|
ઋષિકેશ,
તા. ૨૧ મે,
’૪૩
પ્રિય ભાઈ
નારાયણ,
અહીં મને કેટલાક પૂછે છે કે આગળ
જતાં કાંઈ પ્રવૃત્તિ સ્વીકારશો ?
હું શું કહું ? ઊંડે ઊંડે
પણ થોડીક વાસના રહી હશે ત્યાં સુધી ઉચ્ચોચ્ચ આધ્યાત્મિક અવસ્થા અળગી રહેશે.
વાસના ભલે પછી તે શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, રાજસી હોય કે સાત્વિક હોય, આખરે તો
બંધનકારક છે જ. સાંકળ લોઢાની હોય કે સોનાની તે બાંધી તો શકે જ. એટલે આધ્યાત્મિક
ક્ષેત્રમાં સંપૂર્ણતાએ પહોંચતાં પહેલાં તો બધી લૌકિક ને પારલૌકિક વાસનાઓનો ભોગ
આપવો પડે છે. સાધનદશામાં સાધકને એવો વિચાર હોય કે સાધન પૂર્ણ કરીને હું લોકોનું
ભલું કરીશ, ધર્મ ફેલાવીશ, તો તે વાસના છે તો સાત્વિક છતાં તેની પૂર્ણતાની આડે
તે આવશે. ને પહેલાં તેણે તે પૂરી કરવા ભટકવું પડશે. અલબત્ત, આ એક પતન જ છે. જો
એવી વાસના હશે કે સાધના પછી સેવા કરીશ તો પણ એ જ દશા થશે. એટલે કે પૂર્ણતા
પ્રાપ્ત થતાં પહેલાં એ વાસના તમને સેવાના ક્ષેત્રમાં ખેંચી લાવશે ને તેનો ભોગ
પૂરો કરાવશે. એટલા માટે વાસનાથી પર પહોંચવું ઉપયુક્ત છે. ‘પૂર્ણતા
માટે જ પૂર્ણતા’ એ સાધકનો
વિચાર હોય. ‘ઈશ્વર માટે
રહી શકાતું જ નથી. ઈશ્વર માટે તરફડવું એ સ્વભાવ જ છે. માટે ઈશ્વર માટે જ ઈશ્વર’
એમ હોવું જોઈએ. બીજી ભાષામાં કહીએ તો આધ્યાત્મિક સાધનમાં સૌથી આવશ્યક વસ્તુ
સર્વસમર્પણની છે. ઈશ્વરને માટે સર્વનું સમર્પણ કરવું, નિરાશી થઈ જવું ને
ઈશ્વરને માટે જ ઈશ્વરની ઝંખના કરવી કે આત્માને માટે જ આત્માનું સાધન કરવું એ
આવશ્યક છે. પ્રીતમ કવિએ આ ભાવને બહુ સુંદર રીતે ગાયો છે. આ રહ્યા એ શબ્દો-
સુત વીત દારા શીશ સમરપે તે પામે
રસ પીવા જોને,
સિંધુ મધ્યે મોતી લેવા માંહિ પડે
મરજીવા જોને.
અહીં ‘સુત
વીત દારા શીશ સમરપે’ એનાથી
સર્વ વાસના ને આસક્તિનું સમર્પણ એમ જ સમજવાનું છે.
*
આધ્યાત્મિક વિકાસ એ જ સર્વકાંઇ
છે. તેની ઈચ્છા રાખનારે અમુક બાબતો સારી પેઠે સમજી લેવાની જરૂર છે. પહેલાં તો
તેણે નક્કી કરી લેવું જોઈએ કે ઈશ્વરની પ્રાપ્તિ એ જ જીવનનું ધ્યેય છે ને તે
મેળવવામાં જ પુરુષાર્થ, માનવતા, સર્વકાંઇ છે. વસ્તુત: દરેક મુક્ત છે એટલે શોક,
મોહ, લોભ, વાસનાઓ, વગેરેથી સાચેસાચ મુક્ત થઈ જવું એ દરેકનું લક્ષ હોવું જોઈએ.
આપણા સર્વ પ્રયત્નો એ મહાન ને ઉદાત્ત ધ્યેયની દિશામાં જ થવા જોઈએ. જીવનની
પ્રત્યેક પળનો ઉપયોગ આપણે પ્રેમને અનુભવવામાં, શાંતિને ભોગવવામાં અને આનંદમાં
એક થવામાં કરવો જોઈએ. જેટલા પ્રમાણમાં આપણે પોતે પ્રેમ, શાંતિ ને આનંદ અનુભવતા
જઈશું તેટલા જ પ્રમાણમાં આપણે પરમાત્માની પાસે ને પાસે પહોંચતા જઈશું એ નક્કી.
માણસ આટલું જ સમજી જાય તો
? પરંતુ અત્યારનો માણસ વાસનાનો
એવો તો દાસ થયેલો છે કે તે આનંદને ભોગવી શકતો જ નથી. તેને માટે પ્રેમ એ
આકાશપુષ્પ જેવી વસ્તુ થઈ પડી છે, કેમકે તેનું જીવન ઝેર જેવા દ્વેષથી ભરેલું છે.
તેને માટે સુખ ને શાંતિ બધુ જ દુર્લભ થઈ ગયું છે કેમકે તેને સુખ ને શાંતિની
સાચી દિશાની ખબર નથી. માણસ આજે પોતાનો જ ગુલામ થઈ ગયો છે. સ્વાદનો ગુલામ,
વિષયનો ગુલામ, રાગદ્વેષનો ગુલામ - આ ગુલામી કાંઈ નાનીસૂની નથી. પણ જેણે ખરેખર
કૃતકૃત્ય ને જીવનમરણના ચક્રાવામાંથી મુક્ત થવું છે તેણે તો તે ગુલામીની
બેડીમાંથી છૂટયે જ છૂટકો. માટે જ પહેલાં તો મુક્તિને માટે દૃઢ નિશ્ચય કરી
લેવાની જરૂર છે.
યાદ રાખો કે મનુષ્યશરીર કાંઈ જેને
તેને મળતું નથી. એ એક દુર્લભ વસ્તુ છે. તે કલ્પવૃક્ષ સમાન છે. તેમાંથી તમે
ઈચ્છાનુસાર ફળ મેળવી શકશો. તમારી ઈચ્છા હોય તો સંસારના બે ઘડી આનંદ આપનારા
વિષયી પદાર્થો પાછળ તેનો નાશ કરી શકો છો. નહિ તો મુક્તિની દિશામાં તેનો ઉપયોગ
કરી તેને તમારા પ્રભુનું પવિત્ર મંદિર પણ બનાવી શકો છો. દિવસો ચાલ્યા જાય છે
તેમ જીવન પણ ટૂંકું થતું જાય છે. એટલે જો ઉચ્ચ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો
અત્યારથી જ પ્રયત્ન કરવાની જરૂર છે. દુનિયામાં અનેક પુરુષો થયા છે પણ આપણે તો
થોડાક મહાન પુરુષો કે જેણે પ્રભુની પ્રસાદી ચાખી છે તેમને જ જાણીએ છીએ. હજારો
જન્મ્યા ને કાળના પ્રવાહમાં અદૃશ્ય થયા. આપણે પણ જો અસાવધ રહીશું તો તે જ દશા
પામવાના. માટે દૃઢ પુરુષાર્થ કરવો જોઈએ ને મહાન સંત પુરુષોના ગુણો આપણામાં
ઉતારી પ્રેમ, શાંતિ ને આનંદની મૂર્તિ બની જવું જોઈએ. ત્યારે જ આપણું જીવન
કૃતકૃત્ય થશે.
ઈશ્વરના પ્રેમમાં મસ્ત રહેવામાં
જેટલો આનંદ છે તેટલો સંસારભરમાં કયાંય નથી. આત્માના આનંદમાં મસ્ત રહેવામાં
જેટલી મજા છે તેટલી સૃષ્ટિ સારીના કોઈ પણ પદાર્થમાં નથી. અરે, ઈશ્વરની પાછળ
આંસુ સારવામાં જે રંગ છે તેનું બિંદુ પણ સ્વર્ગના ભોગસુખમાં નથી. માટે એ પ્યારા
પ્રિયતમમાં જ રહેવું જોઈએ. એનું જ સ્મરણ કરવું જોઈએ ને એના જ ધ્યાનમાં મસ્ત
રહેવું જોઈએ. |