Invaluable guide for spiritual aspirants

 

હિમાલયના પત્રો

 

Collection of Letters written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ઈશ્વરનો પ્રેમ
 

 

ગીતાનો મુખ્ય ઉપદેશ કર્મ કે જ્ઞાનનો નથી. તેનો સંદેશ ઈશ્વરમયતાનો છે. મન, વાણી ને શરીરના રોમરોમમાંથી ઈશ્વરત્વનો નાદ થવો એ જ ગીતાનો ઉપદેશ-ધ્વનિ છે.
                                               
- શ્રી યોગેશ્વરજી

 

< Back | Index | Next >

                                                          

ઋષિકેશ,

તા. ૧૩ ઓગસ્ટ, ૪૩.

પ્રિય ભાઈ,

અહીં આનંદ છે. આધ્યાત્મિક વિકાસ વિના આનંદનો સંભવ નથી. આનંદ અંદર જ છે ને તે અંદર ડોકિયું કરવાથી પ્રાપ્ત થાય છે. એ આનંદ મળે એટલે બધા સંશયો છેદાઈ જાય છે ને મનુષ્ય પોતાના મહિમામાં શોભતો, ઉપનિષદ કહે છે તેમ 'સ્વે મહિમ્ને પ્રતિષ્ઠિત' સ્થિર થઈ રહે છે. આ ઋષિકેશની ભૂમિ જ અનેરી છે ને મારો તેના પ્રત્યેનો સંબધ તો મેં આ પહેલાં અનેક વાર આલેખ્યો છે. એના પર પગલી મૂકતાંની સાથે જ 'હું મુક્ત છું' એવી ભાવના ઊછળી આવી હતી. એ એક આધ્યાત્મિક માતા છે. આવી ભૂમિમાં આનંદ હોય જ એ સમજી શકાય તેવું છે.

                                  *

  ગીતા વાંચે છે તે સારું છે. અર્થપૂર્વકનું જેટલું વંચાય તેટલું લાભકારક છે. ગીતાના વાચનમાં શરૂઆતમાં ૧૨ મો અધ્યાય, પછી ૧૬ મો, પછી ૧૫ મો, પછી બીજો ને પછી બીજા અધ્યાય સમજવા સહેલા પડશે. ગીતા એક અદભૂત ગ્રંથ છે. ગીતા પ્રમાણે જ ચાલનાર કોઈપણ વ્યક્તિ આ જીવનમાં મુક્ત થઈ ધન્યતા ભોગવી શકે છે. ગીતામાં એટલું બળ છે. તેના મુખ્ય ધ્વનિ કે ઉપદેશ વિષે આજપર્યંત ઘણું ઘણું લખાયું છે. પરંતુ ઘણા વિદ્વાનોએ તેને પોતાની જ વિદ્વત્તા અનુસાર મૂલવવાનો પ્રયાસ કર્યો છે. તિલકે એ જ ગીતા પરથી કર્મયોગનું વિસ્તુત વિવેચન લખી નાખ્યું ને શંકરાચાર્યે જ્ઞાન પર જ તેનો આંક કાઢયો. પણ મારી મતિ પ્રમાણે ગીતાનું અંતરંગ તત્વ જુદું જ છે. ગીતાનો મુખ્ય ઉપદેશ કર્મ કે જ્ઞાનનો નથી. તેનો સંદેશ ઈશ્વરમયતાનો છે. મન, વાણી ને શરીરના રોમરોમમાંથી ઈશ્વરત્વનો નાદ થવો એ જ ગીતાનો ઉપદેશ-ધ્વનિ છે. સહેલી ભાષામાં કહીએ તો ગોપીઓના જેવી તન્મયતા ને રાધાના જેવી સર્વસમર્પણતા- આ જ ગીતાનું હૃદય છે. જ્ઞાન પણ તે આને જ માને છે તથા આને જ પરમભક્તિ કે યોગ કહે છે. એના સમર્થન માટે તેરમા અધ્યાયના જ્ઞાનનાં લક્ષણો જુઓ. તેમાં કૃષ્ણ ભગવાન કયાંય એમ નથી કહેતા કે વેદ જાણે, શાસ્ત્રો જાણે, વાદવિવાદ કરી શકે કે, જગત, બ્રહ્મ ને જીવની માહિતી આપી શકે તે જ્ઞાની. તે તો કહે છે જેનામાં નિર્માનીપણું હોય, દંભ ન હોય, અહિંસા, ક્ષમા, પ્રમાણિકતા હોય, તે જ જ્ઞાની છે. વળી જે સર્વમાં પોતાને ને પોતામાં સર્વને જુએ તે જ જ્ઞાની એટલે ઈશ્વરપરાયણતા કે આત્મમયતા એ જ ગીતાનો મુખ્ય સંદેશ છે. કેટલાક કહે છે કે અર્જુનને ઉપદેશ આપીને યુદ્ધ માટે પ્રર્યો માટે ગીતાનું રહસ્ય કર્મ જ છે. પણ તે યથાર્થ નથી. અર્જુનને કર્મની જરૂર હતી. માટે જ તેને કર્મની પ્રેરણા આપી છે. તે પ્રેરણાના ઊંડાણમાં પણ તેને ઈશ્વરપરાયણતાનો ઉપદેશ કર્યો જ છે. પોતાનું વિરાટ રૂપ દેખાડીને તેના રોમરોમમાંથી પોતાનો નાદ જગાડયો, પછી જ તેને કર્મ માટે યોગ્ય કર્યો. એટલે ગીતાને કર્મ સામે વિરોધ નથી પરંતુ તેનું મધ્યવર્તી રહસ્ય તો ઈશ્વરમયતા જ છે. આનો સ્ફોટ કરવાનો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે અનેક વાર પ્રયાસ કર્યો છે.

                                  *

ધ્યાન કરવાનો અભ્યાસ રાખવો. સૂતી વખતે ૦ કલાક પણ કરી લેવું. ધ્યાન કરતાં જો 'મા'ની છબી આંખ સામે રાખો તો ફાયદો થશે. શરૂઆતમાં મન સ્થિર કરવું અઘરું પડશે. તો 'મા'ની છબી સામે રાખી તેના તરફ નજર ઠરાવવી. સરસ્વતીની છબી ચાલે. કાલી એ જગજ્જનનીનું રૌદ્ર રૂપ છે ને સરસ્વતી શાંત રૂપ. એટલે સરસ્વતીની છબી સારી પડે. તે ઉપરાંત શિર્ષાસન પણ કરવું. એથી ખૂબ ફાયદો થાય છે.

ઉચ્ચ આધ્યાત્મિક જીવન જીવવા ઈચ્છનારે નીચેના પ્રશ્નોના જવાબ મેળવી લેવા ઘટે છે.

() વહેલા સૂવાનું રાખ્યું છે કે નહિ ? ૧૦ વાગે તો સૂવું જ જોઈએ.

() વહેલા ઊઠવાનું રાખ્યું છે કે નહિ ? વાગે તો ઊઠવું જ જોઈએ.

() ઊઠીને મનોમન પ્રાર્થના કરવાની ટેવ છે કે નહિ ?

() શૌચ, દાતણ, જલદી કરી લઈને તથા સ્નાનથી પરવારીને જપ કે ધ્યાનમાં બેસવાનો નિયમ રાખ્યો છે કે નહીં ?

() ગીતાનું વાંચન-મનન ઓછામાં ઓછા એક અધ્યાયનું પણ થાય છે કે ? સંતપુરુષોનાં જીવન વાંચો છો કે તેને યાદ પણ કરો છે કે ?

() કોઈપણ જાતનું વ્યસન તો નથી ને ? ભોજન પણ વ્યસન ખાતર તો નથી જ કરતા ને ?

() કપડાં વગેરે જરૂરિયાતો સંયમપૂર્વક રાખો છો ને ?

() બોલવા ચાલવામાં ધ્યાન રાખો છો ને ? સમયનો દુરુપયોગ તો નથી કરતા ?

() કોઈપણ કામ કરતાં આત્મલીન રહેવાય અથવા ઈશ્વરનું સ્મરણ રહે એવી ટેવ પાડી છે ?

(૧૦) રાતે સૂતી વખતે આખાયે દિવસને યાદ કરી જાઓ છો ?

(૧૧) સૂતા પહેલાં પ્રાર્થના કરો છો ?

(૧૨) કામ ક્રોધ લોભથી પર થવા પ્રયાસ કરો છો ?

(૧૩) સત્ય જ બોલો છો ને ? જીવનને દયામય, પ્રેમમય, નિ:સ્વાર્થી, આનંદી બનાવવા પ્રયાસ કરો છે ને ?

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'હિમાલયના પત્રો'માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer