|
દેવપ્રયાગ,
તા. ૧૭ જુલાઈ ’૪૫
મારા વ્હાલા આત્મા,
પત્ર તા. ૧૪ જુલાઈને રોજ મળ્યો.
વાંચી ખૂબખૂબ આનંદ થયો. આર્થિક પ્રતિકૂળતા નોકરી ના કરવાને લીધે ભોગવવી પડે એ
દેખીતું જ છે. મારી આંતરિક માન્યતા ને ઈચ્છા પ્રમાણે તો શિક્ષકના કામ જેવી
નોકરી તારે માટે વધારે બાધક ના થઈ પડે. પરંતુ તે છોડી દીધી તોપણ કોઈ બીજું કામ
મળી રહે તો લઈ લેવામાં વાંધો નથી. આર્થિક સ્થિતિ તેથી સબળ રહે છે. નોકરી સમજીને
કરવામાં આવે તો જ બાધક છે. જીવનની પૂર્ણતાની જે મહાન સાધના છે ને જેને માટે જ
વાસ્તવિક રીતે આ જીવન છે, તેના એક અંગ તરીકે તેને સ્વીકારવામાં આવે તો જરાય
ખોટું નથી. ગમે તેવા સાધનસંપન્ન સાધકને પણ શરીરનિર્વાહની તો જરૂર રહેવાની જ. ને
તે માટે તેણે જ્યાં સુધી સંસારમાં છે-ગૃહસ્થરૂપે છે, ત્યાં સુધી તો કોઈને કોઈ
પ્રવૃત્તિ ચલાવવી જ પડવાની. કબીર, રૈદાસ, જેવા મહાન સંતપુરુષો પણ જીવનનિર્વાહ
માટે ભક્તિની સાથે સાથે સામાન્ય કામકાજ પણ કરતા. ફક્ત તેમનાં ચિત્ત આઠે પહોર
ઈશ્વરના ચરણોમાં આસક્ત હતા, તેમનાં હૃદય ઈશ્વરનુરાગનો ઉચ્ચોચ્ચ આસ્વાદ લેવામાં
અનુરક્ત હતાં, ને તેથી જ બાહ્યવૃત્તિ તેમને માટે બાધક નહોતી થતી, કિન્તુ તે
કામકાજની સામાન્ય વૃત્તિ મટીને કાર્ય થઈ જતી. હા, જીવનનિર્વાહના એક જરૂરી અંગ
તરીકે એવા કારણને સ્વીકારવું જોઈએ. એવું કાર્ય લેવું જોઈએ જે કેવલ આર્થિક
લાભવાળું જ નહિ, મન તથા આત્માના વિકાસમાં પણ મદદ કરનારું હોય. દુનિયાનાં અનેક
કાર્યોમાંથી શિક્ષકનું કાર્ય આને માટે સારું છે પણ બીજાં કાર્યો પણ હોઈ શકે છે.
હું માનું છું કે શિક્ષકનું કાર્ય કેવલ અક્ષરજ્ઞાન આપવાનું કે કાંઈક કરીને પૈસા
પ્રાપ્ત કરવાનું કાર્ય નથી. તેની પાછળ મહાન ઉદ્દેશ છે. ને તેથી જ જે શિક્ષક છે
તેને માથે ભારે જવાબદારી છે. તે સારાયે રાષ્ટ્રનો-રાષ્ટ્રીય જીવનનો રચયિતા છે.
ને જ્યાં આને માટે અવકાશ નથી ત્યાંથી પૈસાના લોભને ત્યાગીને ખસી જવાથી શિક્ષક
પોતા પર ને દેશ પર ભારે ઉપકાર કરે છે. તું લખે છે કે ‘કેટલીક
વાર માત્ર ઈશ્વરની સેવામાં જ રહેવાનો વિચાર આવે છે.’
ખરું છે. પણ તે માટેનો સમય આ નથી. અત્યારે તો જે ચાલે છે તે જ બરાબર છે. ઈશ્વર
જેના પર દયા કરે છે તેના હૃદયમાં પરમ પ્રેમ, અપાર કરુણા ને પવિત્રતા રૂપે પ્રકટ
થાય છે. ગૃહસ્થજીવનના આવશ્યક કાર્યની સાથે સાથે ઈશ્વરારાધન કરતાં કરતાં આ સહજ
રીતે પ્રાપ્ત થઈ જશે. તેને માટે બાહ્ય કર્મનો સંન્યાસ કરવાની હમણાં જરૂર નથી.
દરેકને માટે વિકાસના રાહ વિવિધ હોય છે. તારો વિકાસ કોઈ પણ પરિસ્થિતિમાં થવા
સર્જાયલો છે. કેમ કે પૂર્ણ વિકાસને માટે જ તારું જીવન છે. એટલે નોકરી જેવી
બાહ્ય પ્રવૃત્તિને એક આવશ્યકતા માનીને સ્વીકારી લેવી.
*
બીજી વાત પ્રેમ વિશે છે. તેના
ઉત્તરમાં લખવાનું કે પ્રેમ કોઈ રીતે બંધનકારક થતો જ નથી. જે બાંધે છે એટલે કે
ગુલામની જેમ પરવશ કરી પોતાની સત્તા ચલાવે છે તે પ્રેમ નથી. તે તો મોહ છે. પ્રેમ
તો હંમેશાં મુક્તિદાતા છે. તે તો બંધનથી ઉન્મુકત કરનાર છે. માટે ઈન્દ્રિય
તૃપ્તિનો પ્રેમ જે પૂર્ણ પવિત્ર પ્રેમ નથી, તેને સુસંસ્કૃત કરી આત્માના સીધા
વ્યવહારમાં માણસે આવવું જોઈએ. પ્રેમમાં પણ વિકારનું તત્વ કો'કવાર
(શરૂઆતમાં) આવે છે. પણ તેમાં ને મોહમાં મુખ્ય અંતર એ જ છે કે પ્રેમ મુખ્યત્વે
ઈન્દ્રિયો, મન ને શરીરથી પર કોઈ તત્વના આકર્ષણરૂપે પ્રકટ થયેલી વસ્તુ છે,
જ્યારે મોહ કેવલ શરીર ને ઈન્દ્રિયો પર જ મુખ્યત્વે રચાયેલી વૃત્તિ છે. એટલે
પ્રેમના મૂળ સ્વરૂપને ઓળખવાથી પણ ખૂબ લાભ થાય છે. પ્રેમ એ ઈશ્વરનું જ સ્વરૂપ છે
એમ માનવામાં આવે તો પ્રેમ (ભલે સ્ત્રીનો, માતાનો કે કોઈનો પણ) કદી બંધનકારક થઈ
શકતો નથી. એમ જ માનવું કે દિવ્ય અનુભૂતિ વાટે પ્રકટ થતો પ્રેમ જે દેવી જગદંબા
સારીયે સૃષ્ટિમાં અનેકાનેક રૂપે વ્યાપી રહી છે તે જ પ્રેમનો-તે જ દેવીનો એક
પ્રવાહ છે ને દિવ્ય અનુભૂતિ પણ તે જ મહાદેવીનું જીવંત પ્રતિરૂપ છે. આવી દૃઢ
અનુભૂતિ આગળ વિકાર એક તિલમાત્ર પણ રહી શકતો નથી ને પ્રેમનો પવિત્ર સ્વાદ મળે
છે. બસ. આ જ તો ઈશ્વર છે. આ જ તો ઈશ્વરનો પ્રવાહી પ્રેમોદ્વેક -અવતાર ! ધન્ય હો
આવી અનુભૂતિ કરનારને ! ગૃહસ્થજીવનમાં રહીને પણ આ ઉચ્ચોચ્ચ પ્રેમરૂપી પરમેશ્વરનો
સાક્ષાત્કાર કરનારને ! |