|
ઋષિકેશ,
તા. ૨૪ જુલાઈ
’૪૩
પ્રિય નારાયણ,
પ્રણામ. લગભગ
ત્રણ દિવસ પહેલાં તારો પત્ર મળ્યો. ઉત્તર લખવાની ઈચ્છા તરત થઈ પરંતુ અવકાશ ઓછો
મળ્યો ને આજે જ લખી શકું છું. તારા પત્રો વાંચી આનંદ થાય છે કેમકે એમાં તારા
હૃદયનું દિગ્દર્શન તો થાય જ છે પરંતુ સાથે સાથે ભાવિનો નારાયણ પણ ઝાંખો ઝાંખો
જોઈ શકાય છે.
અહીં મને આનંદ
છે અત્યારે મારી સ્થિતિ અજબ છે. મુંબઈની મારી કરૂણ દશા તું જાણે છે. તે પછી બે
વરસ પહેલાં અહીં આવ્યો એ અવસ્થા પણ તને યાદ હશે. તે અવસ્થા અને આ અવસ્થામાં ફેર
એટલો છે કે તે વખતની શક્તિ ધોધ જેવી વધારે હતી;
તેનો પ્રવાહ પ્રચંડ વેગવાળો હતો. એ એક ઉભરા જેવી શક્તિ હતી એમ કહી શકાશે.
અત્યારે તે ઠરી ગઈ છે. ધીમી થઈ છે ને ઊંડી ઊતરી છે.
પણ આનાથી તને શો
લાભ ?
એ તો મારું ને ભગવાનનું -'મા'નું
કામ રહ્યું. એ તો 'મા'નો
ને મારો સંબંધ રહ્યો. હું તો જેમ પહેલાં તેમ આજે પણ 'મા'નાં
શ્રીચરણોનું ને તેના મનોહર મુખારવિંદનું દર્શન કરવામાં ને ત્યાં જ નમનને ઠારી
દેવામાં - એક કરવામાં આનંદ માનું છું. જગતમાં એનું જ સૌન્દર્ય છે, એ જ છે, એ
કહેવાની શી જરૂર હોય ?
ખરેખર, જગત આખું
એક અમૃતનો બગીચો છે. માણસો તેમાં આવે છે પણ તેમને અમૃત નથી મળતું. તેનું કારણ
?
રામકૃષ્ણદેવે પોતાના ઉપદેશમાં તેનું એક કારણ અદભુત રીતે બતાવ્યું છે. તેઓ કહે
છે કે કેટલાક માણસો એક બગીચામાં ગયા. ત્યાં કેરીનાં ઝાડ હતાં. કેટલાક તો તે
ઝાડોની શોભા જોઈ મુગ્ધ થયા ને ડાળી, પાંદડાં તથા ફળો કેટલાં છે તે સંખ્યા નક્કી
કરવા લાગ્યા. જ્યારે કેટલાક પ્રેમી પુરુષો તે બગીચાના માલિક પાસે ગયા, તેની
પ્રિયતા પ્રાપ્ત કરી લીધી. તેની સંમતિ મેળવી ને પછી સુંદર સુંદર કેરી ખાવા
લાગ્યા. તેમને તૃપ્તિ ને સ્વાદનું સુખ બેઉ મળ્યાં. આ ઉપદેશમાં કેટલું બધું
રહસ્ય છે ! એ જ લોકોની પેઠે કેટલાય પુરુષો આ જગતના બગીચામાં આવે છે ને ખરી
વસ્તુને બાજુએ મૂકી દઈ તેના બહારના આકાર પર જ ચિત્તને કેન્દ્રિત કરી દે છે.
બીજા અર્થમાં લઈએ તો ડાહ્યા પુરુષો તો આ જગતમાં આવીને તેના સ્વામી જેવા ઈશ્વરની
કૃપા પ્રાપ્ત કરી લે છે ને પછી તેના જગતવનનો ભોગ યથેચ્છ રીતે કરે છે.
અને જગત
દુ:ખકારી ક્યાં સુધી રહે છે ?
જ્યાં સુધી સત્ય વસ્તુને પકડી નથી ત્યાં સુધી જ. મૂળને પકડો એટલે ડાળીપાંદડાં
આપોઆપ આવી જાય. ઈશ્વર એ જગતનું મૂળ છે. સનાતન સત્ય પણ તે જ છે. વળી જગતની
વસ્તુઓમાં પ્રેમ, સત્ય, આનંદ, દયા તથા સુંદરતારૂપે જે અનુભવાય છે તે પણ તેનો જ
અંશ અથવા તે પોતે જ છે. આ સમજાઈ જાય તો જગત આપણે માટે સ્વર્ગ થાય. આપણું જીવન
પરમેશ્વરના સાગર પ્રત્યે વહેતું ઝરણું થાય. એટલે સુંદર ઉપાય એ છે કે જ્યાં પણ
સુંદરતા દેખાય, પ્રેમ જણાય, સત્ય કે આનંદની ઝાંખી થાય, ત્યાં ત્યાં ઈશ્વર પોતે
એ રૂપે પ્રકટિત થાય છે એવું ભાન લાવી નમસ્કાર કરાય, તેની સાથે તન્મય થવા પ્રયાસ
થાય. આ દૃષ્ટિ કેળવીએ તો જે સ્ત્રી આપણને ભોગનું આગાર લાગે છે તે જ સ્ત્રી આપણે
માટે સાક્ષાત્ જગદંબા બની જાય. જે સ્નેહીઓ આપણને તુચ્છ અને તિરસ્કારણીય લાગે છે
તે આપણે માટે પ્રભુનાં પવિત્ર રૂપો થઈ જાય કેમ કે ઈશ્વર જ તેમનામાંથી સ્નેહનું
રૂપ લઈને વહી રહ્યો છે. વિચાર કરીએ તો જગત આખુંયે એ સચ્ચિદાનંદ સ્વરૂપનો
આવિર્ભાવ હોઈ ને એ મય છે. ને જેમ હૃદય સચ્ચિદાનંદમય થતું જાય તેમ જગત વચ્ચેનું
તાદાત્મ્ય પણ સ્પષ્ટ થતું જાય છે. ને પછી જ સર્વં ખલુ ઇદમ્ બ્રહ્મ (આ બધું
સચ્ચિદાનંદ તત્વ જ છે) એ ભાવના સ્વભાવ જેવી થઈ જાય છે. જ્યારે આપણે એક સુંદર
ફૂલને જોઈએ છીએ ત્યારે શું થાય છે ?
તેના પ્રત્યે આકર્ષણ થાય છે અથવા તો તેને સૂંઘવાની ઈચ્છા થાય છે. આના મૂળમાં
શું છે ? બીજું કાંઈ નહિ
પણ એ જ છે કે સૌન્દર્ય રૂપે તે ફૂલમાં જે આત્માનો અંશ રહેલો છે તે આપણા આત્માને
આકર્ષે છે. તેમની પ્રીત તાજી થાય છે. તેવી જ રીતે કોઈ સુંદર સ્નેહી કે
વ્યક્તિને જોતાં પ્રેમની કે આકર્ષણની લાગણી થાય છે. આ પણ શું છે ?
એ જ કે તેનામાં રહેલો આત્મા આપણા આત્મા સાથે પરિચય કરે છે, એક થવા પ્રયત્ન કરે
છે. પરંતુ આપણો અનુભવ આ વસ્તુને, આ રહસ્યને પારખવા જેટલો વિકસિત નથી હોતો અને
આપણે પોતે વાસના ને દુષ્ટ વૃત્તિઓથી છલાછલ ભરેલા હોઈએ છીએ. તેથી જ આપણે તે
દિવ્ય પ્રેમ અને આકર્ષણથી ભાવનાને કામ ને સ્વાર્થ તથા ભોગની નીચી ભૂમિકા પર
ઉતારી પાડીએ છીએ. આમ જે વસ્તુ આપણે માટે સાક્ષાત્કારની જનેતા બનત, અસીમ આનંદ ને
દેહાધ્યાસની વિસ્મૃતિનું કારણ બનત, તે આપણા વિલાસનું સાધન થઈ પડે છે ! એટલે
જગતની પ્રત્યેક વસ્તુમાં સુંદરતા, પ્રેમ, આનંદ વગેરેરૂપે ઈશ્વરને જ જોવો ને તે
તો તેનો અંશ છે માટે તે પરથી તે વિરાટ સચ્ચિદાનંદની ઝાંખી કરવી એ પ્રભુતા તથા
દિવ્યતાથી ભરેલા જીવનનો મંત્ર છે. એ જ પ્રભુમય જીવન છે.
આ તો બધી બહુ
જુદી વાત થઈ ગઈ. પણ તું લખે છે કે તારી બેનો બહુ પ્રેમાળ તથા સંસ્કારી છે તો
તેમને મારા નમસ્કાર ને વંદન છે. અલબત્ત, તે અપ્રકટ જ રાખજે. તેમની સાથે હળીમળી
જવું ને તેમના ભાઈ જેમ થવું એ આપણો શિક્ષક તરીકેનો સ્વભાવ હોવો જોઈએ. તો જ
તેમના જીવન સમજી ને સુધારી શકાય.
યોગાશ્રમમાં
જવાનો વિચાર સારો છે. શીર્ષાસન, સર્વાંગાસન, વગેરે તો કરતો જ હોઈશ. ગીતાનું
વાંચન મનન સાથે નિયમિત રાખવું ઉચિત છે. રામકૃષ્ણનું જીવન વાંચવું શરૂ કર્યું છે
તે ખૂબ સારું કર્યું છે. પછી બને તો રામતીર્થનું જીવન વાંચજે. રામકૃષ્ણમાં
શારદામાતા પ્રત્યે કેવી ભાવના હતી ! કાલીમા પ્રત્યે તેમની કેવી ભક્તિ ને નિષ્ઠા
હતી ! તેવું જ જીવન કેળવવા આપણે પ્રયાસ કરવાનો છે. પ્રયત્ન કરનાર પર ઈશ્વર જરૂર
દયા કરે છે.
નવીન અનુભવ લખતા
રહેવું, શરીર સારું છે તથા આનંદ છે. |