Invaluable guide for spiritual aspirants

 

હિમાલયના પત્રો

 

Collection of Letters written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

કાર્યમાં શ્રદ્ધા
 

 

આનંદ ને સુખનું મૂળ અંતર છે, તે જેને લાધ્યું તે કૃતાર્થ થાય છે. બહારનાં પ્રદેશમાં ફાંફાં મારવાની તેને જરૂર રહેતી નથી.
                                               
- શ્રી યોગેશ્વરજી

 

< Back | Index | Next >

       

કન્યા વિદ્યાલય, ભાદરણ.

તા. 3 એપ્રિલ, 1942

 

ભાઈ નારાયણ,

     ઘણો વખત થયો. તમારો પત્ર નથી, લખશો. પુસ્તકનું શું થયું ? જણાવશો. ગમે તેવા સંજોગોમાં પણ નિરાશ થવું નહિ. આપણા કાર્યમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ. અભ્યાસ તો પૂરો થયો હશે. બેનનો અભ્યાસ પણ સારો હશે. તેમને મારા પ્રણામ કહેશો. રજાઓ પડવાને હવે એક મહિનો છે. તે પણ વિદ્યાલયમાંથી હું છૂટો થવાનો છું. પછીના સમયમાં શું નિર્માયલું તે અત્યારે કેમ કહી શકાય ? પણ એટલું તો ખરું કે હવેનું જીવન જરાક રોમાંચક હશે. ઈશ્વરને ચરણે જીવનનું સર્વસ્વ ધરી દેવું ને એક એની જ ઈચ્છાનુસાર વર્તવું એ મારો ટેક હતો. આજ સુધી એને વત્તેઓછે અંશે સાચવી રહ્યો છું. હવે પછી પણ તે નષ્ટ થશે નહિ. ઈશ્વરે જે કરવા ધાર્યું હશે તે જરૂર સારા માટે હશે એ મારી માન્યતા છે. એમાં કદિકાળ પણ ફેર પડે એમ નથી. આજ સુધી એણે મારી સંભાળ રાખી છે. ઠેઠ બાલપણમાં જ્યારે પિતાજી શરીર છોડી ગયા ત્યારે દૂરદૂરના દેશમાં મૂકનાર કોણ હતું ? ઈશ્વર જ. ત્યાં પણ એને જ વિકાસ માટે ભૂમિકા તૈયાર કરી. છેવટે ઋષિકેશ જવાની પ્રેરણા આપનાર ને ત્યાં જવા માટે વાતાવરણ તૈયાર કરનાર પણ તે જ હતો. હવે તે જરૂર સંભાળશે. ન સંભાળે તેમ બને જ નહિ. હજી સુધી મારો વિકાસ રુંધાયો નથી. ઈશ્વરને ચરણે સર્વ સમર્પણ કરવાનું ને તેને આત્મ નિવેદન કરવાનું હજી ગયું નથી-જઈ શકે તેમ નથી. એટલે તે સદા માર્ગદર્શક તરીકે છે જ.

     ભાદરણમાં રહ્યે એક વરસ થયું એમ કહી શકાય. દરમ્યાન ઘણું મળ્યું છે. ઋષિકેશથી આવ્યો ત્યારે આનંદ હતો. આજેય છે કેમકે તેનું સ્થાન અંતરમાં છે, બહારની કોઈ વસ્તુમાં નહિ. આનંદ ને સુખનું મૂળ અંતર છે, તે જેને લાધ્યું તે કૃતાર્થ થાય છે. બહારનાં પ્રદેશમાં ફાંફાં મારવાની તેને જરૂર રહેતી નથી. છતાં ખરું કહું તો જીવનની દિશામાં મહાન ને ત્વરિત ફેરફાર થાય એવો પ્રસંગ ઉપસ્થિત થયો છે. ફરીથી હિમાલય તરફ જવું. એ વિચાર હમણાં હમણાં ખૂબ રહે છે, નીકળી શકતો નથી. હઠયોગની ભીતરમાં ઊતરવાની ઈચ્છા છે. સંકટો પડશે પણ સંકટોને સુમનો માનીને કંઠમાં નાખી દેવાં એમાં તો વીરતા છે. આ માર્ગ લેવામાં બીજી કોઈ મુશ્કેલી નથી. માત્ર માતાનો પ્રશ્ન છે. હૃદય કહે છે કે તે પ્રશ્ન ઊકલી જશે. તેમ થાય તો સારું. માર્ગ ઉઘાડો થશે. સંસારની કોઈ પણ વસ્તુ પ્રત્યે સાચું કહું તો મને જબરું આકર્ષણ રહ્યું નથી. કદાચ ત્યાં હું રહેતો તે વખતનું વાતાવરણ આને માટે જવાબદાર હશે. કે પછી અનાથાશ્રમમાં જે સુયોગ્ય ભૂમિકા વિકાસને માટે ઈશ્વરે તૈયાર કરી હતી તે આનું એક અગત્યનું કારણ હશે. ગમે તેમ, સેવા કરવાનો બીજો વિચાર છે-પહેલાં પણ હતો. પરંતુ શું સેવા થાય ? પહેલાં હું લાયક થાઉં, પછી તે કરું. આટલા અનુભવ પછી એમ સાચે જ લાગ્યું છે કે માનવજાતિની સારી સેવા કરવી હોય તો આથી પણ વધારે સુંદર ને વધારે વિકાસની આવશ્યક્તા છે. આટલો વિકાસ કાંઈ પર્યાપ્ત નથી. ખરી રીતે તો તે સમુદ્રમાંના એક બિંદુની બરાબર પણ નથી. એવી શક્તિ જ પ્રાપ્ત કરી શકાય જેથી કદિ ચલિત ન થવાય, એ સારું છે. આ બધા વિચારો મનમાં છે માટે જ ઈશ્વરે અહીંથી ખસેડવાનું કર્યું છે એમ માનું છું અને આથી વધારે સારું વાતાવરણ આવવાનું છે એને માટે જરાય શંકા રખાય ? નહિ જ.

     ભાદરણમાં રહ્યો તે દરમ્યાન બહુ બહુ પરિચયો થયા. વિચારો પણ મળ્યા. કેટલાક તો ખાસ યાદ રહે એવા ને રાખવા તથા કહેવા જેવા છે. કદાચ તે લખાશે. નહિ તો પ્રસંગ મળતાં કહેવાશે.

 

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'હિમાલયના પત્રો'માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer