|
ઋષિકેશ,
તા. ૨૧ મે,
’૪૩
પ્રિય ભાઈ
નારાયણ,
બે દિવસ પહેલાં
હું હરિદ્વાર હિંદી સાહિત્ય સંમેલનમાં ગયો હતો. જો કે સાહિત્યને ખાતર
સાહિત્યમાં મને હવે રસ રહ્યો નથી પરંતુ એક ભાઈના આગ્રહથી ગયેલો. મને તો હવે
ભગવાનની સાથે વાતો કરવી ને તેની અંદર જ સંતોષ પામવું તથા રમવું આનંદદાયી લાગે
છે. સાચો ભક્ત હમેશાં ભગવાનની અંદર જ રમણ કરે છે. તે તૃપ્ત પણ તેમાં જ થાય.
સંસારના કોઈ પદાર્થથી તેને સંતોષ ના વળે. તે વાત પણ ભગવાનની જ કહે. ભગવાનના
પ્રેમી જોડે જ વાત કરે. તેનું ચિત્ત ભગવાનના ચિત્ત સાથે એક થયું હોય એટલે ભગવાન
જેવું થયું હોય. તેમાં સંસારી વાસના ના હોય. પ્રભુનો પ્રેમ જ હોય. તેનો પ્રાણ
પ્રભુના પ્રેમથી જ પોષાતો હોય. તેમાં જ સ્નાન કરતો હોય. માછલીને જલ બહાર કાઢો.
જીવી શકે ?
ભક્તની સ્થિતિ પણ તેવી હોય. ભગવાનની પ્રેમભક્તિની બહાર તે તરફડીને મરી જાય.
શ્વાસે શ્વાસે તે પ્રભુનું જ સ્મરણ કરતો હોય. આ સાચી ભક્તિ કહેવાય. ‘ગીતા’
માં ભગવાન આવા ભક્તો વિષે કહે છે કે તેઓ
મશ્ચિત્તા:
મદ્રતપ્રાણા: બોધયંત: પરસ્પરમ્
।
કથયંતશ્ચ માં
નિત્યં તુષ્યંતિ ચ રમંતિ ચ
॥
હોય છે. ગોપીઓ
આવી જ હતી. શબરી આવી જ હતી. મીરાં પણ હતી તો મહારાણી પણ તે ય આ જ રહસ્યની
દીક્ષા લેનારી તપસ્વિની હતી. પ્રહલાદ પણ આ જ ભાવનો નમૂનો છે. એવી ભક્તિ આપણામાં
પ્રકટે ત્યારે ધન્ય થવાય. ત્યારે ભગવાન આપણો ને આપણે ભગવાનના બની રહીએ. એટલે
સારી વાત તો એ છે કે ભગવાનની ભક્તિ વધારવી ને તેને માટે ભગવાનને પ્રાર્થના
કરવી. આપણે જો ભગવાનનો જરા પણ પ્રેમ વધારીશું તો ભગવાન અનેકગણો વધારશે. કેમકે
તે પોતે જ કહે છે -
યે યથા માં
પ્રપદ્યંતે તાંસ્તથૈવ ભજામ્યહમ્
।
એમ ના માનવું કે
આપણે પાપી છીએ એટલે ભગવાન આપણી ભક્તિ નહિ સ્વીકારે. ભગવાન એવો નગુણો નથી. ભગવાન
તો કહે છે કે ગમે તેવો પાપી હોય, ભક્તિનો અધિકારી બને એટલે થયું. મારી પાસે આવે
એટલે તેનાં પાપ તો કયાંય જતાં રહે. ફક્ત ઉચ્ચ જાતિ કે બ્રાહ્મણ જ નહિ, સ્ત્રી,
વૈશ્ય તથા શુદ્ર પણ મારે શરણે આવે તો પાપમુક્ત થઈ સુખી થાય છે એમ ભગવાન કહે છે.
પછી શા માટે ગભરાવું ?
આટલી પાકી ખાત્રી કોણ આપવાનું હતું ?
ને આટલી ખાત્રી આપ્યા છતાંય જે સંસારી પદાર્થો પાછળ જ સારી જિંદગી વળગી રહે ને
કૂતરાં બિલાડાં જેમ પેટ ભરે તથા પૈસા ભેગા કરવા જ સારી જિંદગી બરબાદ કરી દે,
તેના જેવો મૂર્ખ બીજો કોણ હોય ?
જ્યારે ભગવાન કહે છે કે મારા નામનું સ્મરણમાત્ર કરવાથી સૌ કોઈ પાપમુક્ત થાય છે
ત્યારે આપણે આપણને શા માટે પાપી માનવા ?
આપણે તો ભગવાનનું સ્મરણ જ કર્યા કરવું જોઈએ. બધામાં ભગવાન છે, ભગવાન જ બધાં રૂપ
ધરીને આવ્યા છે. કોઈ ઠેકાણે તે વૃક્ષ બન્યા છે તો કોઈ ઠેકાણે ફૂલ. કોઈ ઠેકાણે
પંખી બન્યા છે તો કોઈ ઠેકાણે ફળ. સગાંસંબંધી, માતાપિતા, પત્થર, માટી, ધૂળ, સૌ
રૂપે તે જ આવ્યા છે એમ માનવું. આખી સૃષ્ટિ ઈશ્વરમય જ છે એમ અનુભવવું અને
આનંદવું. શ્રુતિ ભગવતી પણ કહે છે કે હે મનુષ્ય
!
આનન્દોડસિ. તું આનંદ છે. હે મનુષ્ય
!
શુદ્ધોડસિ. તું શુદ્ધ છે. બુદ્ધોડસિ. તું મુક્ત છે. આ છતાંય આપણે શા માટે શોક
રાખ્યા કરવો, શા માટે આપણે પાપી
છીએ એમ
માનવું ?
સારીયે જિંદગી ને સારોયે વખત આપણે તો ભગવાનમાં જ ગાળવો, ભગવાનની જ વાતોમાં પસાર
કરવો, ભગવાનનું સ્મરણ કરવું, જોવું તોય ભગવાનનું જ દર્શન કરવું, ને ચિત્તને એ
રીતે ભગવાનમાં જ લીન રાખવું, ને ભગવદાકાર કરી દેવું. આજ ડહાપણ છે. જગતના સર્વ
પ્રપંચ ને આ સિવાયના સર્વ વ્યાપાર મૂર્ખાઈ માત્ર છે. એ મનુષ્યો સાવ અજ્ઞાન છે
જેઓ રાતદિવસ સંસારી પદાર્થો પાછળ જ વ્યતિત કરે છે ને પરમેશ્વરને યાદ કરતાં નથી.
*
ઋષિકેશ ખૂબ
સુંદર સ્થાન છે. અહીંના પત્થર, અહીંની રેતી, ડુંગર, ગંગાજી, સર્વ અનેરું લાગે
છે. અહીંની જમીન પર પગ પડે છે ત્યાં જ મને જુદું જુદું લાગે છે. એવી ભૂમિમાં
રહેવાનો આનંદ કેટલો હોય
!
અહીં તો ભગવાને જ વાસ કર્યો છે એટલે અહીં આવીને ભગવાનની સાધના શું કરવાની
? ભગવાનનાં દર્શન જ અહીં
તો સર્વત્ર કરવાનાં. હરિદ્વાર ગયો હતો પણ અહીં આવ્યો ત્યારે સાસરે આવ્યો એવું
લાગ્યું, મીરાં જેમ કહે છે કે ‘પૂર્વજનમની
હું વ્રજ ગોપી’
તેમ મારે પણ ઋષીકેશ સાથે પહેલાંના ગાઢો સંબંધ છે. આ ભૂમિ વધારે સુંદર ને પવિત્ર
લાગવાનું એક કારણ તો એ છે કે અહીં ઘણા સંતોએ તપશ્ચર્યા કરેલી છે. તેનાં પરમાણું
અહીં પ્રસરેલાં છે. જેનું હૃદય જેટલું તૈયાર હોય તેને તેટલી પ્રસાદી અહીંથી મળી
રહે છે.
*
કલા વિષે
મારું પહેલાંનું જે દૃષ્ટિબિંદુ હતું, તે જ અત્યારે છે. મારું એવું માનવું છે
કે દરેક કલા ઈશ્વર કે મનુષ્યની અંદર રહેલા ચૈતન્ય સાથે સંવાદ સાધવા માગે છે. તે
પ્રયત્નનું પરિણામ એ કલાનું રૂપ છે. સંગીત, ચિત્ર, શિલ્પ, સાહિત્ય, નૃત્ય,
દરેકનો મુખ્ય ઉદ્દેશ તો આત્માને ભુલી જવાનો, સ્વયં આનંદ ને રસમાં તરબોળ થવાનો
છે. એને રસ સમાધિ પણ કહી શકાય અથવા દેહાધ્યાસનું વિસ્મરણ પણ કહેવાય. આ
વિચારધારાને લક્ષમાં રાખીને કહેવું પડે છે કે કોઈ પણ કલા આ હેતુને જેટલે અંશે
સાધ્ય કરી શકે તેટલે અંશે તેનું ગૌરવ વધારે છે. કલાકાર પોતે તો તે કલાના
અનુભવકાળે આત્મતલ્લીન થયો હોય છે પરંતુ તેને અપનાવનારની કક્ષાનો વિચાર તો છે જ
પરંતુ એ પણ સાચું છે કે કલાનું બળ વધારે હોય તો સાધારણ મનુષ્ય પર પણ તે અસર કરે
ખરી. એટલે હું તો એમ માનું છું કે જે કલા ઈશ્વર સાથે એક થાય, ઈશ્વરમાં જ રમણ
કરે તથા આત્મા જ જેની આરાધના બને, તે ઉચ્ચોચ્ચ કલા છે. જે કલા મનુષ્યને એની
સાંપ્રત દશામાંથી ઊંચકીને સાત્વિક ને શુદ્ધ આનંદના પ્રદેશમાં મૂકે, શાંતિ ને
પ્રેમના પ્રવાહમાં વહેતો કરે, તથા શરીરની સ્મૃતિ પણ ભુલાવે એટલે કે આત્મા સાથે
એક કરે, તે કલા ઉત્તમોત્તમ કહેવાય. આને માટે સાહિત્યનું દષ્ટાંત જોઈએ તો વેદ ને
ઉપનિષદ તથા ગીતા જુઓ.
એટલે જે કલા
આત્મામાં રમણ કરનારી છે, ઈશ્વરને ઓળખાવનારી છે, તથા માણસને દેહાતીત ભૂમિકામાં
મૂકનારી છે, તે જ કલાને હું વંદન કરવા યોગ્ય માનું છું. જેટલે અંશે કલાકાર
આત્મામાં ઓતપ્રોત હોય તેટલે અંશે તે આવી કલા આપી શકે. આ જ અર્થમાં કહી શકાય કે
જીવન એક કલા છે. જે દેશમાં આવા કલાધરો પાકે તે દેશ નંદનવન જેવો થઈ જાય એમાં
શંકા નથી.
ઉપલી
વિચારસરણીને જીવનમાં પણ ઘટાવી શકાય. શરીર, મન ને આત્મા એ ત્રિપુટી વિકાસ ક્રમની
ત્રણ ભૂમિકાઓ છે. જે મનુષ્ય માત્ર શરીરમાં રમે છે. તેની જ પાછળ સર્વ કાંઈ કરે
છે, મરી ફીટે છે, સમય ગાળે છે, તે પ્રાથમિક દશામાં છે. તેનાથી જે આગળની ભૂમિકા
પર હોય છે તે શરીરનું ધ્યાન તો રાખે છે પરંતુ મનનો વિકાસ તેનું પ્રધાન લક્ષ્ય
હોય છે. સુંદર વિચારો ને ભાવનાઓથી તે માનસિક ખોરાક મેળવે છે. ને શરીરમાં જ નહિ
પણ મનમાં ને મન વાટે આનંદ મેળવે છે. આથી પણ આગળની ભૂમિકા છે, તે આત્માની છે. તે
ભૂમિકાનો માણસ પોતાના અંતરને પોતાના સુખ ને શાંતિનું મૂળ બનાવે છે, ને તેને
દૈવી ગુણો વાટે પુલકિત કરવા પ્રયાસ કરે છે. શરીર ને મન વાટે તેણે જે મેળવ્યું
છે તેનો અનુભવ કરે છે. તે ભેદાભેદથી પર થાય છે, ને આત્માનો જ - સર્વમાં રહેલા
એકત્વનો - પૂજારી થઈ જાય છે. તેની સર્વ પ્રવૃત્તિઓ આત્મલક્ષી હોય છે ને
આત્મામાં જ મળનારી હોય છે. તેની પ્રસન્નતા કોઈ બાહ્ય વસ્તુ કે વાતાવરણ પર આધાર
રાખતી નથી. આ ભુમિકા છેવટની છે. જેમ મનુષ્યને માટે તેમજ રાષ્ટ્રને માટે. જે
રાષ્ટ્ર માત્ર ભૌતિક પદાર્થોમાં રમે છે તે બાલક છે. જે માત્ર માનસિક અવસ્થા
સેવે છે તે મધ્યમ છે ને જે બંને અવસ્થાઓમાંથી ઊઠીને આત્મા પર ધ્યાન ઠરાવે છે તે
ઉત્તમ છે. એટલે કોઈ પણ રાષ્ટ્ર કે મનુષ્યની માપણી આ ગજથી થઈ શકે છે. |