે તે ફરી નહિ ઊઠે ? એની આંખ નહિ ઊઘડે ?

      એ વિશ્વનો પ્રાણ છે ને એ વિશ્વની શક્તિ છે. બીજાએ એને હલકી ગણી, જંગલી કહી. ભલે, એને સુધરવું નથી. કટ્ટર દુશ્મન બની એકમેકની કતલ કરવી, લાખોની સંખ્યામાં ગુનેગાર કે બિનગુનેગારને ગોળીએ ઉડાડવા, કુમળાં કુસુમોને પળવારમાં હતાં ન હતાં કરવાં, લક્ષ્મી ને સત્તાનાં સિંહાસનો માંડવાં, પાશવી લાલસાઓનાં ટોળેટોળાં કાઢવાં, આ જો સુધારો હોય તો એને એ નથી જોઈતો. ભલે એ ગૌ રહી. એને વાઘણ થવું નથી. એને આંચળે એક વાર અવની વળગી હતી, એક વાર ફરી એ અવનીને નોતરશે, ફરી એનું પય ચખાડશે.

     પેલે દિવસે દ્રૌપદીનાં ચીર ખેંચાયાં હતાં, આજે શાંતિનાં વસ્ત્ર ખેંચાઈ રહ્યાં છે. કયો કૃષ્ણ એની વહારે ધાય ? મારા ભાઈ, આપણે તો એ માના બાળકો રહ્યાં. આપણો ધર્મ એ માતાની સારવાર કરવાનો રહ્યો. પણ આપણને એનો શો હક છે ? એ પવિત્ર પુરુષોની જનનીને, એ પતિતપાવનીને, સ્પર્શ પણ કરવાનો આપણને શો અધિકાર છે ? આપણે તો એની ગોદમાં લપાઓ. એને સમજો. એના આદર્શને જીવનમાં ઉતારો.

     એનો મંત્ર ત્યાગનો છે; વિલાસ ને વૈભવને છોડવાનો, જીતવાનો છે, શુદ્ધ થવાનો છે. આટલું કર્યા પછી એને કહો- ઓ મા, હું તારો છું, તું મારી છે. એ જરૂર હસશે-ઊભી થશે.

    

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'હિમાલયના પત્રો'માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer