Invaluable guide for spiritual aspirants

 

હિમાલયના પત્રો

 

Collection of Letters written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

કવિતાની સાચી મહત્તા
 

 

રતનને ઝવેરી જ પારખે છે ને ઝવેરી, ઝવેરી હોવાના દાવા કરતા નથી.
                                               
- શ્રી યોગેશ્વરજી

 

< Back | Index | Next >

       

લોહાણા બોર્ડીંગ, વડોદરા.

તા. 29 જાન્યુ. 1942

 

ભાઈ નારાયણ,

     ગઈ કાલે તમારો પત્ર મળ્યો. આજે હું વડોદરા આવ્યો અને અહીંથી લગભગ અઠવાડિયા પછી ભાદરણ જવાનો છું. તે દરમિયાન અહીં હઠયોગની કેટલીક પ્રક્રિયાઓ કરવા ઈચ્છું છું. દરમ્યાન પત્ર લખવો હોય તો ભાદરણ જ લખશો. મને તે મળી શકશે. આજે હું કેટલાંક મુકતકો તથા કાવ્યો મોકલું છું.

    પત્રમાં તમે જે લખ્યું છે તે બરાબર છે. અત્યારની પ્રકટ થતી કવિતા મોટે ભાગે અર્થઘન અને શબ્દપ્રચૂર હોઈ લોકોની વૃત્તિ પણ કાંઈક અંશે એવી કવિતા માટે ટેવાઈ ગઈ હોય છે. પણ તે ઠીક નથી. આપણે તો સામાન્ય માણસો પણ સમજી શકે તેવી કવિતા જોઈએ. ગાંધીજીએ કહેલું કે કોશિયા પણ સમજે તેવી કવિતા લખાવી જોઈએ. કવિતાની સાચી મહત્તા બહારના છંદ અને શબ્દભંડાર પર નહીં પરંતુ તેની અંદરના વિધાન તથા વસ્તુ પર જ છે. કવિતાની ભાષા સાદી જોઈએ પણ તેની અંદરની વસ્તુ પ્રેરક અને ચિરંજીવ જોઈએ. અત્યારની કવિતાની એક મોટામાં મોટી મર્યાદા એ છે કે તે ચિરંજીવી તત્વ ઓછું ધરાવે છે. શબ્દ ભંડારને પદલાલિત્યવાળી કવિતાઓ ઠેરઠેર જડશે પણ પ્રેરણા આપી શકે એવી કવિતાઓ ઓછી હશે. આ એક અધ:પતન છે. રવિન્દ્રનાથ જેવો કવિ જેઈએ છીએ એમ ગાંધીજીએ કહેલું. તેનો અર્થ એ જ કે રવિન્દ્રનાથનાં કાવ્યોમાં જે પ્રેરણા, સંદેશ, આશા ને સાદાઈ છે તેને કવિતામાં વણી લેનાર કવિ વધારે ઉપયુક્ત લેખાય. કદાચ થોડા સમયને માટે તેનું મૂલ્યાંકન ના થાય પરંતુ તેની મહત્તા કોઈ પણ કાળે જણાઈ રહેવાની એમાં શંકા નહીં. સાચી કવિતાનું એ લક્ષણ છે.

ગુજરાતી સાહિત્યમાંથી એવી પચીસ કવિતાઓ શોધી આપશો જે તમને દુ:ખના વખતમાં સુખનો સંદેશ આપે, તમે નિરાશ થયા હો તો જે તમને આશા આપે, તમને ઉચ્ચ વિચારો આપે, જિંદગીમાં તમારા મિત્ર બની રહે ? હું માનું છું કે આપણે ત્યાં એવી કવિતાઓ થોડી જ છે. બીજું, ખુલ્લે રાગે આનંદથી ગાઈ શકાય, એવાં કાવ્યો પણ કેટલાં ? ખંડકાવ્યો આપણે ત્યાં છે. પણ એમાં ચિરંજીવી તત્વ કેટલું ? રાસનું પણ એવું જ છે. ઉત્સાહ આપે, ઉચ્ચ વિચાર આપે, માર્ગદર્શન કરાવે, એવું કાવ્ય સાહિત્ય આપણે ત્યાં બહુ જ થોડું છે અને એ જ આપણી કંગાલિયત છે. આપણાં કાવ્યોમાં આ બધું છે એવો દાવો ના જ થાય, પરંતુ એક કવિ તરીકે આ દ્રષ્ટિને લક્ષમાં રાખવાનો આપણો ધર્મ છે એ સંપૂર્ણ સાચું છે. આપણાં કાવ્યોમાં આધ્યાત્મિકતા વધારે હશે, પણ તેથી શું ? જીવનની સાથે સગાઈ હોય એવી આધ્યાત્મિકતા જરૂર પ્રશસ્ય છે. વળી એનું કારણ જીવનનો વિકાસ છે. આપણું જીવન પહેલું કાવ્યપ્રધાન હતું, હવે ભક્તિ પ્રધાન, આધ્યાત્મિક છે એટલે કાવ્યમાં પણ એ જ વિકાસ જોઈ શકાય છે. બીજા ગમે તે કહે, આપણને શ્રદ્ધા હોવી જોઈએ. એકની દ્રષ્ટિ તે કાંઈ દરેકની દ્રષ્ટિ નથી. એટલે આપણું કાર્ય ચાલુ જ રાખવું જોઈએ. એમાં સત્વ હશે, આપણા કાવ્યોમાં હીર હશે. તો તે જરૂર તરશે. રતનને ઝવેરી જ પારખે છે ને ઝવેરી ઝવેરી હોવાના દાવા કરતા નથી. તમારા કાર્યમાં સફળતા મળે એમ ઈચ્છું.

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'હિમાલયના પત્રો'માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer