Invaluable guide for spiritual aspirants

 

હિમાલયના પત્રો

 

Collection of Letters written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ઈશ્વરનું શરણ
 

 

શું પ્રાણાયામ કે શું જપ, દરેક સાધનનું લક્ષ્ય કે અંતિમ ધ્યેય હૃદયની શુદ્ધિ તથા તે વાટે થનારા જ્ઞાનની પ્રાપ્તિ છે.
                                               
- શ્રી યોગેશ્વરજી

 

< Back | Index | Next >

       

ઋષિકેશ,

તા. ૩ મે, ૪૩

ભાઈ નારાયણ,

હવે તેં પ્રાણાયામ વિષે પૂછ્યું છે તેનો ઉત્તર આપું. શું પ્રાણાયામ કે શું જપ, દરેક સાધનનું લક્ષ્ય કે અંતિમ ધ્યેય હૃદયની શુદ્ધિ તથા તે વાટે થનારા જ્ઞાનની પ્રાપ્તિ છે. અલબત્ત, પ્રાણાયામ કરતાં કરતાં કેટલીક લોકોત્તર શક્તિઓ કે જેને સિદ્ધિ કહેવામાં આવે છે તે સાંપડે છે ખરી પરંતુ તે તેનું ધ્યેય નથી. એ તો રસ્તાનાં સ્થાનો-સ્ટેશન્સ- છે.

વળી પ્રાણાયામના પ્રકારો અનેક છે. પરંતુ આહાર સાત્વિક ને સૂક્ષ્મ રાખવામાં આવે તો જે જાતના પ્રાણાયામ કરાતા હોય તે રીતે એક માસ જેટલા સમયમાં તેની અસર સારી રીતે જણાવા માંડે છે. યાદ રાખવું કે બહુ બોલવાથી પ્રાણાયામ થઈ શકતા નથી તથા પ્રાણાયામ માટે કોઈ અનુભવીનું માર્ગદર્શન જરૂરી છે.

                              *

હાલ લખવાનું ચાલે છે. અહીં કલ્યાણવાળા જયદયાલ ગોએન્કા આવ્યા છે. કદી કદી ત્યાં જાઉં છું. ભજનો તથા સાધકો માટે નોંધ લખું છું. બાકી સમય સુંદર રીતે પસાર થાય છે. આ વસ્તુનો તો આનંદ જ અનેરો છે. સંસારના કોઈ પણ વિષય પાસે આટલો આનંદ નથી આમાં તો ખુદ આનંદ બની જવાય છે. મારો સમય સાધારણ રીતે

(૧) રાતે ૯-૩૦ વાગે સૂવું.

(૨) ૧ વાગે ઊઠવું.

(૩) ૧ થી ૩ ધ્યાન કરવું.

(૪) ૩ થી ૪ ફરવું.

(૫) ૪ વાગે શૌચાદિથી નિવૃત્ત થવું.

(૬) પછી પ્રાણાયામમાં બેસવું.

(૭) સ્નાન કરવું.

(૮) આસન કરવાં.

(૯) છ વાગ્યા પછી વળી ધ્યાન કરવું.

(૧૦) ૭ થી ૮ વાંચવું.

(૧૧) ૮ થી ૯ મુદ્રા વાટે ધ્યાન કરવું.

(૧૨) ગંગાસ્નાન કરવા

(૧૩) ૧૦ વાગે જવું ને ભોજન પકાવવું તથા પછી જમવું.

(૧૪) ૧૧ થી ૧૨ આરામ તથા વિચારણા.

(૧૫) ૧૨ થી ૨ વાંચવું -લખવું.

(૧૬) ૨ થી ૫ ધ્યાન.

(૧૭) ૫ થી ૭ વાંચવું- લખવું.

(૧૮) ૭- ૩૦ પછી પ્રાણાયામ.

(૧૯) ૮-૩૦ થી ૯ ગંગાતટ જવું.

એ રીતે પસાર થાય છે. જરૂરી સમયે તેમાં ફેરફાર કરું છું.

અયાચક વ્રત હજી ચાલુ છે. ઈશ્વરની કૃપાથી આનંદ છે. એના પ્રેમના ખૂબ સારા અનુભવો  થયા. પછી તેના પરની નિષ્ઠા કેવી રીતે જાય ?

                                   *

ધ્યાનને માટે ગીતામાં સારું વર્ણન છે. ધ્યાન બે પ્રકારનું છે. સગુણ ને નિર્ગુણ. સગુણ ધ્યાન રામ, કૃષ્ણ, નારાયણ, શિવ, શક્તિ વગેરેનું હોઈ શકે. તે ધ્યાનમાં જે ઈષ્ટ હોય તેની મૂર્તિની કલ્પના કરી તે ઈષ્ટની લીલાનું સ્મરણ કરતાં કરતાં તેમાં એક થઈ જવું અથવા તો તેના મંત્ર કે નામના જપ કરતાં કરતાં તેની મૂર્તિનું દર્શન કરતા રહેવું એવું સાધારણ રીતે કરાય છે. સાધકની શરૂઆતની દશાને માટે આવું ધ્યાન બહુ અગત્યનું છે.

નિર્ગુણ ધ્યાનમાં શું કરવું તે ગીતામાં સુંદર રીતે કહેવાયું છે. આસન પર સ્થિર બેસીને મનમાં ઊઠતાં સંકલ્પોથી ઉત્પન્ન થતી કામનાઓને ત્યજી દેવી, તથા મનથી ઈન્દ્રિયોને પોતપોતાના કાર્યમાંથી પાછી વાળવી. પછીથી બુદ્ધિપૂર્વક ઉપરામતા મેળવવી તથા મનને આત્મામાં એકાગ્ર કરવું ને કાંઈ પણ વિચારવું નહિ.

પરંતુ સગુણ ધ્યાન ઘણાને અનુકૂળ પડે છે. નિર્ગુણ ધ્યાન કરનારનું મન જલદી સ્થિર નહિ થાય. તેને માટે તેણે ઉત્તમ ભાવનાઓ કરવી પડશે. વળી નિર્ગુણ ધ્યાનમાં હૃદયની શુદ્ધિ ખૂબ જ ભાગ ભજવે છે. આવા ધ્યાન કરનારે જો તે નિર્ગુણ ધ્યાન કરતો હોય તો સર્વત્ર ઈશ્વર છે, આત્મા છે, એવો અનુભવ અથવા અભ્યાસ કરતા રહેવું અને જો તે સગુણ ધ્યાન કરતો હોય તો જેનું ધ્યાન કરતો હોય તે ઈષ્ટને સર્વમાં જોતાં કે તે જોવાનો અભ્યાસ કરતાં રહેવું. આ ધ્યાનનું ફળ છે. સર્વમાં એક તત્વનું દર્શન થાય છે. આનંદ, શાંતિ કે પ્રેમની પ્રાપ્તિ થાય છે ને માણસ મુક્તાવસ્થા પ્રાપ્ત કરે છે.

પરંતુ ધ્યાન નિયમિત કરવું. એથી પરિણામ સારું મળે છે. સર્વને મારા પ્રણામ

તા. ક. - બ્રહ્મચર્ય ખૂબ અગત્યની વસ્તુ છે, તે જેટલું જળવાશે તેટલું જ જીવન ઉજ્જવલ થશે.

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'હિમાલયના પત્રો'માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer