Invaluable guide for spiritual aspirants

 

હિમાલયના પત્રો

 

Collection of Letters written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ઈશ્વરનો પ્રેમ
 

 

આ શરીર ઈશ્વરનું મંદિર છે. તે એક ફૂલ જેવું ફોરમવંતુ બનીને ઈશ્વરને ચરણે પડી રહે એમાં જ એની ધન્યતા છે. જેમ ફૂલમાં મઘમઘાટ હોય છે તેમ આ શરીરમાં પણ પ્રેમ, આનંદ દયા વગેરે દૈવી ગુણોનો મઘમઘાટ હોય, એમાં જ એની કૃતકૃત્યતા છે.
                                               
- શ્રી યોગેશ્વરજી

 

< Back | Index | Next >

                                                          

ઋષિકેશ,

તા. ૧૩ ઓગસ્ટ, ૪૩.

પ્રિય ભાઈ,

ગઈ કાલે તારો પત્ર મળ્યો. વાંચીને ઘણો જ આનંદ થયો. આર્થિક સ્થિતિ સારી છે તેય જાણ્યું. ઉપરાંત ગૃહસ્થજીવનને બનતું ઉચ્ચ કરવાનો પ્રયત્ન પણ સમજી શકયો. એ બધું 'મા'ની કૃપાનું જ ફળ છે. પ્રયત્ન ચાલુ રાખવો. અંતે સફળતા જરૂર મળશે. ગીતા પણ કહે છે કર્મણ્યયેવાધિકારસ્તે. (તારો પ્રયત્ન કરવામાં અથવા પુરુષાર્થમાં જ અધિકાર છે.) ફળ આપવાનું ઈશ્વરના હાથમાં છે. અને જે ઈશ્વર પરની દયાને લીધે પુરુષાર્થ કરે છે ને તેની વિશેષ દયા માટે પ્રાર્થના પણ કરતા રહે છે તેમને ઈશ્વર વિશેષ બળ આપે છે. જે ઈશ્વરની કૃપા યાચે છે તેને તે પ્રાપ્ત પણ થાય છે. માત્ર એક બાળક પોતાની સ્વાભાવિક સરલ અવસ્થામાં મા મા એવો આર્ત પોકાર પાડે છે તેવો જ આર્ત પોકાર આપણી દુન્યવી પ્રતિષ્ઠા, દુન્યવી વાસના ને અભિમાન ને બાજુએ મૂકીને આપણે પાડવો જોઈએ. એટલે જ ઈશુ કહે છે - 'નોક ધ ડોર એન્ડ ઈટ શેલ બી ઓપન્ડ'.

મારામાં આશિર્વાદ આપવાનું બળ શું હોય ? ઈશ્વરના આશિર્વાદ એ જ સાચા છે. ને તે તમારા પર ઊતર્યા છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. કેમકે ઈશ્વરની દયા જેના પર હોય તેને જ ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા થાય. નિષ્ફળતા મળે તે છતાંય પ્રયત્ન ચાલુ રાખવો ને ઈશ્વરની શ્રદ્ધા કાયમ રાખીને દુષ્ટ વૃત્તિઓ સામે લડ્યા કરવું એ ઈશ્વરની કૃપા વિના ન જ થાય. એવા આત્માઓને આશિર્વાદ આપવા જેવી મોટાઈ મારામાં ના જ હોય. તેમનાં તો ચરણ ચૂમવા મને મન થાય. કેમકે એવા આત્માઓને ધન્ય છે. છતાં પણ સરસ્વતી ખૂબ પ્રેમાળ છે. સંસ્કારી છે. હું જાણું છું કે તેના સહયોગથી તારું બળ વધશે, તારી શક્તિ તેની પ્રેરણાથી વધારે પરિપક્વ થશે. ઈશ્વરના આશિર્વાદ તેને મળી જ ચૂકયા છે છતાં તે માગે જ છે તો મારા તેને જરૂર આશિર્વાદ છે. એક સ્નેહી તરીકે તમારા બેઉ પ્રત્યે હું મારી શુભેચ્છા વ્યક્ત કરું છું. પ્રયત્ન ચાલુ રાખવો. પ્રયત્ન કરવાથી જ હરકોઈ સફળ થઈ શકે છે. પ્રયત્નથી સાપડેલી નિષ્ફળતા નિષ્ફળતા નહિ પણ સફળતાની કેડી છે.

                                  *

આજે આ શરીરનો જન્મદિવસ છે. અલબત્ત, તેનો બહુ આનંદ તો નથી જ કેમકે તેને માટે તો અહર્નિશ આનંદ છે. છતાં તેના વિષે થોડુંક લખી લઉં. પ્રથમ તો એ કે આ શરીર ઈશ્વરનું મંદિર છે. તે એક ફૂલ જેવું ફોરમવંતુ બનીને ઈશ્વરને ચરણે પડી રહે એમાં જ એની ધન્યતા છે. જેમ ફૂલમાં મઘમઘાટ હોય છે તેમ આ શરીરમાં પણ પ્રેમ, આનંદ દયા વગેરે દૈવી ગુણોનો મઘમઘાટ હોય, એમાં જ એની કૃતકૃત્યતા છે. જેમ વિષયી પુરુષના અંગેઅંગમાંથી વાસનાની જ્વાળા ફૂટી નીકળે છે તેમ એમાંથી પણ ઈશ્વરનો પ્રેમ ફૂટી નીકળે એ જ એની ધન્યતા હોય. રામકૃષ્ણદેવની દશા કેવી હતી ! તોતાપુરીએ તેમને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરાવી આપેલી તેમજ તે જ્ઞાનીના પણ જ્ઞાની હતા પરંતુ તે તો જીવનભર 'મા' કાલીના બાળક જ રહ્યા. તેવા રહેવામાં જ તેમને ગૌરવ જણાયું. તેમાં જ તેમનો આનંદ હતો. એ રામકૃષ્ણદેવ, વિવેકાનંદ, રામતીર્થ, બુદ્ધ ભગવાન બધાયે ચિત્રરૂપમાં 'મા'ની આજુબાજુ મારા ઓરડામાં બેઠા છે. લગભગ હરરોજ રામકૃષ્ણદેવ એકીટસે મારા તરફ જોઈ રહે છે. ખરેખર, રામકૃષ્ણદેવ જ મારા શરૂઆતના જીવનના મુખ્ય પ્રેરણારૂપ હતા અને આજેયે હું તેમના પર જ વિશેષ પ્રેમ કે આકર્ષણ ધરાવું છું. તે જેમ મા માં મસ્ત હતા, 'મા'ને માટે જ ને 'મા'ના આદેશ અનુસાર જીવતા હતા, મારું જીવન પણ તેવું થઈ રહે એ મારી ઈચ્છા છે.

યોગ વિષે તું વાંરવાર પૂછે છે પરંતુ હું લખતો નથી તેનું કારણ તને આમાંથી પણ જડશે.

આ વરસની નવીનતામાં પ્રાણાયામ, મુદ્રા, અનુભવની સ્થિરતા ને સતતતા વગેરે છે જ, પરંતુ હજી તે વધારે થશે કેમકે એ તો માત્ર બાળપોથી રૂપ જ છે. યોગની ચરમસીમા (પાતંજલોક્ત) હજી દૂર જ છે. સમય જતાં 'મા' તે મેળવી આપશે. મારે તો તેની આંગળી ઝાલીને પગલાં ભરવાનાં એટલું જ. એટલું નક્કી છે કે જેમને પણ પૂર્ણતા પ્રાપ્ત થઈ છે અથવા તો જે જે મહાયોગી થયા છે તેમનામાં લગની પણ તેટલી જ જાગેલી હતી. જેમ એક કામી પુરુષ પોતાની પ્રેયસીને માટે કામાતુર થઈ જાય છે અને તેને માટે જ જીવે છે, પૂર્ણતાને પંથે ધપનારનું જીવન પણ તેવું જ પૂર્ણતામય  હોય છે. અરવિંદની વર્ષોની સાધના ને તેનું (હજીય) સાતત્ય, રામકૃષ્ણદેવની એકાંતિક ભક્તિ, દયાનંદના પ્રચંડ પુરુષાર્થની પાછળ છુપાયેલી હિમાલયની સાધના, આ બધુંય એકાંત ને તલ્લીનતાની વધારે જરૂર માગી લે છે. મારો ઝોક એ તરફ જ રહ્યો છે. ને તેથી જ આવતીકાલ વિષે કશું નિર્ણાયાત્મક કહી શકતો નથી. અલબત્ત સાત્વિક આધ્યાત્મિક પ્રવૃત્તિ કરતાં પણ મને તદ્દન એકાંતિક વાસ જ વધારે પસંદ છે. ને તેને માટે આજે તો 'મા'ની પાસે મારી એ જ પ્રાર્થના છે કે હું તેને જોઈ જ રહું ને તે મને જોઈ રહે. એવી ધન્યતાનો અવસર તે દે. જો કે શાંતિ, સંતોષ ને ધન્યતા માટે બીજું કશું કરવાની જરૂર જોતો નથી. કેમકે હૃદયની રહીસહી શુદ્ધિની વાટે પ્રકટેલો જ્ઞાનનો અનુભવ (સર્વત્ર અનુભવવાનું ચૈતન્ય) એ જ કૃતકૃત્યતા માટે બસ છે. અને જે આત્મા છે તે જ મારે મન 'મા' છે. છતાં કોણ જાણે કેમ 'મા'ની આગળ એક બાળક બનીને રહેવાનું મને વધારે પસંદ છે ને પૂર્ણ યોગી થાઉં તોય હું તો એવો જ 'મા' 'મા' કરતો સરલ શિશુ રહેવા માગું છું.

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'હિમાલયના પત્રો'માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer